કરુણાનિધિના કાળા ચશ્મા અને ખભે પીળી શાલ પાછળનું રહસ્ય

કરુણાનિધિના અવસાન બાદ દેશ-વિદેશમાં રહેતા ભારતીયો તેમના જીવન વિશે જાણકારી મેળવવા માટે ઉત્સુક છે.

ઇન્ટરનેટ પર કરુણાનિધિના જીવન વિશે અને તેમના પહેરવેશને લઈને અનેક સવાલો પૂછાય રહ્યા છે.

જેમ કે, શા માટે કરુણાનિધિ પીળી શાલ ઓઢતા હતા? તેમનો અકસ્માત ક્યારે થયો હતો? કાળા ચશ્માનું રહસ્ય શું છે?

બીબીસી ગુજરાતી દ્વારા સોશિયલ નૅટવર્કિંગ સાઇટ્સ પર કરુણાનિધિ વિશે પૂછાયેલા કેટલા સવાલોના જવાબ મેળવવાનો પ્રયાસ કરાયો હતો.

કરુણાનિધિ શા માટે પીળી શાલ ઓઢતા હતા?

કરુણાનિધિ એવા વ્યક્તિ હતા, જેમણે લાંબા સમય સુધી સફેદ શાલ ઓઢી હતી, પરંતુ વર્ષ 1994થી તેમણે પીળી શાલ ઓઢવાની શરૂઆત કરી હતી.

એ ગાળામાં કરુણાનિધિને મોઢામાંથી લાળ નીકળવાની સમસ્યા ઉદભવી હતી અને તેમના ચહેરા પર સોજો આવી જતો.

જેના કારણે તબીબોએ તેમને મોઢાના એ ભાગને હૂંફ મળી રહે તે માટે શાલ રાખવાની સલાહ આપી હતી. ત્યાર બાદ કરુણાનિધિ પીળી શાલ ઓઢવાની શરૂઆત કરી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

તેમના મિત્રો અને પરિજનોના જણાવ્યા મુજબ, પીળી શાલ અલગ ઓળખ ઊભી કરતી હોવાથી તેમણે એ જ શાલ ઓઢવાનું ચાલુ રાખ્યું.

પીળી શાલની ટીકાની સાથે સાથે કેટલીક અંધશ્રદ્ધાને લગતી વાતો જોડાવા લાગી હતી. આ વિષયને લઈને તેમને અનેક વખત સવાલ પૂછાતા.

એક ઇન્ટર્વ્યૂમાં પીળી શાલ વિશેનો જવાબ આપતા તેમણે ઓશોની વાતને ટાંકતા કહ્યું હતું, ''જે પોતાની જાત પર શાસન કરે છે, પ્રકાશ જેટલો શુદ્ધ અને નિષ્કલંક છે તેઓ પીળા રંગનું પરિધાન કરી શકે છે.''

કેમ પહેરતા કાળા ચશ્મા?

વર્ષ 1953માં તમિલનાડુના રામનાથાપુરમ્ જિલ્લાના પરમાકુડીથી પરત ફરતા સમયે કરુણાનિધિનો અકસ્માત થયો હતો.

તેમની કાર હાઈ વેના માઇલસ્ટોન સાથે અથડાઈ હતી અને આંખની સાથે જોડાયેલી નસને ઇજા પહોંચી હતી.

તેમની ડાબી આંખ પર 12 ઑપરેશન થયા હતા, ત્યાર બાદ વર્ષ 1967માં તેમની કારનો ફરીથી અકસ્માત થયો, જેનાં કારણે તેમની આંખને ફરીથી ઈજા પહોંચી હતી.

તેમને ડાબી આંખે સતત દુખાવો રહેતો હતો, જેથી વર્ષ 1971માં યુ.એસ.એ.ની જ્હોન હોપ્કિન્સ હૉસ્પિટલમાં ડાબી આંખમાં ઑપરેશન થયું હતું.

આ ઘટના બાદ તેમણે કાળા ચશ્મા પહેરવાની શરૂઆત કરી હતી, જેથી તેમની આંખનું રક્ષણ થાય.

વર્ષ 2000 બાદ તેમણે આછા કાળા ચશ્મા પહેરવાની શરૂઆત કરી, જેના કાચ આરપાર જોઈ શકાય તેવા હતા, આથી લોકો તેમની આંખને જોઈ શકતા હતા.

એમ.જી. રામચંદ્રનની અંતિમક્રિયામાં હાજર રહ્યા હતા?

જે દિવસે એમજીઆરનું અવસાન થયુ કરુણાનિધિ એરોડથી પરત ફરી રહ્યાં હતા.

અવસાનના સમાચાર તેમને મળ્યા કે તરત જ તેઓ ચેન્નાઈના રામાવરમ્ વિસ્તાર સ્થિત એમજીઆરના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ આપવા ફૂલની માળા લઈને પહોંચ્યા હતા.

પૂર્વ મંત્રી માધવન કરુણાનિધિને એમજીઆરનો પાર્થિવ દેહ જ્યાં રાખ્યો હતો તે રૂમ સુધી લઈ ગયા હતા, જ્યાં કરુણાનિધિએ પાર્થિવદેહને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ ઘટનાના ઘણા સમય બાદ એ દિવસને યાદ કરતા કરુણાનિધિએ કહ્યું હતું:

"જો તે સમયે મેં એમજીઆરના ઘરે શ્રદ્ધાંજલિ આપવા જવા માટેનો તાત્કાલિક નિર્ણય લીધો ન હોત તો બાદમાં હું તેમને શ્રદ્ધાંજલિ આપી શક્યો ન હોત, કારણ કે એ સમયે બન્ને પાર્ટી વચ્ચે ખૂબ જ વેર હતું."

પરંતુ એમજીઆરના અવસાના સમાચાર બાદ ફાટી નિકળેલા તોફાનોમાં અન્ના સલાઈ રોડ (માઉન્ટ રોડ) પર આવેલું કરુણાનિધિનું પૂતળું હિંસક ટોળાએ તોડી પાડ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો