ગોવિંદાચાર્યની નજરે વાજપેયી, શું તેમને 'મહોરું' કહ્યા હતા?

અટલ બિહારી વાજપેયીની તસવીર

ઇમેજ સ્રોત, EPA

    • લેેખક, રાજેશ જોશી
    • પદ, એડિટર, બીબીસી હિંદી રેડિયો

ભારતીય જનતા પાર્ટીના વિચારક કે. એન. ગોવિંદાચાર્યાને બે દશક પહેલા પક્ષમાંથી રાજીનામું આપવાની ફરજ પડી હતી.

ઘણાં લોકો એવું માને છે કે તેમણે વાજપેયીને 'સંઘનું મહોરું' કહ્યાં, ત્યારબાદ બન્ને વચ્ચે સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી અને આખરે ગોવિંદાચાર્યને પાર્ટી છોડવી પડી.

જોકે, ગોવિંદાચાર્ય સતત એ વાતનો ઇન્કાર કરતા રહ્યા હતા કે તેમણે વાજપેયીને મહોરું કહ્યા હતા. ગોવિંદાચાર્યને નજીકથી ઓળખતા લોકો કહેતા કે તેઓ સંઘ અને બીજેપી વચ્ચે થયેલા ક્રૉસ ફાયરમાં ફસાઈ ગયા હતા.

અટલ બિહારી વાજપેયીના નિધન બાદ ગોવિંદાચાર્ય તેમને કેવી રીતે યાદ કરે છે અને 'મહોરું' શું વિવાદ હતો તે જાણવાનો પ્રયાસ બીબીસી હિંદી રેડિયો એડિટર રાજેશ જોશીએ કર્યો હતો.

line

વાજપેયીનું વ્યક્તિત્વ

ગોવિંદાચાર્યની તસવીર

ગોવિંદાચાર્ય કહે છે, ''વાજપેયી હંમેશા એવું જ માનતા કે વ્યક્તિથી મોટો પક્ષ છે અને પક્ષથી મોટો દેશ છે, તેઓ આ વિચારને જીવનારા રાજનેતા હતા.''

''હું જ્યારે બીજેપીમાં જોડાયો ન હતો, ત્યારથી જ શીખ વિરોધી તોફાનો દરમ્યાનના તેમના વલણને કારણે પ્રભાવિત થયો હતો.''

''એક શીખ ટૅક્સી ડ્રાઇવર તરફ યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓની ભીડ આવી રહી હતી. ભીડ અને ટૅક્સી ડ્રાઇવરની વચ્ચે અટલ બિહારી વાજપેયી ઊભા રહી ગયા હતા.''

''જ્યાં સુધી પોલીસ આવી નહીં, ત્યાં સુધી વાજપેયી ત્યાથી ખસ્યા ન હતા.''

''આ બાબત વ્યક્તિની નિષ્ઠાને દર્શાવે છે, જેમાં રાજનૈતિક દૃષ્ટિએ યોગ્ય ન હોવા છતાં તેમણે વિચાર્યુ હતું કે દરેક સ્થિતિમાં ફક્ત ચૂંટણીઓની જીત વિશે જ વિચારી શકાય નહીં.''

તમે આ વાંચ્યું કે નહીં?

ત્યારની અને અત્યારની બીજેપીમાં શું અંતર દેખાય છે?

મોદી શાહની તસવીર

ઇમેજ સ્રોત, EPA

''મારું માનવું છે કે અટલજીનો લોકતાંત્રિક મિજાજ તથા અન્યના વિચારોને લીધે લોકતંત્રને આદર કરવાનું વાતાવરણ પાર્ટીમાં હતું.''

''વર્ષ 1984ની ચૂંટણી હાર્યા બાદ પણ કાર્યકર્તાઓનું મનોબળ ભાંગ્યુ ન હતું.''

''બે સીટ જ જીત્યા બાદ ફરીથી બેઠા થવું એ વલણને કારણે શક્ય બન્યું હતું.''

''અટલજીના વ્યક્તિત્વમાં સત્તાથી આગળ જોવાની દૃષ્ટિ હતી. આજે તેની સાથે સંવાદ વધારવાની પણ જરૂર છે.''

તમે આ વાંચ્યું કે નહીં?

હવે સંવાદ સાધવાની શા માટે જરૂર છે? મોદી-શાહ માટે કેમ જરૂરી છે કે તેઓ વાજપેયી જેવો વ્યવહાર કરે, જ્યારે બીજેપીએ પોતાના જોરે સત્તા મેળવી છે?

"જુઓ સત્તા ફક્ત સંખ્યાબળનો વિષય નથી શાખ અને પ્રભાવનો વિષય પણ છે."

"કારણ કે લોકતંત્રમાં સત્તા પક્ષ અને વિપક્ષ તો રહેશે જ. વિપક્ષની પણ આદરપૂર્વક ભૂમિકા છે."

"વર્તમાન સમયની જરૂરિયાત એ છે કે સત્તામાં હોવાના કારણે પહેલ કરવામાં આવે અને સંવાદ સાધવામાં સત્તાધારી પક્ષનું યોગદાન હોય."

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ મુક્ત ભારતનો નારો આપ્યો હતો. બીજેપીના નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની કાચા નેતા તરીકેની છાપ ઊભી કરી, જેમાં શહઝાદા, યુવરાજ, પપ્પુ જેવા અનેક શબ્દોનો પ્રયોગ થયો, તો શું આ સંવાદ અટલ બિહારી વાજપેયી જેવો સંવાદ છે?

"આ પ્રકારની છબી બની તેનો શ્રેય રાહુલ ગાંધીને પણ જાય છે."

"લોકોએ જ આવું આકલન કર્યું છે તેવું નથી તેમાં તથ્યો પણ છે."

"કોંગ્રેસ મુક્ત ભારતની વાત છે ત્યાં સુધી તેનો હેતુ રાજનીતિમાં જે કોંગ્રેસી સંસ્કૃતિ વ્યાપી ગઈ છે, તેનાથી ભારત મુકત થવું જોઈએ તેવો હતો."

line

કોંગ્રેસી સંસ્કૃતિની તમારી વ્યાખ્યા શું છે?

વાજપેયી અડવાણીની તસવીર

ઇમેજ સ્રોત, REUTERS

"વર્ષ 1969થી પહેલાં અલગ વાત હતી. ત્યાર બાદ જ્યારે કોંગ્રેસમાં વિભાજન થયું, ત્યારે સત્તા પ્રાપ્ત કરવી એ વૃત્તિ કેન્દ્રમાં આવી ગઈ."

"જ્યારે સત્તા કેન્દ્રબિંદુ બની જાય છે, ત્યારે તે સર્વાધિકાર અને એકાધિકારની ઉપર પહોંચી જાય છે."

"આ સમય દરમ્યાન તમે તમારી કાર્યશૈલીમાં કાર્યકર્તાના આકલનનો સમાવેશ કરી શકતા નથી."

"કાર્યપ્રણાલીના વિષયમાં ઇંદિરા ગાંધી પણ સંજય ગાંધીની સામે અસહાય થઈ ગયાં હતાં."

"એવું માનો કે જો કોંગ્રેસી સંસ્કૃતિથી મુક્ત થવું હોય ત્યારે ધારો કે તમે રામ છો અને રાવણ સાથે તમારી સ્પર્ધા છે.

"રાવણને હરાવવા માટે તમે તમારું રામત્વ ગુમાવી બેસો? ના. પરંતુ તેવું હવે રહ્યું નથી."

આપના મતે કોંગ્રેસને હરાવવા માટે બીજેપી કોંગ્રેસ જેવી જ થઈ રહી છે?

"થઈ રહી છે કે નહીં, તે વિશે હું નહીં કહું, પરંતુ તેના વિશે સાવચેતી રાખવી જરૂરી છે."

"ચાળવાની પ્રક્રિયા હોવી જોઈએ. સારું આગળ જાય અને ખરાબ વીણી લેવાય તેવું હોવું જોઈએ."

line

મોદી શાહનેશું સલાહ આપશો?

મોદીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

"આ અંગે હું શું ટિપ્પણી કરું? એ તો સમય કહેશે જ, પરંતુ વાજપેયીજીનું જીવન જે રાજનૈતિક વિચારધારા પર ચાલ્યું હતું, તે તમામ વાતો શિખવા લાયક છે."

"જેમ કે, રાજનીતિ લોકો માટે હોવી જોઈએ સત્તા માટે નહીં. મતભેદ ભલે થાય મનભેદ ન થવો જોઈએ."

"અભિવ્યક્તિમાં શાલીનતા હોવી જોઈએ, બીજાને આપણાથી નાના સાબિત કરવાનો પ્રયાસ ન હોવો જોઈએ."

કાશ્મીર હોય કે પાકિસ્તાન લોકો વાજપેયીને યાદ કરે છે મોદીની આવી છાપ કેમ નથી?

"મને તેના વિશે જાણકારી નથી, પરંતુ તે જવાબદારી પીએમઓ (વડા પ્રધાન કાર્યાલય)ની છે. મારા મતે નરેન્દ્ર મોદીની નિયત ચોખ્ખી છે તેમના જેટલો પરિશ્રમ કોઈ કરી શકે નહીં."

લોકોના મતે ભયનો માહોલ છે. લિંચિંગ થઈ રહ્યું છે,ગૌરક્ષાના નામે નાના-નાના સમૂહ બની ગયા છે, પ્રધાનમંત્રીએ આને રોકવા માટે શું કરવુ જોઈએ?

"એના માટે જરૂરી છે કે વિપક્ષને વિશ્વાસમાં લેવો જોઈએ, તેમની ભાવના અને મતનું સન્માન થવું જોઈએ."

"તમારી પાસે સંખ્યાબળ છે, પરંતુ સત્તા ફક્ત સંખ્યાબળથી ટકતી નથી."

line

તમે વાજપેયીને સંઘનું મહોરું કહ્યા હતા?

વાજપેયી અડવાણીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

"આ વિવાદ છ ઑક્ટોબર 1997થી 30 ઑક્ટોબર સુધી ચાલ્યો."

"30 ઑક્ટોબર બાદ આ વિવાદનો પલટો થઈ ગયો."

"વર્ષ 1998માં જયારે કુશાભાઉ ઠાકરે અધ્યક્ષ બન્યા તો મને ફરીથી મહામંત્રી બનાવવામાં આવ્યો, જે સિદ્ધ કરે છે કે મહોરાના વિવાદના લીધે મે રાજનીતિમાંથી વિદાય નોહતી લીધી."

"16 સપ્ટેમ્બરની આજુબાજુ બ્રિટિશ ઉચ્ચાયુક્તના બે તથા એક ભારતીય અધિકારી સાથે મારી વાતચીત થઈ હતી."

"વાતચીતમાં તેમણે પૂછ્યું હતું કે વર્ષ 1998માં અધ્યક્ષ કોણ બનશે મેં 10 નામ ગણાવ્યા હતા.”

“તેમણે કહ્યું કે તમે અટલજીનું નામ કેમ ન ગણાવ્યું, ત્યારે મેં કહ્યું હતું કે તેઓ અમારા સુપ્રસિદ્ધ નેતા છે અને તેમને નેતા તરીતે પ્રસ્તુત કરીને અમે વધુમાં વધુ વોટ માંગીશુ."

"બીજેપી અને સંઘ સાથે 'પાંચજન્ય' પત્રિકાના સંપાદક સ્વર્ગીય ભાનુ પ્રતાપ શુક્લાને ઘર્ષણ થયું, ત્યારે તેમને એ પદ પરથી ફરજમુક્ત કરાયા હતા."

"પરંતુ તેના પહેલાં છ ઑક્ટોબરના રોજ તેમનો લેખ છપાયો હતો, જેનું શિર્ષક હતું 'અટલ બિહારી વાજપેયી મહોરું છે: ગોવિંદાચાર્ય' "

"તેમણે બ્રિટિશ ઉચ્ચાયુક્તના બે અધિકારીઓ સાથે થયેલી વાતચીતનો હવાલો ટાંકતા લખ્યું હતું કે પાર્ટીના કેન્દ્રીય પદાધિકારી અટલ વિશે આવું વિચારે છે."

"અડવાણીજીએ સવારે ફોન કરીને મને પૂછ્યું એટલે મેં આ વિષય ઉપર મારો ખુલાસો મોકલ્યો હતો અને સાંજ સુધીમાં બ્રિટિશ ઉચ્ચાયુક્ત દ્વારા પણ ખુલાસો જાહેર કરવામાં આવ્યો હતો."

"ત્યાર બાદ આ જ સમાચાર ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક પત્રકારે છાપ્યો હતો, જેમાં તેમણે શિર્ષક આપ્યું હતું 'ગોવિંદાચાર્ય કોલ્સ અટલ અ માસ્ક'. "

"ભારતીય અધિકારીએ એ અંગ્રેજી શબ્દ 'માસ્ક'ને ભાનુ પ્રતાપ શુક્લા પાસે 'મહોરા' તરીકે ગણાવ્યો હતો."

"ત્યાર બાદ અડવાણીજીએ મને કહ્યું હતું કે, હું રાજીનામું આપું, પરંતુ રાજીનામું સોંપુ તે પહેલાં વાજપેયીજીએ મને તેમની પાસે બોલાવ્યો હતો."

"મારો અને બ્રિટિશ ઉચ્ચાયુક્ત એમ બન્નેનો ખુલાસો આવ્યો.”

“મેં કહ્યું હતું કે આ પ્રકારની પ્રવૃત્તિ કરવા સિવાય મારી પાસે અન્ય ઘણાં કામ છે, ત્યારે વાજપેયીજીએ કહ્યું કે આ બધી વાતો છોડો અને કામે વળગી જાઓ."

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો