પાટીદાર નેતા હાર્દિક પટેલને આંદોલન માટે મંજૂરી કેમ નહીં?

હાર્દિક પટેલની તસવીર

ઇમેજ સ્રોત, HardikPatel/FB

    • લેેખક, જય મકવાણા
    • પદ, બીબીસી ગુજરાતી

25 ઑગસ્ટે આમરણાંત ઉપવાસ આંદોલન માટે મંજૂરી ના મળતા પાટીદાર અનામત આંદોલન સમિતિના સંયોજક હાર્દિક પટેલ રવિવારે એક દિવસના પ્રતીક ઉપવાસ પર બેસવાના હતા.

જોકે, ઉપવાસ શરૂ થાય પહેલાં જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમની અટકાયત કરી લેવાઈ હતી અને મોડી સાંજે જામીન પર છૂટકારો થયો હતો.

હાર્દિક પટેલ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા(આઈપીસી)ની કલમ 143 અને 186 અંતર્ગત ગેરકાયદેસર મંડળી રચવી અને સરકારી કે પોલીસની કામગીરીમાં દખલ કરવાના ગુના હેઠળ એફઆઈઆર (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) નોંધવામાં આવી છે.

આ અંગે હાર્દિક પટેલે સ્થાનિક પત્રકાર ભાર્ગવ પરીખ સાથે વાતચીતમાં જણાવ્યું, ''લોકશાહીમાં વિરોધ અને આંદોલન કરવાનો હક ભારતનું બંધારણ આપે છે.''

''રાજ્ય સરકાર મને આંદોલન કરવાની મંજૂરી નહીં આપી આ હક છીનવી રહી છે.''

મંજૂરી ના મળવા પાછળનું કારણ જણાવતા હાર્દિક ઉમેરે છે, ''વિજય રૂપાણી ગુજરાતના મુખ્ય મંત્રી નથી પણ ગુજરાત સરકારના પ્રવક્તા માત્ર છે.''

''તેઓ માત્ર ત્યારે જ મંજૂરી આપશે કે જ્યારે તેમને દિલ્હી ખાતેથી મંજૂરી મળશે.''

જામીન પર છૂટ્યા બાદ હાર્દિકે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે જો 25મી ઑગસ્ટે તેમને જેલમાં ધકેલી દેવામાં આવશે તો ત્યાંથી પણ તેઓ અનશન ચાલુ રાખશે.

line

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાનું પગલું?

ગુજરાત પોલીસની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમદાવાદના નિકોલમાં હાર્દિક ઉપવાસ પર બેસવાના હતા, જેને પગલે ત્યાં મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત કરાયો હતો

આ અંગે ભાર્ગવ પરીખે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે વાત કરી.

નીતિન પટેલે આ મામલે જણાવ્યું, ''કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે જ આ પગલું ભરવામાં આવ્યું છે.''

પટેલે એવું પણ જણાવ્યું કે જે પણ કાર્યવાહી થઈ છે એ 'નિયમાનુસાર' જ થઈ છે.

આ જ વાત હાર્દિક પેટેલની અટકાયત કરનારા ક્રાઇમ-બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે. એસ. ગેડમે પણ દોહરાવી.

ગેડમેએ બીબીસીને જણાવ્યું, ''કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા માટે જ હાર્દિક પટેલની અટકાયત કરવામાં આવી છે.''

હાર્દિક ઉપરાંત અન્ય 29 પાટીદાર આગેવાન અને કાર્યકરોની પણ આ મામલે અટકાયત કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું.

line

રાજકીય રમતનો ભાગ?

હાર્દિક પટેલની તસવીર

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

હાર્દિક પટેલની કરાયેલી અટકાયત પાછળનું કારણ સમજવા બીબીસીએ વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ સાથે વાત કરી.

ઉમટે જણાવ્યું, ''ગુજરાત સરકારને લાગી રહ્યું છે કે હાર્દિક જે પણ કરી રહ્યા છે એ કોંગ્રેસના ઇશારે જ કરી રહ્યા છે.''

''વળી આ પ્રકારના આંદોલનમાં ઘર્ષણની શક્યતાને પણ નકારી શકાય નહીં. એટલે, સરકાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને આગળ ધરી આંદોલનને મંજૂરી આપી રહી નથી.''

ઉમટ એવું પણ જણાવે છે કે, આ અટકાયત એ રાજકીય રમતનો એક ભાગ માત્ર જ છે અને એટલે જ આ પ્રકારનો સંઘર્ષ સતત ચાલતો જ રહેવાનો.

જો આ પ્રકારનો સંઘર્ષ ચાલતો જ રહેવાનો હોય તો એવું શું થઈ ગયું કે, વર્ષ 2015માં સરકાર સામે પડીને પણ આંદોલનની મંજૂરી મેળવનારા હાર્દિક પટેલને આ વખતે આંદોલનની શરૂઆત પહેલાં જ અટકાવી દેવાયા?

આ માટે અજય ઉમટ હાર્દિક પટેલના આંદોલનના ઘટેલા રાજકીય પ્રભાવને કારણભૂત ગણે છે.

ઉમટ જણાવે છે, ''એ વખતે હાર્દિક પટેલ સાથે અઢી લાખ જેટલા લોકો હતા. આજે આ સંખ્યા લગભગ અઢી હજારની થઈ ગઈ છે.''

''સરકાર તો એ વખતે પણ હાર્દિકને મંજૂરી આપવા નહોતી માગતી, પણ એ સમયે લોકોનું પીઠબળ જોઈ તે ઝૂકી ગઈ હતી.''

''પણ આ વખતે સરકારને લાગે છે કે તે હાર્દિકને નિયંત્રિત કરી શકે એમ છે.''

line

પાટીદાર આંદોલનની તિવ્રતા ઘટી?

પાટીદારોની પ્રતિકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

હાર્દિક પટેલના ઘટેલાં સમર્થન પાછળ કયાં પરિબળો જવાબદાર ગણી શકાય?

આ અંગે ઉમટે જણાવ્યું, ''પાટીદાર સમુદાયને એ વાતની પ્રતીતિ થઈ ગઈ છે કે હાર્દિક જે વાત કરે છે એ પરિપેક્ષ્યમાં અનામત મળવાની કોઈ જ સંભાવના નથી.''

''2015માં પાટીદારોને એવું લાગતું હતું કે, 2017માં ચૂંટણી આવી રહી છે, એટલે કદાચ સરકાર એમના સામે ઝૂકી જાય અને અનામતની માગ સ્વીકારી લે.''

''પણ, એ માન્યતા હવે બદલાઈ ગઈ છે અને પાટીદારોને હવે સમજાઈ ગયું છે કે કોઈ પણ સંજોગોમાં તેમને અનામત મળી શકે એમ નથી.''

તેઓ ઉમેરે છે, ''વળી, ગુજરાત સરકારે સવર્ણ સમુદાયના આર્થિક રીતે નબળાં લોકોને ફાયદો આપવાની વાત કરી એને કારણે પણ પાટીદાર અનામત આંદોલનની તિવ્રતા ઘટી છે.

line

પાટીદારોનો અવાજ દબાવવાનો પ્રયાસ?

હાર્દિક પટેલના ઉપવાસની જાહેરાતને પગલે કરાયેલા પોલીસ બંદોબસ્તની તસવીર
ઇમેજ કૅપ્શન, હાર્દિક પટેલના ઉપવાસની જાહેરાતને પગલે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

પણ, 'પાસ'નું આ મામલે કંઈક અલગ જ માનવું છે.

'પાસ'ના આગેવાન દિલીપ પટેલે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, ''સરકાર સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવાનો દરેક નાગરિકનો અધિકાર છે.''

''જ્યારે રાજ્યમાં કોંગ્રેસની સરકાર હતી, ત્યારે ભાજપના હાલના નેતાઓ પણ આંદોલન કરતા જ હતા, પણ હવે તેમની સરકારમાં આંદોલન કરવાની જ મનાઈ ફરમાવી દેવાઈ છે.''

પટેલે ઉમેર્યું, ''સરકારનું આ પગલું પાટીદારોનો અવાજ દબાવવાનો પ્રયાસ માત્ર છે.''

line

સરકારનું વર્તન લોકશાહી વિરુદ્ધનું?

વિજય રૂપાણીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

શું સરકાર ખરેખર પાટીદારોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે?

આ અંગે વાત કરતા જાણીતા રાજકીય વિશ્લેષક મનીષી જાનીએ જણાવ્યું, ''લોકોની પોતાની વાત રજૂ કરવાનો કે સરકારના કોઈ પગલાનો વિરોધ કરવાનો અધિકાર લોકશાહી આપે છે.''

''લોકશાહી એ માત્ર ચૂંટણી લડી, જીતીને સરકાર રચવાની બાબત માત્ર નથી. લોકશાહી એ રોજેરોજની પ્રક્રિયા છે.''

જાની ઉમેરે છે, ''વાત માત્ર પાટીદારોની જ નથી, દલિતોનું આંદોલન હોય, ખેડૂતોનું આંદોલન હોય કે મહિલાઓનું આંદોલન હોય, વિરોધ માટે સરકાર કોઈને ગાંધીનગર પહોંચવા દેતી જ નથી.''

''સરકારનું વલણ સ્પષ્ટ છે કે તેઓ વિરોધી સંવાદની ભૂમિકા જ ઊભી થવા દેવા માગતી નથી. વિરોધ એ લોકશાહીનું મહત્ત્વનું અંગ છે અને સરકાર એને જ છીનવી રહી છે.''

જાની એવું પણ જણાવે છે, ''પાટીદારોને અનામત મળવી જોઈએ કે ના મળવી જોઈએ એ મુદ્દો મહત્ત્વનો નથી.''

''મહત્ત્વનો મુદ્દો પાટીદારોને એમની વાત રજૂ કરવા દેવાના અધિકારનો છે. આંદોલન કરવું નાગરિકનો અધિકાર છે અને એ અધિકાર છીનવી શકાય નહીં.''

(આ સ્ટોરી માટે ભાર્ગવ પરીખના ઇનપુટ્સ મળ્યા છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો