હૈદરાબાદ : નિઝામ મ્યુઝિયમમાં સોનાનાં વાસણો સિવાય બીજું શું છે?

    • લેેખક, બલ્લા સતીશ/શ્યામ મોહન
    • પદ, બીબીસી તેલુગૂ

હૈદરાબાદની જૂની હવેલીના મસરત મહેલમાં આવેલું નિઝામ સંગ્રહાલય છેલ્લા કેટલાક દિવસોથી અખબારોમાં છવાયેલું છે.

હાલમાં જ નિઝામ સંગ્રહાલયમાંથી સોનાનાં કપ-રકાબી, ચમચી અને લંચ બૉક્સની ચોરાઈ ગયાં હતાં.

મંગળવારે પોલીસે આ ચોરોની ઘરપકડ કરી છે અને ચોરી કરાયેલો ખૂબ જ કિંમતી સામાન જપ્ત કર્યો છે.

આ તમામ મોંઘી ચીજ-વસ્તુઓનો સંબંધ હૈદરાબાદના સાતમા નિઝામ મીર ઉસ્માન અલી ખાન સાથે હતો.

જેમણે વર્ષ 1911 થી માંડી 1948 સુધી હૈદરાબાદ રાજ્ય પર શાસન કર્યું હતું.

કહેવામાં આવે છે કે પોતાના શાસનકાળ દરમિયાન નિઝામ મીર ઉસ્માન અલી ખાનનું નામ વિશ્વના સૌથી ધનાઢ્ય લોકોમાં સામેલ હતું.

બે કિલો વજનનું હતું લંચ બૉક્સ

આ સંગ્રહાલયમાં ઉપલબ્ધ કલાકૃતિઓ ખૂબ જ મોંઘી તો છે જ પણ દક્ષિણ સંસ્કૃતિ સાથે પણ જોડાયેલી છે અને તેનું પોતાનું ઐતિહાસિક મહત્ત્વ છે.

નિઝામના પ્રપૌત્ર નજફ અલી ખાને બીબીસીને કહ્યું કે સંગ્રહાલયમાં રાખેલી એમના પરદાદાની મનપસંદ એવી તમામ ચીજો અને ખાસ કરીને ચોરી કરાયેલી તમામ વસ્તુઓ જપ્ત કરી લેવામાં આવી છે.

નઝફ અલી ખાને જણાવ્યું હતું કે જપ્ત કરવામાં આવેલું લંચ બૉક્સ અસલી સોનાનું હતું અને તેમાં કિંમતી હીરા માણેક જડેલાં હતાં.

તેમણે કહ્યું કે બે કિલો વજનનું આ લંચ બૉક્સ, નિઝામ મીર ઉસ્માન અલી ખાનને કોઈએ ભેટમાં આપ્યું હતું. જોકે, ભેટ કોણે આપી હતી તે અંગે કોઈ જાણકારી ઉપલબ્ધ નથી.

તમે આ વાંચ્યું કે નહીં?

સાર સંભાળમાં બેદરકારી રાખવામાં આવતી હતી

સંગ્રહાલયમાં રાખેલી ચીજોની સાર સંભાળમાં રાખવામાં આવતી બેદરકારી અંગે જણાવતા નઝફ અલી ખાને કહ્યું, ''આ ખૂબ ખેદની વાત છે કે એમની અંગત અને અત્યંત કિંમતી સંપત્તિની ચોરી પણ કરી લેવાય છે.''

તેઓ જણાવે છે કે બેદરકારીને કારણે આમ બન્યું છે.

મ્યુઝિયમમાં જતી લાકડાની સીડીની હાલત અંગે અસંતોષ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે જે રીતે નિઝામના સામાનને સાચવવામાં આવે છે તે ચિંતાજનક છે.

નઝફ અલી ખાને જણાવ્યું હતું કે અત્યારે સાતમા નિઝામના પહેરેલા સૂટ, અત્તરની શીશીઓ, એમની મોજડીઓ, ટોપીઓ અને થેલાઓ રાખવામાં આવ્યા છે.

સાથે સાથે સોના ચાંદીથી બનેલી કલાકૃતિઓ પણ રાખવામાં આવી છે, જે અલગ અલગ ધર્મોમાં શ્રદ્ધા રાખતા લોકોએ કોઈ વખતે નિઝામને ભેટ સ્વરૂપે આપી હતી.

સંગ્રહાલયમાં શું છે?

નઝફ અલી ખાન જણાવે છે, ''જ્યારે સાતમા નિઝામ વિકાસનું કોઈ કામ શરૂ કરાવતા ત્યારે સામાન્ય જનતા તેમને ચાંદીની ખુરપી ભેટસ્વરૂપ આપતી.''

''હાથી દાંતનાં હૅન્ડલવાળી આવી જ ખુરપી વડે ઓસ્માન સાગરનો પાયો ખોદવામાં આવ્યો હતો. આ ખુરપીને અત્યારે નિઝામ મ્યુઝિયમમાં જોઈ શકાય છે.''

પોતાના શાસનકાળ દરમિયાન સાતામા નિઝામે ઓસ્માન સાગર અને હિમાયત સાગર નામનાં બે સરોવરોનું નિર્માણ કરાવડાવ્યું હતું.

નઝફ અલી ખાન જણાવે છે, ''આ સાથે જ ઓસ્માનિયા યુનિવર્સિટી આર્ટ કૉલેજ(બિલ્ડિંગ), મોઝામજહી બજાર, નામપલ્લી રેલ્વે સ્ટેશન, હાઈકોર્ટ બિલ્ડિંગ, ઓસ્માનિયા હૉસ્પિટલ, નિલોફર હૉસ્પિટલની નાના આકારની 500 કરતાં વધુ ચાંદીની બનેલી કૃતિઓ હાજર છે.''

નઝફ અલી ખાન જણાવે છે કે મ્યુઝિયમમાં ઉપલબ્ધ કલાકૃતિઓની કિંમત અત્યારે ચારસો કરોડ રૂપિયા કરતાં પણ વધારે હશે.

રોલ્સ રૉયસ અને જગુઆર પણ

આ સંગ્રહાલયમાં લાકડાની બનેલી એ લિફ્ટ પણ હાજર છે કે જેની મદદથી નિઝામ દરરોજ મસરત મહેલની સૌથી ઊંચી ઇમારતના માળ પર જતા હતા.

આ ઉપરાંત મ્યુઝિયમમાં નિઝામની અલમારી પણ જોવા મળે છે જેના 140 ખાનાંઓમાં નિઝામના રાજસી કપડાં રાખવામાં આવતાં હતાં.

નઝફ જણાવે છે કે વિશાળ મહેલના મેદાનમાં રોલ્સ રૉયસ અને જગુઆર ગાડીઓ જોવા મળે છે જેને મીર ઉસ્માન અલી ખાન ખૂબ પસંદ કરતા હતા.

પોતાના પરદાદાની ઉદારતાને યાદ કરતા નઝફ કહે છે કે એમણે નિઝામ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સને માત્ર એક રૂપિયાની લીઝ પર આપ્યું હતું.

વર્ષ 1937માં આવ્યો સંગ્રહાલયનો વિચાર

નિઝામ સંગ્રહાલયની સ્થાપના વર્ષ 2000માં થઈ હતી પણ તેની સ્થાપનનો તખ્તો લગભગ 60 વર્ષ પહેલાં જ ઘડાઈ ચૂક્યો હતો.

મ્યુઝિયમ ચલાવનારા નિઝામ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને ઇતિહાસકાર મોહમ્મદ સૈફીઉલ્લાહ જણાવે છે કે નિઝામ મીર ઉસ્માન અલીએ 29 ઓગસ્ટ 1911 માં સત્તા સંભાળી હતી અને 17 સપ્ટેમ્બર 1948 સુધી દક્ષિણમાં શાસન કર્યું હતું.

તેઓ જણાવે છે કે 1937માં એમના શાસનનાં 25 વર્ષ પૂરાં થયાં ત્યારે એક સંગ્રહાલય ખોલવાનો વિચાર ઊભો થયો હતો.

જેમાં નિઝામને પ્રસંગોપાત મળતી ભેટો રાખવા અંગેની વાત કહેવામાં આવી હતી.

આ સંગ્રહાલયમાં ગોલ્ડ પ્લેટેડ સિંહાસન, પાલવંચા રાજાઓ દ્વારા આપવામાં આવેલી અત્તરની શીશીઓ, મૈસૂરના રાજા દ્વારા આપવામાં આવેલી હાથી દાંતમાંથી બનેલી ચારમીનારની નાનકડી કલાકૃતિનો સમાવેશ થાય છે.

સાથે સાથે ફ્રાંસથી આવેલા સિરેમિકના ચા ના કપ, લંડનથી આવેલા કૉફી કપ, બસરા કસબાની નાની કલાકૃતિ અને મોતી જડિત છડી વગેરે ચીજો હાજર છે.

મોહમ્મદ સૈફીઉલ્લાહએ નિઝામના ઇતિહાસ અંગે ઘણાં પુસ્તકો લખ્યાં છે અને નિઝામના લખેલા કેટલાક પત્રોનું સંકલન પણ કર્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો