કેરળમાં વરસાદે વિરામ લીધો, બચાવકામગીરી પૂરજોશમાં

ઇમેજ સ્રોત, Reuters
- લેેખક, સલમાન રાવી
- પદ, બીબીસી સંવાદદાતા, કેરળથી
ભયાનક પૂરનો સામનો કરી રહેલા કેરળમાં વરસાદે વિરામ લીધો છે અને બચાવ કામગારી વેગવાન બનાવવામાં આવી છે.
હવામાન વિભાગે તમામ જિલ્લાઓ માટે રેડ ઍલર્ટ હટાવીને ઑરેંજ ઍલર્ટ જારી કર્યું છે. જોકે, હજુ પણ કેટલાક વિસ્તારો પાણીમાં જ ગરકાવ છે.
ઍરફોર્સ અને નેવી પૂરમાં ફસાયેલા લોકોને ઍરલિફ્ટ કરીને સુરક્ષિત સ્થળે ખસેડી રહી છે.
ઉપરાંત જે લોકો સુધી પહોંચવું મુશ્કેલ છે તેમના માટે ફૂડ પૅકેટ્સ તેમની અગાશી પર ફેંકવામાં આવી રહ્યાં છે.
કેરળના પૂરમાં અત્યાર સુધી કુલ 350થી વધુ લોકોનાં મોત થયાં છે. ઉપરાંત હજારો લોકો હજુ પણ પૂરમાં ફસાયેલા છે.

અધિકારીઓનું કહેવું છે કે, બચાવ ટીમ હાલ નદીકાંઠે વસેલા ચેંગન્નૂર પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. અહીં પાંચ હજારથી વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા છે.
રવિવારે પણ સતત અગિયારમાં દિવસે એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી. હાલ કેરળમાં 58 એનડીઆરએફ ટીમો તહેનાત છે.
આપને આ પણ વાંચવું ગમશે
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ટીમે પૂરમાં ફસાયેલા 348 લોકોને બચાવ્યા છે અને 15 હજાર લોકોને જોખમી વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કર્યાં છે.
કેરળમાં ભયાનક પૂરને કારણે સર્જાયેલી સ્થિતિને કારણે એક સ્થાનિક નેતા સજી ચેરિયન પૂરમાં ફસાયેલા લોકોની સ્થિતિ વર્ણવતી વખતે ટીવી પર રડી પડ્યા હતા.
તેમણે કહ્યું,"અમને હેલિકૉપ્ટર આપી દો. હું ભીખ માંગુ છું. મારી મદદ કરો. મારા વિસ્તારમાં લોકો મરી જશે. મદદ કરો. કોઈ અન્ય વિકલ્પ નથી. લોકોને ઍરલિફ્ટ જ કરવા પડશે."

જોકે, એવી આશંકા છે કે સ્થિતિ હજુ પણ વણસી શકે છે. કેમકે, આગામી દિવસોમાં ત્રણ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.
કેરળમાં સરકારી બોટ્સ બચાવ કામગીરી માટે ઉપયોગમાં લેવામાં આવી રહી છે.
બીબીસી સંવાદદાતા યોગિતા લિમેયેએ જણાવ્યું કે રાજ્યના ઘણા માછીમારોએ તેમની બોટ પણ બચાવ કામગીરીમાં મદદ કરવા માટે ઉપયોગમાં લીધી છે.
વળી શનિવારે મોબાઇલ ઑપરેટર્સે કેરળના લોકોને મફતમાં ડેટા અને મૅસેજ મોકલવાની સુવિધા પણ આપી હતી. જેથી લોકો એકબીજાની મદદ કરી શકો.

ઘણાં ગામ ભૂસ્ખલનના કારણે નષ્ટ થઈ ગયાં છે. આર્મીના જવાનો તેનો કાટમાળ હટાવીને અસ્થાયી પુલ બનાવી રહ્યા છે. જેથી વાહનનોની અવરજવર ચાલુ રહી શકે.
વળી અધિકારીઓને ચિંતા છે કે રાહત કૅમ્પોમાં પાણીજન્ય રોગ અથવા સંક્રમણની બીમારી ન ફેલાઈ જાય.

કેરળના કુદરતી આપદા વ્યવસ્થાપન વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર કેરળમાં 2 લાખથી વધુ લોકોને રાહત કૅમ્પમાં ખસેડવામાં આવ્યા છે.
તદુપરાંત કેરળના મુખ્યમંત્રી પી. વિજયને શુક્રવારે ટ્વીટ કર્યું હતું કે, રાજ્યના 2094 રાહત કૅમ્પોમાં 3 લાખથી વધુ લોકોએ આશ્રય લીધો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












