You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
1971ના હીરો : ક્રિકેટર અજીત વાડેકરનું નિધન
ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને કોચ રહી ચૂકેલા અજીત વાડેકરનું મુંબઈની જસલોક હૉસ્પિટલમાં નિધન થયું છે. 77 વર્ષના વાડેકર લાંબા સમયથી બીમાર હતા.
અજીત વાડેકરને વર્ષ 1971માં ઇંગ્લૅન્ડની ધરતી પર ઇંગ્લૅન્ડ સામે રમાયેલી મૅચમાં ભારતને વિજય અપાવનાર સુકાની તરીકે યાદ કરવામાં આવે છે.
તેઓ કુલ 37 મેચ ટેસ્ટ મેચ રમ્યા છે જેમાં તેમણે 2 હજારથી વધુ રન ફટકાર્યા છે.
1971ના ઇંગ્લૅન્ડ પ્રવાસને યાદ કરતા વાડેકરે બીબીસીને જણાવ્યું હતું, "એ સમયે અમારી પાસે સારા ફાસ્ટ બૉલર નહોતા, ત્યારે સ્પિન બૉલર અને ફિલ્ડિંગના જોરે અમે સારું પ્રદર્શન કર્યું હતું."
વાડેકરની યાદગાર કૅપ્ટન તરીકેની સફર
વાડેકર આક્રમક ડાબેરી બૅટ્સમેન હતા અને સ્લીપમાં સુંદર રીતે કૅચ કરવા માટે જાણીતા હતા.
1967-68માં ભારત પહેલી વખત ન્યૂ ઝીલૅન્ડની ધરતી પર સીરિઝ જીત્યું હતું, જેમાં વેલિંગ્ટનમાં રમાયેલા મેચમાં વાડેકરે 143 રનની યાદગાર ઇનિંગ રમી હતી.
આ એ સમય હતો જ્યારે ભારતના કૅપ્ટન મનસૂર અલી ખાન પટૌડી હતા અને ભારત ક્રિકેટ વિશ્વમાં પોતાનું સ્થાન મજબૂત કરી રહ્યું હતું.
1970-71માં વાડેકરને ભારતની ક્રિકેટ ટીમના કૅપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
આ વર્ષે ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામે સીરિઝ રમવાની હતી. દિલિપ સરદેસાઈ, ક્રિકેટમાં ડેબ્યુ કરનારા ગાવસ્કરના સહારે અને વાડેકરની આગેવાની હેઠળ ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામે 1-0થી સીરિઝ જીતી લીધી હતી.
વાડેકરને ખાસ તો ભારતે ઓવલમાં ઇંગ્લૅન્ડને હરાવીને મેળવેલી જીત માટે યાદ કરવામાં આવે છે.
1971માં ભારતે ઇંગ્લૅન્ડને તેના ઘર આંગણે જ હરાવીને 1-0થી સીરિઝ જીતી લીધી હતી.
જેમાં ઓવલ ખાતે રમાયેલા મેચમાં બીએસ ચંદ્રશેખરે 38 રનમાં 6 વિકેટ લીધી હતી.
1972-73માં ઘર આંગણે રમાયેલી ઇંગ્લૅન્ડ સામેની શ્રેણી જીત્યા બાદ કૅપ્ટન તરીકે વાડેકર વધારે મજબૂત થયા હતા.
જોકે, 1974માં 3-0થી ઇંગ્લૅન્ડ સામે જ સીરિઝ હાર્યા બાદ ભારતની ભારે નામોશી થઈ હતી.
જેમાં એ મૅચનો પણ સમાવેશ થાય છે જ્યારે ભારતની ટીમ માત્ર 42 રનમાં જ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.
જેના કારણે અજીત વાડેકરને કૅપ્ટન પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. બાદમાં વાડેકરે નિવૃતિ લઈ લીધી.
નિવૃતિ બાદ વાડેકરે ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે પણ પોતાની ફરજ બજાવી હતી.
વાડેકરના નિધન પર ભારતીય ટીમના તાજેતરના કોચ રવિ શાસ્ત્રીએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને વાડેકરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
તેમણે લખ્યું, "અજીત વાડેકરને ક્રિકેટમાં તેમના યોગદાન બદલ યાદ કરવામાં આવશે. તેઓ એક મહાન બૅટ્સમેન અને ગજબના કૅપ્ટન હતા. તેમની આગેવાનીમાં ભારતે જે મૅચ જીતી છે તે ખૂબ જ યાદગાર છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો