You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કાલ સુધી દોસ્ત હતા, આજે હિંદુ-મુસલમાન થઈ ગયા પ્રિન્સ અને હમઝા
- લેેખક, કમલેશ
- પદ, બીબીસી સંવાદદાતા
પ્રિન્સ અને મોહમ્મદ હમઝા ત્યારથી સાથે ભણી રહ્યા છે કે જ્યારે તેઓ ધર્મનો અર્થ પણ નહોતા સમજતા. પરંતુ આજે તેઓ એકબીજા માટે હિંદુ-મુસ્લિમ થઈ ગયા છે.
બીજા ધોરણથી જ સાથે અભ્યાસ અને ખેલકૂદ કરનારા પ્રિન્સ અને હમઝાને અચાનક જ પાંચમાં ધોરણમાં અલગ કરી દેવામાં આવ્યા.
તેઓને જણાવવામાં આવ્યું કે હવે હિંદુ-મુસ્લિમ અલગઅલગ બેસશે.
પરંતુ આવું કેમ કરાઈ રહ્યું હતું એની તેમને જાણ નહોતી. તેઓ તો બસ અલગ થઈ રહ્યા હતા, જે અત્યાર સુધી ફક્ત બાળકો હતાં એ હવે હિંદુ-મુસલમાન થઈ ગયાં હતાં.
પરંતુ આવી રીતે અલગ થયાં હોય એવા પ્રિન્સ અને મોહમ્મદ હમઝા એકલા નથી.
દિલ્હીના વઝીરાબાદ ગામની ગલી નંબર 9ની નિગમ પ્રાથમિક કુમાર/કન્યા વિદ્યાલયમાં ઘણાં બાળકોને આવી ઓળખ સાથે સામનો કરાવાયો.
અહીં સ્કૂલ ઇન્ચાર્જના આદેશ ઉપર ધર્મના આધારે બાળકોના વર્ગ બદલી નાખવામા આવ્યા.
હિંદુ-મુસ્લિમ ભાઈ-ભાઈને મજબૂતી આપતો ક્લાસ હવે હિંદુ અને મુસ્લિમ ક્લાસમાં ફેરવાઈ ગયો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ધોરણ 5ના બી વિભાગમાં અભ્યાસ કરતો પ્રિન્સ જણાવે છે, "એક દિવસ ટિચરે અમને કહ્યું કે તમારા વિભાગો બદલાશે. હિંદુ બાળકો અલગ વર્ગમાં ભણશે અને મુસલમાન અલગ.''
''એ પછી હમઝા અલગ થઈ ગયો. એને અન્ય મુસ્લિમ બાળકો સાથે 5માં ધોરણના 'ડી' વિભાગમાં મોકલી દેવાયો."
"અગાઉ અમે આખો દિવસ સાથે રહેતા હતા, પરંતુ હવે લંચમાં જ સાથે રમી શકીએ છીએ. અમારા ઘર પણ દૂર છે અને એટલે જ ત્યાં પણ નથી મળતા."
મોહમ્મદ હમઝાએ પણ ક્લાસ બદલાયા બાબત કોઈ ખુશી વ્યક્ત કરી નહીં.
તે કહે છે, "ક્લાસ બદલાયો હતો એથી થોડું અજીબ લાગતું હતું. જૂના ક્લાસમાં મજા આવતી હતી. હવે અહીં થોડા મિત્રો બન્યા છે."
શિક્ષકોએ કર્યો હતો વિરોધ
પાંચમાં ધોરણ સુધીની આ શાળામાં કુલ 625 બાળકો છે અને દરેક ક્લાસમાં ચાર વિભાગ છે.
સ્કુલના ઇન્ચાર્જ ચંદ્રભાણ સિંહ સેહરાવતે વિભાગ બદલવાનો આદેશ આપ્યો હતો.
એ પછી સાંજની પાળીમાં આવનારા વિદ્યાર્થીઓને ધર્મ અનુસાર અલગઅલગ વિભાગમાં વહેંચી દેવામાં આવ્યા.
હાલ, ઉત્તર દિલ્હીના મેયર ચંદ્રભાણ સિંહને શાળાના ઇન્ચાર્જ પદ ઉપરથી બરતરફ કરવામાં આવ્યા છે.
જુલાઈમાં પ્રિન્સીપાલના ગયા બાદ તેઓએ આ પદભાર સંભાળ્યો હતો અને ઉનાળાની રજાઓ પછીથી વિભાગો બદલાયા હતો.
તમે આ વાંચ્યું કે નહીં?
શાળાના શિક્ષકોએ પણ આ આદેશનો વિરોધ કર્યો હતો, પરંતુ શાળાના ઇન્ચાર્જે પોતાના નિર્ણયથી પીછેહઠ નહોતી કરી.
જોકે, ચંદ્રભાણ સિંહ ધર્મના આધારે વિભાગો વહેંચવાના આરોપને નકારે છે.
તેમણે કહ્યું, "શાળામાં પહેલાં ત્રણ વિભાગ હતા અને એમાં બહુ વધારે બાળકો હતાં.''
''એક ક્લાસમાં 60-65 બાળકો પણ હતાં એટલે અમે નવા વિભાગ બનાવ્યા. જો મારો ઈરાદો હિંદુ-મુસ્લિમ બાળકોને અલગ કરવાનો હોત તો અમે મિશ્ર વિભાગ શા માટે રાખ્યો હોત?" '
પરંતુ શાળામાં મિશ્ર વિભાગ ઉપર પણ સવાલો ઉપસ્થિત થયા છે કારણકે તેમાં એક ધર્મની તુલનામાં અન્ય ધર્મના બાળકોની સંખ્યા બે કે ત્રણ જેટલી જ છે.
આ વાત પ્રિન્સીપાલ ચંદ્રભાણ સિંહે પોતે પણ સ્વીકારી.
તેમણે જણાવ્યું, "પાંચમાં ધોરણના A વિભાગમાં 55 હિંદુ, Bમાં 59 હિંદુ, Cમાં 41 મુસ્લિમ અને 2-3 હિંદુ અને Dમાં 47 મુસ્લિમ બાળકો છે.''
''બીજી તરફ પહેલાં ધોરણના વિભાગ Aમાં 36 હિંદુ અને 1 મુસ્લિમ બાળક છે. કુલ 17 વિભાગમાંથી 9 એવા છે જેમાં હિંદુ-મુસ્લિમ બંને બાળકો છે."
પરંતુ શાળાના શિક્ષકો આ વિષયમાં અલગ જ કથા કહે છે.
ત્રીજા ધોરણમાં બાળકોને ભણાવનારા એક વરિષ્ઠ શિક્ષક સત્યેન્દ્ર પાંડે કહે છે, "2જી જુલાઈથી સેહરાવતજીએ પ્રિન્સિપાલ ઇન્ચાર્જનું પદ સાંભળ્યું હતું. એ પછીથી જ તેમણે આ આદેશ આપ્યો હતો.''
''ઘણા શિક્ષકોએ તેમને ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. તેમણે કહ્યું કે તમે ભણાવો, વિભાગ જોવાનો અધિકાર એમનો છે."
"આ શાળામાં હિંદુ-મુસ્લિમને મુદ્દે કોઈ ઝઘડો નથી થતો. સહુ પ્રેમથી રહે છે. પછી ખબર નહીં શા માટે તેમણે આવો નિર્ણય લીધો."
ત્રણ-ચાર વર્ષથી અહીં કામ કરી રહેલાં શિક્ષિકા તન્વી ભાટિયા કહે છે, "વાલીઓની બહુ જ ફરિયાદો આવતી હતી કે હિંદુએ મુસ્લિમને અથવા મુસ્લિમે હિંદુ બાળકને શા માટે માર્યું. ઘરના લોકો આને બાળકો વચ્ચેની લડાઈની જેમ નહોતાં ગણી શકતા. એટલે જ આવો નિર્ણય લેવામાં આવ્યો જેથી ઝઘડા ના થાય અને બાળકોના ભણતર ઉપર તેની અસર ના પડે."
"પરંતુ મેં પણ વિભાગો બદલવા ઉપર ફરિયાદ કરી હતી કારણ કે મારા વર્ગના હોશિયાર મુસ્લિમ બાળકો અન્ય ક્લાસમાં જતાં રહ્યાં હતાં. બાળકોને પણ અજબ લાગે છે કે અચાનક વર્ગ બદલાઈ ગયો."
પહેલાં જેવા હશે વિભાગ
આ કિસ્સાએ જોર પકડ્યું તો ઉત્તર દિલ્હી નગર નિગમે ચાર્જ લઈને તરત જ કાર્યવાહી કરતા પ્રિન્સિપાલ ચંદ્રભાણ સિંહ સેહરાવતને બરખાસ્ત કરી દીધા અને તપાસ શરૂ કરી દીધી છે.
ઉત્તર દિલ્હીના મેયર આદેશ ગુપ્તાએ પ્રેસ રિલીઝ પ્રકાશિત કરીને આ વાતની જાણકારી આપી.
તેમણે કહ્યું કે ઉત્તર દિલ્હી નગર નિગમમાં જાતિ, સમુદાય અથવા ધર્મને આધારે કોઈપણ સામાજિક વિભાજનને ચલાવી લેવામાં આવશે નહીં.
એવા કોઈપણ પ્રયત્નની માહિતી મળતાં જ તરત કાર્યવાહી કરવામાં આવશે.
સમાચાર એજન્સી પીટીઆઈના અનુસાર માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકરે પત્રકારોને કહ્યું છે, "અમને હજુ સુધી કોઈ ફરિયાદ નથી મળી, પરંતુ અમે મીડિયામાં આવા સમાચાર વાંચ્યા છે. મેં આ મુદ્દે અહેવાલ માંગ્યો છે."
દિલ્હીના શિક્ષણ મંત્રી માનીષ સિસોદિયાએ પણ ટ્વીટ કરીને આ મુદ્દાને બંધારણ વિરુદ્ધનું કાવતરૂં ગણાવ્યું.
આ સાથે જ તેમણે શિક્ષણ નિયામકને તપાસના આદેશ આપ્યા છે.
બીજી તરફ, દિલ્હી બાળ સંરક્ષણ આયોગે ઉત્તર દિલ્હી નગર નિગમ દ્વારા સંચાલિત શાળાના પ્રભારીને નોટિસ મોકલીને વિદ્યાર્થીઓને ધર્મના આધારે અલગઅલગ બેસાડવાનું કારણ પૂછ્યું છે.
આયોગ દ્વારા બે દિવસમાં ફરીથી વિભાગ બદલી નાખવા માટે આદેશ પણ આપવામાં આવ્યા છે.
સાથે જ કહ્યું છે કે આ રીતે અલગઅલગ બેસાડવાની અસર બાળકોના સમગ્ર શિક્ષણ અને વિકાસ ઉપર પણ પડી શકે છે.
'નફરત જન્માવી રહ્યા છે'
વઝિરાબાદ ગામ થોડા સમય પહેલાં હિન્દુઓની વસતી ધરાવતો વિસ્તાર હતો, પરંતુ પુરાની દિલ્હી છોડીને આવ્યા બાદ અહીંયા મુસ્લિમ રહેવાસીઓની સંખ્યા પણ વધી ગઈ છે.
આનાથી શાળામાં બંને ધર્મોના બાળકો અભ્યાસ અર્થે આવવાં લાગ્યાં.
પરંતુ, શાળાની સામે જ ટીવીની દુકાન ઉપર બેઠેલા કેટલાક લોકો કોઈપણ પ્રકારની અથડામણ થઈ હોવાનું નકારે છે.
તેમને આ બાબત ઘણી આશ્ચર્યજનક લાગી હતી.
દુકાનના માલિક રામ કુમાર કહે છે, "અમારાં બાળકો પણ અહીં અભ્યાસ કરે છે, પરંતુ ક્યારેય આવું નથી જોયું. ''
''આજે મને 47 વર્ષ થઈ ગયા છે. જો આવું કર્યું હોય તો તે અત્યંત અયોગ્ય છે. આનાથી બાળકો વચ્ચે નફરત પેદા થશે અને ઝઘડો વધશે. બંને ધર્મોનાં બાળકો મળીને રહેવાનું કેવી રીતે શીખશે?''
એ દુકાને જ બેઠેલા આમિર કહે છે, "હવે આ મુદ્દે રાજનીતિ થવાની શરૂ થઈ જશે. કોંગ્રેસ-ભાજપ વાળા આવવાનું શરૂ કરી દેશે, તોડ-ફોડ થશે અને રાજકીય રોટલા શેકવામાં આવશે.''
''અમારે તો એક સાથે ઊઠવા-બેસવાના સંબંધો છે તો બાળકો શા માટે ધર્મના નામે લડે?"
ગુજરાતમાં થયેલી હિંસા અને ગુજરાત છોડી જવાને મુદ્દે ત્યાંના બિહારીઓ શું વિચારે છે?
ગલી નંબર 3થી આવેલા મોહમ્મદ ખાલિદ પોતાની બાળકીને લઈને સ્કૂલે આવ્યા હતા.
મીડિયાને જોઈને અટકી ગયા અને બોલ્યા, "મેડમ અહીં શું ચાલી રહ્યું છે? શું સાચે જ બાળકોના વિભાગો બદલાઈ રહ્યા છે? અમે તો આવું ક્યાંય નથી જોયું. વિભાગો બદલીને આ લોકો શું કરશે?"
તેમના ચહેરા ઉપર એ ચિંતા બહુ સ્પષ્ટ દેખાઈ રહી હતી.
પોતાના દીકરાને નાસ્તો આપવા આવેલાં અમીના સાથે જયારે વાત કરી તો સ્કૂલમાં અભ્યાસ ના થવા, ઇમારત ખરાબ હોવાં અને બાળકો પર ધ્યાન નહીં આપવાની તેમની ફરિયાદોમાં હવે એક વધારાની તકલીફ જોડાઈ છે.
બાળકોને હિંદુ-મુસ્લિમ સવાલ
જયારે હું શાળાએ પહોંચી તો મીડિયા ભેગું થઈ ગયું હતું. કેટલાંક બાળકો તો કોઈ માતા-પિતાને અટકાવીને સવાલો પૂછી રહ્યાં હતાં.
પહેલાથી લઈને પાંચમાં ધોરણ સુધીના તમામ બાળકો ત્યાં હાજર હતાં.
કેટલાંક તો એટલાં નિર્દોષ કે કૅમેરા અને માઇક જોઈને જ ખુશ થઈ ગયાં હતાં.
આ તમામ બાળકોને સવાલો પૂછાઈ રહ્યા હતા કે શું તમારા વિભાગો બદલી નાખવામાં આવ્યા છે?
હિંદુ બાળકોને અલગ અને મુસ્લિમ બાળકોને અલગ કરી દેવાયાં છે?
આવું શા માટે કરવામાં આવ્યું? શું હિંદુ-મુસ્લિમ બાળકો ઝગડતાં હતાં?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો