You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન પર ખૂબ વરસ્યાં સુષમા સ્વરાજ
ભારતનાં વિદેશ મંત્રી સુષમા સ્વરાજે અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં સંયુક્ત રાષ્ટ્રની જનરલ ઍસેમ્બલીના 73માં સત્રને સંબોધીત કર્યું.
પોતાના સંબોધનની શરૂઆત સુષમાએ ઇન્ડોનેશિયામાં આવેલા ભૂકંપમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પીને કરી.
જોકે, તેમના ભાષણમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં આવેલી ખટાશ અનુભવાઈ.
પાકિસ્તાન પર પ્રહાર
તેમણે કહ્યું, ''ભારત દાયકાથી આતંકવાદનો ભોગ બની રહ્યું છે. અમને પડોશી રાષ્ટ્રમાંથી જ આતંકવાદનો સામનો કરવો પડી રહ્યો છે.''
''પાકિસ્તાન આતંકવાદને માત્ર પ્રોત્સાહન જ નથી પૂરું પાડી રહ્યું, આ વાતને નકારતું પણ રહ્યું છે.''
''તેણે ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાં છૂપાવી રાખ્યો અને સંપૂર્ણ સત્ય સામે આવ્યા બાદ પણ તેના ચહેરા પર ના તો સંકોચ વર્તાયો કે ના તો દુઃખ.''
તેમણે ઉમેર્યું, ''9/11નો માસ્ટર માઇન્ડ તો માર્યો ગયો પણ 26/11નો માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદ પાકિસ્તાનમાં ચૂંટણી લડે છે.''
''ભારતે પાકિસ્તાન સાથે કેટલીય વખત વાતચીત કરવા પ્રયાસ કર્યો. મેં જાતે ઇસ્લામાબાદ જઈને વાતચીતની શરૂઆત કરવાનો પ્રયાસ કર્યો પણ એ જ વખતે પઠાણકોટના અમારા ઍરબૅઝ પર હુમલો કરી દેવાયો.''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શાશ્વત વિકાસને લઈને પ્રતિબદ્ધ
ભારતની વિકાસ નીતિની વાત કરતાં તેમણે જણાવ્યું, ''વર્ષ 2015માં સંયુક્ત રાષ્ટ્રે શાશ્વત વિકાસનું લક્ષ્ય રાખ્યું હતું. ભારત 2030માં સંયુક્ત રાષ્ટ્રના શાશ્વત વિકાસના ઍજન્ડાને લઈને પ્રતિબદ્ધ છે.''
તેમણે ઉમેર્યું, ''ભારતમાં નાણાકીય સમાવેશી યોજના અંતર્ગત જન ધન યોજના ચલાવાઈ રહી છે. અમે ગરીબોનાં બૅન્ક ખાતાંમાં સીધી જ સહાય નાખી રહ્યાં છીએ.''
તેમણે જણાવ્યું, ''વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 'આયુષ્માન ભારત' યોજના શરૂ કરી છે. જે અંતર્ગત 50 કરોડ લોકોને બિમારીની સ્થિતિમાં 5 લાખ રૂપિયા સુધીની રકમ અપાશે.''
''આ સાથે જ 'પ્રધાન મંત્રી આવસ યોજના' પણ શરૂ કરવામાં આવી છે. 'મુદ્રા યોજના' અંતર્ગત 9 લાખ લોકોને કરજ અપાશે. ગત વર્ષે આ જ મંચ પરથી મેં 'ઉજ્જ્વલા યોજના'નો ઉલ્લેખ કર્યો હતો અને આજે પણ આ યોજના ચાલુ છે.''
તેમણે ઉમેર્યું, ''2022માં ભારત સ્વતંત્રતાના 75 વર્ષ ઉજવશે. અમે સંકલ્પ કર્યો છે કે 2022 સુધીમાં સ્વસ્થ ભારત, સ્વચ્છ ભારત અને સમૃદ્ધ ભારત બનશે.''
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો