ગુજરાતમાં હજુ પણ રૂ. 500 અને 1000ની જૂની નોટ બજારમાં કેમ ફરે છે?

નોટબંધી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

કેન્દ્રની મોદી સરકારે નવેમ્બર 2016માં 500 અને 1000ની ચલણી નોટ રદ કરી હતી, નોટબંધીનાં બે વર્ષ બાદ પણ રદ થયેલી નોટો પકડાતાં ગુજરાત પોલીસ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે.

ઍન્ટિક ચીજવસ્તુના ડીલર કહે છે કે, જન્મતારીખ પ્રમાણે નંબર જોઈને નોટ વેચવાનું ગેરકાયદે કામ છૂપી રીતે ચાલે છે, પણ અધિકૃત ડીલર એનાથી દૂર રહે છે.

નોટબંધી પછી કેટલાક લોકોએ કમિશન લઈ સોનાના બદલામાં આ નોટો બદલી આપી હતી, તો ઇન્ક્મટૅક્સમાં પોતાના નામે અન્યનું કાળું નાણું કબૂલ કરી ટકાવારી પર નોટો બદલવાનો ધંધો શરૂ થયો હતો.

રિઝર્વ બૅન્ક ઑફ ઇંડિયાના એક રિપોર્ટ પ્રમાણે, નોટબંધી બાદ ચલણમાં રહેલી 99% નોટો મધ્યસ્થ બૅન્ક પાસે પરત આવી ગઈ હતી.

line

સુરતમાં ત્રણ કરોડથીવધુનીજૂની નોટો મળી

રદ થયેલી નોટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

થોડા દિવસ પહેલાં સુરત પોલીસે ખટોદરામાંથી ત્રણ કરોડ ૧૬ લાખ રૂપિયાની પાંચસો અને હજારની જૂની નોટો પકડી શંકાસ્પદ પ્રવૃત્તિનો ગુનો નોંધ્યો છે.

ખટોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એમ. પૂવારે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે મુંબઈથી બારડોલી થઈને લતીફ શેખ રાજસ્થાનના ગંગારામ રાજપૂત સાથે અહીં જૂની નોટ મહમદ શેખને આપવા આવ્યો હતો.

પૂવારે ઉમેર્યું, "એની ધરપકડ સીઆરપીસી (ક્રિમિનલ પ્રોસિજર કોડ)ની કલમ ૪૧[૧]ડી પ્રમાણે એટલે કે શંકાસ્પદ પ્રવૃત્તિ કરવા બદલ કરી છે."

"પરંતુ પોલીસ તપાસમાં આ ત્રણ લોકો કોઈ સહકાર આપતા નથી એટલે આ જૂની રદ થયેલી નોટો શેના માટે ગુજરાત લાવ્યા હતા, એની તપાસ ચાલુ છે."

"આ અંગે અમે ઇન્કમટૅક્સ વિભાગને પણ જાણ કરી દીધી છે."

તમે આ વાંચ્યું કે નહીં?

ગુજરાતમાં બે વર્ષ બાદ રદ થયેલી નોટ લાવવા પાછળ કયા કારણો હોઈ શકે એ અંગે સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપ દ્વારા તપાસ કરાઈ રહી છે.

line

ઍન્ટિક ચીજોના ડીલર દ્વારા ખરીદી?

નોટબંધી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ગુજરાતના સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપના એસીપી બળદેવસિંગ સોલંકીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, 2016માં જ્યારે 500 અને 1000ની નોટ રદ થઈ ત્યારે ઘણા લોકો અમુક ટકા કમિશન લઈ નોટ બદલી આપવાની લાલચ આપતા હતા.

એસીપી સોલંકી કહે છે, "એ સમયે લોકો 20 ટકા પૈસા લઈને રદ થયેલી 500 અને 1000ની નોટો લઈ સામે સોનું આપવાની લાલચ આપતા હતા"

"આ પ્રકારે નોટ બદલવાની કોશિશ કરતા પણ અમે પકડ્યા છે, પરંતુ એ સમયે રદ થયેલી નોટ બદલવાનો સમય હતો."

"કેટલાક લોકો ૨૦૧૭માં નેપાળ જઈ ભારતીય ચલણ બદલી આપવાના બહાને લોકો પાસેથી પૈસા લેતા હતા, પરંતુ નેપાળમાં પણ ભારતીય કરન્સી બદલાતી નથી અને અમે એવા લોકો ને પકડ્યા છે."

"૨૦૧૭ના અંત ભાગ પછી જૂની નોટ સાથે બહુ ઓછા લોકો પકડાયા છે, જેમાંથી કેટલાક લોકો નેપાળ જઈ નોટ બદલવાના નામે લોકોને છેતરતા હતા."

એસીપી સોલંકી ઉમેરે છે, "ખાટલે મોટી ખોડ એ છે કે આવા લોકો છેતરપિંડી થયા પછી પણ પોલીસમાં ફરિયાદ કરતા નથી એટલે પોલીસ લાચાર છે."

"પરંતુ બે વર્ષ બાદ આ પ્રકારે જૂની નોટ સાથે લોકો પૈસા બદલવા આવે છે, એ અમારા માટે પણ નવી બાબત છે. અમે એની તપાસ કરી રહ્યા છીએ પણ નોટની હેરાફેરીનું કારણ જાણી શકાયું નથી."

"અમે આ અંગે ઇન્ક્મટૅક્સ વિભાગને જાણ કરીએ છીએ, ઍન્ટિકનો ધંધો કરનાર લોકો પણ આટલી મોટી સંખ્યામાં નોટ લઈ રહ્યા હોય એવી કોઈ ઘટના પણ ધ્યાને આવી નથી."

line

જૂની નોટો ભેટમાં આપવાનો ટ્રૅન્ડ

નોટબંધી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

તો ઍન્ટિક ચીજવસ્તુના ડીલર અને ગુજરાત કોઇન સોસાયટી તથા ગુજરાત ફિલાટૅલિક સોસાયટીના સભ્ય રામાવતાર જૈન બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે, અમે આવી જૂની રદ થયેલી 500 કે 1000ની નોટ ખરીદતા નથી.

જૈન આગળ કહે છે કે, કેટલાક ગેરકાયદે ઍન્ટિક ચીજોનો ધંધો કરતા લોકો આવી નોટ ખરીદે છે, કારણ કે હવે ગુજરાતમાં બર્થડે અને મેરેજ ઍનિવર્સરી પ્રસંગે ગિફ્ટમાં નોટો આપવાનો નવો ટ્રૅન્ડ શરૂ થયો છે.

જૈન આ ટ્રૅન્ડ વિશે કહે છે, "જેમ કે કોઈનું નામ કનુભાઈ શાહ હોય અને એમનો જન્મદિવસ ૩૦-૫-૧૯૯૩ હોય તો એમનો જન્મદિવસ યાદ રાખવા માટે જન્મતારીખ અને નામના ઇનિશિયલ વાળી નોટ ગિફ્ટ આપવામાં આવે છે."

"સામાન્ય રીતે ચલણી નોટમાં છ આંકડાનો નંબર હોય છે અને એની આગળ A B C Dના બે અક્ષર હોય અને આગળ એક અંક હોય છે."

"આમાં ૧ થી ૧૦ તારીખ, ૨૦ અને ૩૦ તારીખનો આંકડો આગળ હોય અને આલ્ફાબેટમાં નામનું ઇનિશિયલ હોય, તેવી નોટ બમણી કિંમતમાં વેચાય છે."

"એટલે કે કનુભાઈ શાહને આપવા માટે ૩ કે. સી. ૫૧૯૯૩ નંબરની નોટ હોય તો જૂની હજારની નોટથી બમણાંથી વધુ પૈસામાં ખરીદવામાં આવે છે અને એને ફ્રેમમાં મઢાવીને ગિફ્ટના રૂપે આપવામાં આવે છે."

"અલબત્ત આ ગેરકાયદેસર છે, પરંતુ આ નવો ટ્રૅન્ડ શરૂ થયો છે અને રદ થયેલી નોટ માત્ર ૧૦ થી ૧૫% ટકામાં મળે છે."

જૈન ઉમેરે છે, "આ ટ્રૅન્ડના કારણે આ નોટ ખરીદાય છે, જેમ કે મોરારજી દેસાઈના સમયમાં રદ થયેલી 1000ની નોટ ક્યાંય મળતી નથી, પરંતુ એ નોટનો ભાવ અત્યારે રૂ. 50,000 છે."

"પરંતુ આ અંદરખાને ચાલતો ધંધો છે અને ગેરકાયદે ઍન્ટિકના ડીલર્સ આ ધંધો કરે છે, પરંતુ કલેક્શન કરતા લોકો શોખ માટે એક અથવા બે નોટ રાખે છે અને આ લોકો તેનો ધંધો નથી કરતા."

line

સંખ્યાબંધ લોકોની ધરપકડ

નોટબંધી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ઍન્ટિકના ડીલર રામાવતાર જૈનની વાત સાથે ગુજરાત પોલીસની આર્થિક ગુના નિવારણ શાખાના વડા આશિષ ભાટિયા આ વાત સાથે સંમત થતા નથી.

ભાટિયા કહે છે કે, એન્ટિક ચીજો ખરીદતા લોકો આટલી મોટી માત્રામાં રદ થયેલી નોટો ન ખરીદે. ગુજરાતમાં આવી નોટ હવે ઓછી જોવા મળે છે.

ભાટિયા ઉમેરે છે, "આ નોટ કેમ લાવવામાં આવે છે એ તપાસનો વિષય છે અને અમે ઍન્ટિકનો ગેરકાયદે ધંધો કરનાર લોકો અંગે પણ તપાસ કરીશું."

ગુજરાતમાં ૨૦૧૬ નવેમ્બરમાં 500 અને 1000ની નોટ બંધ થયા પછી સંખ્યાબંધ લોકોની રદ થયેલી નોટો બદલવાના આરોપસર ધરપકડ કરાઈ છે.

line

ગુજરાતના કેટલાક કિસ્સા

નોટબંધી સંબંધિત તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

  • ગુજરાતમાં ૨૯ નવેમ્બરે જમીન દલાલ મહેશ શાહે એમના સીએ તાહેમુલ શેઠ થકી ૧૩,૮૬૦ કરોડનું કાળું નાણું જાહેર કરીને ટૅક્સ ભરવાની તૈયારી બતાવી હતી.
  • ડિસેમ્બર ૨૦૧૬માં ૨૭ બૅન્ક એકાઉન્ટ ધરાવતા સુરતના કિશોર ભજિયાવાળાની અટકાયત થઈ હતી અને તેમણે ૨૧૨ લોકોને તેમના બૅન્ક ખાતામાં પૈસા જમા કરાવવા માટે કમિશન આપ્યું હતું.
  • ૨૨ નવેમ્બર ૨૦૧૬માં કમિશન લઈ જૂની રદ થયેલી નોટોના બદલે સોનું આપવા બદલ અમદાવાદની સેટેલાઇટ પોલીસ દ્વારા ૧૦ લાખની જૂની નોટ અને સોના સાથે ત્રણ લોકોની ધરપકડ કરાઈ હતી.
  • ડિસેમ્બર 2016માં 45% કમિશન લઈ જૂની નોટ બદલી આપવા બદલ જામનગરમાં રાજુ માડમની ધરપકડ થઈ હતી.
  • 28 મે 2017માં જૂની નોટ બદલવાનો કાયદેસરનો સમય વીતી ગયા પછી સુરતમાંથી એક કરોડ રૂપિયાની જૂની નોટ સાથે ભાવનગરથી નોટ બદલાવવા આવેલા ચાર લોકોની ધરપકડ કરાઈ હતી.
  • 3 નવેમ્બર 2017ના રોજ જામનગરમાંથી મોહમ્મ્દ સિદીક કુરેશી બે કરોડની રૂપિયાની નોટ સાથે પકડાયો હતો.
  • 7 ડિસેમ્બર 2017ના રોજ ભરૂચના પાનોલીમાં બિલ્ડીંગ મટીરિયલનો ધંધો કરનાર પાસેથી રૂપિયા 50 લાખની જૂની નોટ પકડાઈ હતી.
  • 31 ડિસેમ્બર 2017એ કમિશન લઇને જૂની નોટ બદલવા નીકળેલા કિરીટ ગાંધીની વડોદરાની માંજલપુર પોલીસ દ્વારા ધરપકડ કરાઈ હતી.
  • 17 જાન્યુઆરી 2018ના દિવસે અમદાવાદના ચાંદખેડામાં એક કરોડ રૂપિયાની જૂની નોટ બદલવા માગતા રાજેશ પરમાર સહીત ત્રણ લોકોની અટકાયત કરાઈ હતી.
  • ઑગસ્ટ 2018માં મુંબઈથી ગુજરાતમાં નોટ બદલાવવા આવેલા લતીફ અને એના સાગરીતની સુરત પોલીસ દ્વારા ત્રણ કરોડ ૧૬ લાખની નોટ સાથે અટકાયત કરાઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો