You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અ'વાદમાં ઑનર કિલિંગ : દંપતીની હત્યા, આરોપીની ધરપકડ
- લેેખક, સાગર પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે ઑનર કિલિંગની ઘટના ઘટી છે, જેમાં એક યુવક પર તેના બહેન તથા બનેવીના ઑનર કિલિંગનો આરોપ લાગ્યો છે.
મળતી વિગત મુજબ, મૃતક તરુણા ચાવડા દેત્રોજના કોઇન્તિયાના અને વિશાલ પરમાર સાણંદના છારોડીના છે અને તેમણે પ્રેમલગ્ન કર્યું હતું, જેથી તરુણાનો પરિવાર નારાજ હતો.
ગુરુવારે સાંજે પોલીસે આરોપી હાર્દિક ચાવડાને ઝડપી લઈને તેની પૂછપરછ હાથ ધરી હતી.
વિશાલના પરિવારજનોનું કહેવું છે કે હત્યા સમયે તરુણા ગર્ભવતી હતાં. આ અંગે પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવ્યો ન હોવાથી તેની ઔપચારિક પુષ્ટિ થઈ શકી નથી.
વિશાલ પરમાર સાણંદ જીઆઈડીસી ખાતે એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા. ત્રણેક વર્ષ અગાઉ વિશાલને તેમના જ ગામમાં રહેતાં તરુણા ચાવડા સાથે પ્રેમ થયો હતો.
લગભગ છ મહિના અગાઉ યુગલે પરિવારની મરજી વિરુદ્ધ કોર્ટમાં પ્રેમલગ્ન કર્યું હતું, આથી તરુણાનો પરિવાર નારાજ થયો હતો.
બુધવારે સાંજે સાડા છ વાગ્યા આજુબાજુ સાણંદના એસટી (સ્ટેટ ટ્રાન્સપોર્ટ) બસસ્ટેન્ડ વિસ્તારમાં રહેતાં તરુણા તથા વિશાલ પર હુમલો કરવામાં આવ્યો હતો અને ચપ્પુના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી.
તરુણા તથા વિશાલ પર હુમલા બાદ ઉતારવામાં આવેલો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં આજુબાજુના લોકો પીડિતોને હૉસ્પિટલે લઈ જવાની તજવીજ હાથ ધરવાના બદલે મોબાઇલ પર તેમનો વીડિયો ઉતારતા નજરે પડ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમદાવાદ ગ્રામ્ય ડીવાય.એસ.પી. (ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ) કે. ટી. કામરિયાએ બીબીસી સાથે વાતચીત કરતાં જણાવ્યું, "દંપતી ત્રણ દિવસ અગાઉ જ અહીં રહેવા આવ્યું હતું."
"પ્રત્યક્ષદર્શીઓ પાસેથી મળેલી માહિતીના આધારે અમે મૃતક તરુણાનાં ભાઈ હાર્દિક પર તપાસ કેન્દ્રિત કરી છે."
"ગુરુવારે મૃતકોનાં શબના પોસ્ટમૉર્ટમ બાદ પરિવારજનોને સોંપવામાં આવ્યાં હતાં."
સાણંદ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગુરુવારે આરોપી હાર્દિકની ધરપકડ કરી હતી.
મૃતક વિશાલના પિતા દિનેશભાઈએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "વિશાલ અને તરુણા પ્રેમમાં હતાં. વિરોધને કારણે બન્નેએ ભાગીને કોર્ટમાં લગ્ન કર્યું હતું. 20 દિવસ બાદ અમે તેમને ઘરે લાવ્યાં હતાં."
"બંનેનાં છૂટાછેડા કરાવી દેવા અમારી ઉપર દબાણ થયું હતું, પરંતુ અમે તૈયાર થયાં ન હતાં. ત્યારપછી અમે તેમને થોડા દિવસ માટે ગામની બહાર રહેવા મોકલી દીધાં હતાં."
"અમે તેમને બસસ્ટેન્ડ વિસ્તારમાં મકાન ભાડે લઈ આપ્યું હતું."
દિનેશભાઈ પરમારના કહેવા પ્રમાણે, "તરુણા ગર્ભવતી હતાં. એટલે આ બે નહીં પરંતુ ત્રણ લોકોની હત્યા છે." મૃતદેહનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું છે, પરંતુ તેનો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી એટલે તેની ઔપચારિક પુષ્ટિ થઈ શકી નથી.
ફરિયાદ બાદ પરમાર પરિવારને પોલીસ સંરક્ષણ આપવામાં આવ્યું છે.
સાણંદ પોલીસ સ્ટેશન પી.આઈ. (પોલીસ ઇન્સ્પેક્ટર) જે. આર. ઝાલાએ બીબીસી સાથે વાતચીતમાં જણાવ્યું કે, લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી હાર્દિકની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસનો દાવો છે કે હાર્દિકે તેનો ગુનો કબૂલી લીધો છે. હાર્દિકના કહેવા પ્રમાણે તે તથા મૃતક વિશાલ સારા મિત્ર હતા.
તરુણા અને વિશાલ પારિવારિક મામા-ભાણેજ થતા હોવાથી તેઓ આ લગ્નસંબંધથી નારાજ હતા.
પોલીસે આરોપી હાર્દિકની કોઈએ મદદ કરી હતી કે કેમ? તથા હથિયાર ક્યાં છુપાવ્યું છે? તેની તપાસ હાથ ધરી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો