ભારતીય સીમામાં ઘૂસેલા પાકિસ્તાની હેલિકૉપ્ટરમાં પાક. પ્રશાસિત કાશ્મીરના પીએમ હતા

જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ વકર્યો છે.

રવિવારે બપોરે ભારતીય સેનાએ એક મોટો ખુલાસો કર્યો હતો. સેનાના કહેવા પ્રમાણે, પાકિસ્તાનનું હેલિકૉપ્ટર ભારતીય હવાઈ સીમામાં પ્રવેશ્યું હતું.

બીબીસી ઉર્દૂના જણાવ્યા પ્રમાણે, સફેદ રંગના આ હેલિકૉપ્ટરમાં પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના વડા પ્રધાન રાજા ફારુક બેઠા હતા.

ભારતીય સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદના કહેવા પ્રમાણે, પાકિસ્તાનના હેલિકૉપ્ટરે 12 વાગ્યે અને દસ મિનિટે હવાઈ સીમાનો ભંગ કર્યો હતો અને નિયંત્રણ રેખા પાર કરીને ભારતના પૂંછના ગુલપુર વિસ્તારમાં પ્રવેશ્યું હતું.

લગભગ થોડી વાર સુધી તે ભારતીય સીમામાં રહ્યું હતું અને પરત ફર્યું હતું.

પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ 'આજ ન્યૂઝ'ના રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)ના નેતા રાજા ફારુક હૈદર એક શોકસભામાં ભાગ લેવા માટે હેલિકૉપ્ટર મારફત પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના તરોરી વિસ્તારમાં ગયા હતા.

સમાચાર એજન્સી એએનઆઈ (એશિયન ન્યૂઝ ઇન્ટરનેશનલ)એ પાકિસ્તાની હેલિકૉપ્ટરના ભારતમાં પ્રવેશનો 30 સેકંડનો વીડિયો ટ્વીટ કર્યો હતો. ભારત અને પાકિસ્તાનની વચ્ચે સંબંધોમાં તણાવ પ્રવર્તે છે, ત્યારે આ ઘટનાને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

UNમાં તણખાં ઝર્યાં

શનિવારે સંયુક્ત રાષ્ટ્રની 73મી મહાસભામાં ભારત અને પાકિસ્તાનના વિદેશ પ્રધાનોએ એકબીજા પર નિશાન સાધ્યું હતું.

ભારતના વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે આરોપ મૂક્યો હતો કે પાકિસ્તાન દ્વારા ત્રાસવાદ ફેલાવવામાં આવે છે.

બીજી બાજુ, પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું હતું કે કાશ્મીરની સમસ્યાના ઉકેલ વગર ભારત અને પાકિસ્તાનની વચ્ચે શાંતિ નહીં સ્થપાઈ શકે.

દરમિયાન રવિવારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત'માં કહ્યું હતું કે શાંતિ અને સંવાદ માટે ભારત પ્રતિબદ્ધ છે. પરંતુ આત્મસન્માન તથા સંપ્રભુતા પર કોઈ પણ પ્રકારનો પ્રહાર સાંખી લેવામાં નહીં આવે.

મોદીએ કહ્યું હતું કે જો શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવશે, તો ભારતની સેના જડબાતોડ જવાબ આપશે.

2016માં ભારતે હાથ ધરેલી 'સર્જિકલ સ્ટ્રાઇક'નો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે આતંકવાદ દ્વારા અપ્રત્યક્ષ યુદ્ધ હાથ ધરનારાઓને કોઈપણ સંજોગોમાં માફ કરવામાં નહીં આવે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો