પુત્રીઓએ કર્યા અંતિમ સંસ્કાર તો મળી સજા

દીકરીઓએ પિતાને કાંધ આપી તેની તસવીર

ઇમેજ સ્રોત, Meera Regar

    • લેેખક, કમલેશ
    • પદ, બીબીસી સંવાદદાતા

"જ્યારે અમે જ અમારાં પિતાની કાળજી રાખી અને મદદ કરવા કોઈ ના આવ્યું તો અંતિમ સમયે અમે શા માટે તેમના અગ્નિસંસ્કાર ના કરી શકીએ?"

રાજસ્થાનનાં રહેવાસી મીના રેગર આ સવાલ કરે છે, જેના પરિવારને, દીકરીઓને હાથે પિતાના અંતિમ સંસ્કાર કરાવવાની સજા ભોગવવી પડી છે.

મીનાનું પિયર બૂંદીમાં છે અને તેઓ કોટામાં પોતાના સાસરે રહે છે. તેમના પિતા દુર્ગાશંકરનું અવસાન જુલાઈ મહિનામાં થયું હતું.

જ્યારે મીના અને તેમની ત્રણ બહેનોએ પોતાના પિતાના અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લીધો તો તેઓને સમાજમાંથી બહિષ્કૃત થવું પડ્યું અને વધુમાં એ મુશ્કેલ ઘડીમાં તેમના સંબંધીઓ પણ તેમને એકલાં છોડીને ચાલ્યા ગયા.

મીના જણાવે છે, "ઘરનો ખર્ચ પિતાને માથે હતો, પરંતુ 2012માં તેઓ લકવાગ્રસ્ત થઇ ગયા. ત્યારથી ઘરની આર્થિક હાલત ખરાબ થવા લાગી હતી."

''એ પરિસ્થિતિમાં, મા અને અમે ચાર બહેનોએ મળીને જેમ-તેમ કરીને ઘર સંભાળ્યું. ત્યારે કોઈએ અમારી મદદ કરી નહોતી. કોઈક રીતે બહેનોનાં લગ્ન થયાં અને સાસરીયા તરફથી મદદ મળી."

શું તમે આ વાંચ્યું?

"એક વાર પિતાજીએ કહ્યું હતું કે આપણા મુશ્કેલ સમયમાં કોઈએ આપણી મદદ નથી કરી. તમે સહુ બહેનોએ મળીને જ પરિસ્થિતિ સંભાળી છે. એટલે મારા અગ્નિસંસ્કાર તમે જ કરજો. કદાચ એમને ખબર પણ જ હતી."

પરંતુ મીના અને તેની બહેનોએ આ હિંમત કરવાની કિંમત ચૂકવવી પડી અને જે દિવસે પિતાના અંતિમ સંસ્કાર થયા તે જ દિવસે સમાજે પરિવારનો બહિષ્કાર કરીને તેમને સમાજની બહાર કાઢી મૂક્યાં.

દીકરીઓએ પિતાને કાંધ આપી તેની તસવીર

ઇમેજ સ્રોત, Meena Regar

મીના કહે છે, "જ્યારે પિતાની અર્થી તૈયાર કરવામાં આવી તો અમે બહેનો તેમને કાંધે ઉઠાવવા માટે આગળ આવી. આ જોઈને સહુ અચંબામાં પડી ગયા અને અમને ટોકવા લાગ્યા. ત્યારે અમે જણાવ્યું કે અમારા પિતાની આ જ ઇચ્છા હતી પરંતુ અમારા પરિવારજનો જ એનો વિરોધ કરવા લાગ્યા."

"મારા કાકા-મોટાબાપા સુદ્ધાંએ કહ્યું કે છોરીઓ એમ જ ઊભી થઈ ગઈ છે. અમે લોકો શું મરી ગયા છીએ! એ પછી પપ્પાની ચિતાને કાંધ આપતા પહેલાં જ એ લોકો જતા રહ્યા."

line

સમાજમાંથી બહિષ્કાર

દીકરીઓએ પિતાને કાંધ આપી તેની તસવીર

ઇમેજ સ્રોત, Meena Regar

પરંતુ, વાત એટલે પૂરી થઈ નહીં. જ્યારે ચારેય બહેનો પોતાના ખભા ઉપર પોતાના પિતાના શબને લઈ જઈ રહી હતી ત્યારે આખું ગામ સ્તબ્ધ થઈ ગયું હતું. કેમકે, ત્યાં એ ઘટના બની રહી હતી જે અગાઉ ક્યારેય બની નહોતી.

પછી પંચાયતે આ મુદ્દે વિરોધ કર્યો અને તેમને સમાજમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા.

મીના કહે છે, "અમારા ત્યાંની પરંપરા એવી છે કે અંતિમ સંસ્કાર બાદ ગામમાં જ બનાવેલા સમુદાય ભવનમાં નહાવા જવાનું હોય છે. પરંતુ જ્યારે અમે ત્યાં પહોંચ્યા, તો ત્યાં તાળું લટકતું હતું.”

“અમે સમજી ગયાં કે અમારી સાથે શું કરવામાં આવી રહ્યું છે. અમારે ઘરે જઈને જ નહાવું પડ્યું."

"આવા સંજોગોમાં લોકો તમને આધાર આપે છે અને મળવા આવે છે, પરંતુ અમને એકલાં છોડી દેવામાં આવ્યાં. પરંપરાગત રીતે જેમનાં ઘરમાં મૃત્યુ થાય એ દિવસે રસોઈ નથી બનતી.”

“ગામનાં લોકો જ ભોજનની વ્યવસ્થા કરે છે. પરંતુ અમને કોઈએ ભાણું ધર્યું નહીં. અમારે એ રિવાજનો ભંગ કરીને અમારા ઘરે જ રસોઈ બનાવવી પડી."

"એક તરફ અમારાં માથેથી પિતાની છત્રછાયા જતી અને બીજી તરફ સમાજે પણ અમારો બહિષ્કાર કરી દીધો હતો. પરંતુ અમે કોઈ પણ પરીસ્થિતિ માટે તૈયાર હતાં કારણકે અમે કશું જ ખોટું કર્યું નહોતું."

line

દીકરાઓને જ અધિકારો શા માટે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, DDNews

જોકે, પંચાયતના પ્રતિબંધો લાંબાગાળા સુધી ન રહ્યા. પોલીસ અને મીડિયાની દખલને લીધે થોડાક લોકોએ ડરીને પીછેહઠ કરી.

સમાજમાં એવી પરંપરા છે કે માતા-પિતાનાં અંતિમ સંસ્કાર અને તે પછીની ક્રિયાઓ પુત્ર જ કરી શકે છે.

પરંતુ હવે લોકો આ પરંપરાનો ભંગ પણ કરવા લાગ્યા છે. કેટલાંક એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં દીકરીઓએ માતા-પિતાના અગ્નિસંસ્કાર કર્યા છે.

હાલમાં જ ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનાં દત્તક પુત્રી નમિતા રાજકુમારીએ તેમને મુખાગ્નિ અર્પણ કરી હતી. નમિતા, રાજકુમારી કૌલ અને પ્રોફેસર બી એન કૌલનાં પુત્રી છે, તેમને વાજપેયીએ દત્તક લીધાં હતાં.

અટલ બિહારી વાજપેયીના અંતિમ સંસ્કારનું ટીવી ઉપર જીવંત પ્રસારણ પણ થયું હતું અને હજારો લોકોએ એક દીકરીને મુખાગ્નિ આપતાં જોયાં હતાં.

છતાંય આવાં ઉદાહરણ હજી બહુ ઓછાં છે અને સમાજમાં તેનો સ્વીકાર પણ હજુ પ્રારંભિક તબક્કામાં છે.

વીડિયો કૅપ્શન, ઘૂંઘટ-બુરખામાં જીવતી મહિલાઓને આ પરેશાની સહન કરવી પડે છે

લોકો કહે તો છે કે દીકરીઓ પણ એટલી જ વહાલી હોય છે, જેટલા દીકરાઓ, છતાંય દીકરીઓને પોતાનાં જ માતા-પિતાનાં અંતિમ સંસ્કારનો અધિકાર શા માટે નથી મળતો?

આ મુદ્દે સામાજિક કાર્યકર્તા સ્વામી અગ્નિવેશ કહે છે, "આપણે ત્યાં કેટલીક પરંપરાઓ દ્વારા મહિલાઓના શોષણના વિવિધ ઉપાયો શોધાયેલા છે. જેના દ્વારા તેઓને દ્વિતીય દરજ્જા ઉપર રખાય છે.”

“રજસ્વલા (પીરીયડ્સ) મહિલાઓ મંદિર ના જઈ શકે જેવાં નિયમોની આડમાં તેમની સાથે અછૂતો જેવો વ્યવહાર કરવામાં આવે છે.”

"દીકરા દ્વારા અંતિમ સંસ્કાર કરાવીને માતા-પિતા ઉપર તેને વધુ અધિકાર આપે છે. એવી માનસિકતા છે કે જો દીકરી પાસે પણ કરાવવામાં આવશે તો તેઓ વધુ અધિકાર અને ખાસ કરીને સંપત્તિનો અધિકાર પણ માગવા લાગશે.”

“જો કે, હવે તો કાયદો દીકરીઓના પક્ષમાં છે અને તેઓને એ તમામ અધિકારો આપે છે."

સ્વામી અગ્નિવેશ કહે છે કે જે ધર્મને આધાર બનાવીને આ પરંપરાઓ ચાલી રહી છે તે જ આ ખોટું માને છે. વેદો ઉપનિષદોમાં પણ આવાં કોઈ ભેદભાવની વાત કરવામાં આવી નથી બલકે સ્ત્રીઓને બરાબરીનો દરજ્જો આપવામાં આવ્યો છે.

બદલાતા સમયની સાથે લોકોએ આ રૂઢિઓને છોડવી જોઈએ. દીકરીઓને પોતાના માતા-પિતા ઉપર સંપૂર્ણ અધિકાર મળવો જોઈએ.

સામાજિક કાર્યકર્તા કમલા ભસીન કહે છે, "કોઈ પણ રીતનાં ધાર્મિક કાર્યોમાંથી મહિલાઓની દૂરીનો મતલબ જ એ હોય છે કે તેમને યાદ કરાવતા રહેવું કે તમે નીચલા દરજ્જાનાં છો. સંપૂર્ણ માનવી સુદ્ધાં ય નથી. જે દલિતો સાથે પણ થાય છે. જ્યારે મારો ભાઈ હોવા છતાં પણ મેં પોતે મારી માનાં અંતિમ સંસ્કાર કર્યાં હતાં ત્યારે મારે તેને માટે કોઈ દૈવી પ્રકોપ સહન કરવો પડ્યો નહોતો."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો