You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતમાં ભ્રૂણને પણ જીવવાનો હક મળેલો છે?
- લેેખક, દિવ્યા આર્યા
- પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી
મુંબઈ હાઈકોર્ટે એક બળાત્કાર પીડિતાની ગર્ભપાતની અરજી ફગાવી દીધી છે.
18 વર્ષની પીડિતાના ગર્ભમાં ઉછેરી રહેલા ભ્રૂણને 27 અઠવાડિયા પસાર થઈ ચૂક્યાં હતાં અને ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, તેને પાડી નાખવામાં માતાનાં જીવનું જોખમ હતું.
આ પહેલાં હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે આવા મુદ્દે ભ્રૂણના હકો અંગે પણ સમીક્ષા કરાવવી જોઈએ.
ભારતીય બંધારણની ધારા 21 અનુસાર, જ્યાં સુધી કાયદાનું ઉલ્લંઘન ન થતું હોય, ત્યાં સુધી દરેક વ્યક્તિને સ્વતંત્રતાથી જીવવાનો અધિકાર છે.
સવાલ એ છે કે શું ભ્રૂણને વ્યક્તિનો દરજ્જો આપી શકાય? દુનિયાભરમાં આ અંગે એકમત નથી.
ઇન્ડિયન પીનલ કોડમાં બે દાયકા પહેલાં સુધી તો ભ્રૂણની કોઈ વ્યાખ્યા જ નહોતી.
શું હોય છે ભ્રૂણ?
1994માં જ્યારે ગર્ભમાં ઉછેરી રહેલાં ભ્રૂણની લિંગ તપાસને ગેરકાયદે ઠેરવતો કાયદો પીસીપીએનડીટી (પ્રિ-નેટલ ડાયોગ્નિસ્ટિક ટેક્નિક્સ) લાવવામાં આવ્યો, ત્યારે પ્રથમ વખત ભ્રૂણની વ્યાખ્યા કરવામાં આવી.
એક મહિલાના ગર્ભમાં ઉછેરી રહેલા ભ્રૂણને આઠ અઠવાડિયા બાદ એટલે કે 57માં દિવસથી માંડી બાળક પેદા થાય ત્યાં સુધી કાયદાની નજરમાં તેને 'ફીટસ' એટલે કે 'ભ્રૂણ' ગણવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
છોકરીઓની સરખામણીમાં છોકરાઓને મહત્ત્વ આપવાની માનસિકતાને કારણે ભ્રૂણની લિંગ તપાસ કરાવી ગર્ભપાત કરાવવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય મેડિકલ પત્રિકા 'લૈનસેટ'ની શોધ અનુસાર 1980થી 2010ની વચ્ચે ભારતમાં એક કરોડ કરતાં વધારે ભ્રૂણને પડાવી નાખવામાં આવ્યા, કારણ કે લિંગ તપાસમાં જાણવા મળ્યું હતું કે તે છોકરી હતી.
આવી ભ્રૂણ હત્યા રોકવાના હેતુસર લાવવામાં આવેલા પીસીપીએનડીટી કાયદા હેઠળ, લિંગ તપાસ કરાવવા માટે ડૉક્ટર અને પરિવારજનો બધાને ત્રણ વર્ષ સુધીની સજા અને દંડ થઈ શકે છે.
કોને છે ભ્રૂણના જીવન પર નિર્ણયનો અધિકાર
છોકરી પ્રત્યે અણગમો ઉપરાંત ગર્ભપાતના બીજા પણ કારણો હોઈ શકે છે.,જેમ કે બળાત્કારને કારણે ગર્ભવતી થયેલી મહિલા જ્યારે બાળક પેદા કરવા ના ઇચ્છતી હોય.
પણ કેટલાક દાયકા પહેલાં ભારતમાં ગર્ભપાત સંપૂર્ણપણે ગેરકાયદે ગણાતો. માત્ર બાળક પેદા કરવાથી જો મહિલાનાં જીવને જોખમ હોય તો જ તેવા સંજોગોમાં જ એને મંજૂરી આપવામાં આવતી.
માટે જ 1971માં ગર્ભપાત માટે એક નવો કાયદો 'ધ મેડિકલ ટરમિનેશન ઑફ પ્રેગ્નેન્સી ઍક્ટ' એટલે કે એમપીટી ઍક્ટ બનાવવામાં આવ્યો અને તેમાં ગર્ભધારણ કર્યાનાં 20 અઠવાડિયાં સુધી ગર્ભપાત કરાવવાની બંધારણીય મંજૂરી આપવામાં આવી છે.
તમે આ વાંચ્યું કે નહીં?
જો બાળક પેદા કરવાથી માતા કે બાળકને શારીરિક કે માનસિક નુકસાન થવાની સંભાવના હોય તો આ મંજૂરી આપવામાં આવી છે.
ભ્રૂણનાં જીવન અંગે નિર્ણય કરવામાં માતા અને પિતા પોતાની ઇચ્છા વ્યક્ત તો કરી શકે પણ અંતિમ નિર્ણય તો ડૉક્ટરોનો જ રહે છે.
12 અઠવાડિયા પહેલાં ગર્ભ પડાવવાનો નિર્ણય રજીસ્ટર્ડ ડૉક્ટરો જ કરી શકે છે અને 12થી 20 અઠવાડિયા સુધી વિકસિત થઈ ચૂકેલા ભ્રૂણ અંગે નિર્ણય કરવામાં રજીસ્ટર્ડ ડૉક્ટરની સલાહ જરૂરી બની રહે છે.
ભ્રૂણ પડાવવાથી થતી સજા
જો એમટીપી ઍક્ટની શરતો પૂરી થતી નથી અને એક મહિલા પોતાનો ભ્રૂણ પડાવી દે છે અથવા કોઈ બીજું તેનો ગર્ભપાત કરાવી દે છે તો હજી પણ આ ગુનો છે અને આ માટે તે મહિલાને ત્રણ વર્ષની સજા કે દંડ થઈ શકે છે.
ગર્ભવતી મહિલાની જાણ બહાર તેનો ગર્ભપાત કરાવવાથી આજીવન કારાવાસ થઈ થકે છે.
ગર્ભપાત કરાવવાની નિયતથી મહિલાની હત્યા કરવી કે કોઈ એવું કામ કરવું કે જેની પાછળનો ઇરાદો ગર્ભમાં કે પછી જન્મ પછી તરત જ બાળકને મારી નાંખવાનો હોય તો તેના માટે 10 વર્ષની સજા થઈ શકે છે.
જો એક વ્યક્તિને કારણે ગર્ભવતી મહિલાનું મૃત્યુ થઈ જાય અથવા તેને એટલી ઈજા થાય કે તેના ગર્ભમાં ઉછરી રહેલા ભ્રૂણનું મૃત્યુ થઈ જાય તો તેને 'કલ્પેબલ હોમિસાઈડ' એટલે કે 'બિનઇરાદાપૂર્વકની હત્યા' ગણવામાં આવશે અને તે માટે 10 વર્ષની સજા થઈ શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો