You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બિહારમાં સવર્ણોની નારાજગીની રોકડી કરવાનો કોંગ્રેસનો દાવ?
- લેેખક, મનીષ શાંડિલ્ય
- પદ, બીબીસી ગુજરાતી માટે, બિહારથી.
બિહારમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિની પ્રમુખનું પદ લગભગ એક વર્ષથી ખાલી પડ્યું હતું. કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ તે જવાબદારી ભૂતપૂર્વ પ્રધાન મદન મોહન ઝાને મંગળવારે સોંપી હતી.
મહાગઠબંધનના સમયમાં મદન મોહન ઝા નીતિશ સરકારમાં મહેસુલ અને જમીન સુધારણા ખાતાના પ્રધાન હતા.
તેઓ દરભંગા જિલ્લાના વતની છે અને કોંગ્રેસનું રાજકારણ તેમને વારસામાં મળ્યું છે.
તેમના પિતા દિવંગત નાગેન્દ્ર ઝા બિહાર સરકારમાં શિક્ષણ પ્રધાન હોવાની સાથે આઠ વખત ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયા હતા.
સામાજિક રીતે મદન મોહન ઝાનો સંબંધ સવર્ણ વર્ગ સાથે છે. તેઓ મૈથિલ બ્રાહ્મણ છે.
મદન મોહન ઝાની સાથે સવર્ણ વર્ગના બીજા નેતા અખિલેશ સિંહને કોંગ્રેસે પ્રચાર સમિતિના વડપણની જવાબદારી મંગળવારે જ સોંપી હતી.
શું તમે આ વાંચ્યું?
આ બન્નેની નિમણૂંકને કારણે એવી ચર્ચા થઈ રહી છે કે શું કોંગ્રેસે હાલ નરેન્દ્ર મોદી સરકારની નીતિથી નારાજ સવર્ણ વર્ગને પોતાની સાથે ફરી જોડવા આ દાવ ખેલ્યો છે?
"કોંગ્રેસ નાતજાતમાં માનતો નથી"
એસસી-એસટી એક્ટ, અનામત અને પ્રમોશનમાં અનામત જેવા મુદ્દે સવર્ણ વર્ગની નરેન્દ્ર મોદી સરકાર પ્રત્યેની કથિત નારાજગી ચર્ચાના કેન્દ્રમાં છે. એ નારાજગીની રોકડી કરવા માટે આ નિર્ણય કરાયો છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સવાલના જવાબમાં મદન મોહન ઝાએ કહ્યું હતું, "કોંગ્રેસ નાતજાતમાં માનતો નથી. મારી નિમણૂંકને જ્ઞાતિ સાથે જોડવાનું યોગ્ય નથી."
"લોકોને લાગ્યું હશે કે અમે લાંબા સમયથી કામ કરીએ છીએ. પક્ષના વફાદાર છીએ. લોકો મને સ્વીકારે છે. તેથી પક્ષે મને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યો છે. આ નિર્ણયને મારા બ્રાહ્મણ હોવા સાથે કોઈ સંબંધ નથી."
કોંગ્રેસના નવા પ્રદેશ અધ્યક્ષના જણાવ્યા મુજબ, મુદ્દો માત્ર સવર્ણોની નારાજગીનો નથી. તમામ જ્ઞાતિઓના લોકો કેન્દ્ર સરકારની વિરુદ્ધમાં છે.
લોકો પર અત્યાચાર થાય છે ત્યારે તેઓ જ્ઞાતિનો વિચાર નથી કરતા. બધાની ઇચ્છા કોમવાદી પક્ષોને હરાવવાની છે.
"સવર્ણોની નારાજગીની વાતો છે અફવા"
બીજી તરફ ભારતીય જનતા પક્ષ (ભાજપ)નું કહેવું છે કે સવર્ણોની નારાજગીની વાતો અફવા છે.
કોંગ્રેસની વર્તમાન હાલત વિશે ભાજપના પ્રવક્તા સંજયસિંહ ટાઈગરે શાયરની શૈલીમાં કહ્યું હતું, "ઉમ્રભર ગાલિબ ભૂલ યહી કરતા રહા, ચહેરે પર ધૂલ થી, આઈના સાફ કરતા રહા."
તેમણે કહ્યું હતું, "કોંગ્રેસ પક્ષ તેની ચાલ, ચરિત્ર અને ચહેરો નહીં બદલે ત્યાં સુધી તેને પ્રમુખ બદલવાથી કોઈ ફાયદો થવાનો નથી."
"વિરોધ પક્ષો ચૂંટણી પહેલાં જ હાર સ્વીકારી ચૂક્યા છે. તેઓ વિકાસના એજન્ડાને અવળે માર્ગે લઈ જવા ધારે છે."
"સવર્ણ મતમાં કોંગ્રેસ ભાગલા પડાવી શકે"
જોકે, બિહારની રાજકીય પરિસ્થિતિ અને સામાજિક સમીકરણના સંદર્ભમાં મદન મોહન ઝાને પ્રદેશ અધ્યક્ષ બનાવવાના કોંગ્રેસના નિર્ણયને જાણકારો સમજદારીભર્યો ગણે છે.
રાજકીય વિશ્લેષક મહેન્દ્ર સુમને કહ્યું હતું, "બિહારમાં સવર્ણોનો એક વર્ગ એવો છે, જેને કોંગ્રેસ પોતાની તાકાતના જોરે મહાગઠબંધનની તરફેણમાં લાવી શકે છે."
"બિહારના મતદાતાઓના અન્ય ત્રણ વર્ગ એટલે કે પછાતો, દલિતો અને મુસલમાનોનો ટેકો મેળવવાનું કામ રાષ્ટ્રીય જનતા દલ અને જીતન રામ માંઝીના પક્ષનું છે."
"અત્યાર સુધી મહદઅંશે એનડીએ સાથે રહેલા સવર્ણ મતમાં કોંગ્રેસ જ ભાગલા પડાવી શકે છે."
"બીજી તરફ સવર્ણોને કોંગ્રેસ પ્રત્યે ઐતિહાસિક આકર્ષણ રહ્યું છે, કારણ કે કોંગ્રેસને સવર્ણોનો પક્ષ ગણવામાં આવતો રહ્યો છે."
"2015ની વ્યૂહરચનાનો ફરી ઉપયોગ"
મહાગઠબંધનમાં કોંગ્રેસ રાજ્યની 40 લોકસભા બેઠકોમાંથી કેટલી માટે દાવેદારી કરશે, એવા સવાલનો સીધો જવાબ પક્ષના નવા નિમાયેલા પ્રદેશ અધ્યક્ષે આપ્યો ન હતો.
તેમણે એવું કહ્યું, "અમે બેઠકોની સંખ્યા હમણાં કારણ વિના નહીં જણાવીએ. ઓછી કહેશું તો પણ નુકસાન અને વધુ માગીશું તો પણ નુકસાન."
મદન મોહન ઝાએ ઉમેર્યું હતું, "ક્યો પક્ષ કેટલી અને કઈ-કઈ બેઠકો પરથી ચૂંટણી લડશે એ નક્કી થવાનું હજુ બાકી છે. ક્યા પક્ષો અમારી સાથે છે તેની પણ અમને હજુ ખબર નથી."
"બધાની ઇચ્છા કોમવાદી પક્ષોને હરાવવાની છે. તેથી એક બેઠક વધુ કે ઓછી હોય તો તેનાથી કોઈ ફરક નહીં પડે."
ક્યા પક્ષો મહાગઠબંધનમાં સામેલ થશે એ મદન મોહન ઝાએ જણાવ્યું ન હતું.
બીજી તરફ મહેન્દ્ર સુમન માને છે કે કોંગ્રેસ વિધાનસભાની ગત ચૂંટણીના રસ્તે જ આગળ વધશે.
તેમણે કહ્યું હતું, "2015ની વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસે સવર્ણ ઉમેદવારોને વધુ ટિકીટ આપી હતી અને એ વ્યૂહરચના સફળ થઈ હતી. તેની એ નીતિ આગામી ચૂંટણીમાં પણ રહેશે."
"કોંગ્રેસ તેના હિસ્સાની આઠથી દસ બેઠકોમાંથી મહત્તમ બેઠકો માટે સવર્ણ અને ખાસ કરીને બ્રાહ્મણ ઉમેદવારોને ટિકીટ આપશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો