કરુણાનિધિ અને જયલલિતા વચ્ચે શા માટે હતી આટલી નફરત?

- લેેખક, ઇમરાન કુરેશી
- પદ, બીબીસી ગુજરાતી માટે
મુથુવેલ કરુણાનિધિના અવસાન સાથે ઘણા અર્થમાં એક યુગનો અંત થયો છે. એ યુગમાં તેમની અને જયલલિતા જયરામ વચ્ચે એક પ્રકારની કડવાશભરી દુશ્મનાવટ જોવા મળી હતી.
રાજકીય નેતાઓ વચ્ચે દુશ્મનાવટ તો જોવા મળતી હોય છે પણ કરુણાનિધિ અને જયલલિતા વચ્ચેની દુશ્મનીનું સ્તર અલગ હતું.
બન્ને દક્ષિણ ભારતના મજબૂત રાજકીય નેતા હતા અને એ બન્નેએ જે હદે રાજકીય દુશ્મની નિભાવી હતી એવું બહુ ઓછું જોવા મળે છે.
દક્ષિણ ભારતના રાજકારણમાં તો એવું વધારે મુશ્કેલ હોય છે.
અન્ય નેતાઓથી અલગ આ બન્ને નેતા વિધાનસભામાં ક્યારેય વધુ હસ્યા ન હતા કે તેમણે સંસદીય મજાક કરી ન હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
વિધાનસભા એક જ એવી જગ્યા હતી જ્યાં તેઓ બહુ ઓછી વખત એકમેકની સામે આવ્યાં હતાં.
જયલલિતા અને કરુણાનિધિ વચ્ચે તંગદિલીભર્યા સંબંધને કારણે તામિલનાડુમાં પરિસ્થિતિ અન્ય રાજ્યો જેવી ન હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અન્ય રાજ્યોની માફક એક મુખ્ય પ્રધાન અને વિરોધ પક્ષના નેતા એક મંચ પર બિરાજે કે રાષ્ટ્રીય નેતાઓના સ્વાગત માટેના સત્તાવાર ભોજન સમારંભમાં સામેલ થાય તેવું ચલણ તામિલનાડુમાં નથી.
જયલલિલા વિશેના એક પુસ્તકનાં લેખિકા અને તામિલનાડુનાં વરિષ્ઠ રાજકીય સમીક્ષક વસંતીએ કહ્યું હતું, "તેઓ બન્ને એકમેકને માત્ર નાપસંદ કરતાં હતાં એટલું જ નહીં, એકબીજાને નફરત પણ કરતાં હતાં."

જયલલિતાની પ્રતિજ્ઞા

ઇમેજ સ્રોત, EPA
તામિલનાડુ વિધાનસભામાં 1989ના માર્ચમાં બનેલી ઘટનાની વાત વસંતીએ કરી હતી.
એ વખતે જયલલિતા વિરોધ પક્ષનાં નેતા હતાં અને મુખ્ય પ્રધાન કરુણાનિધિએ તેમના વિરુદ્ધ કેસ ચલાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
એ સમયે કરુણાનિધિએ બજેટ રજૂ કરવાનું શરૂ કર્યું હતું અને જયલલિતા તેમનો વિરોધ કરવા લાગ્યાં હતાં.
એ પછી કોઈએ કરુણાનિધિ પર ફાઇલ ફેંકી હતી. તેમાં કરુણાનિધિનાં ચશ્મા તૂટી ગયાં હતાં.
તેના પ્રતિભાવ સ્વરૂપે શાસક પક્ષના કોઈ ધારાસભ્યે જયલલિતાની સાડી ખેંચી હતી.
વસંતીએ કહ્યું હતું, "જયલલિતાએ તે કૃત્યને ક્યારેય માફ ન કરી શકાય તેવું અપમાન ગણાવ્યું હતું અને પ્રતિજ્ઞા કરી હતી કે કરુણાનિધિ સત્તા પર નહીં હોય ત્યારે જ તેઓ વિધાનસભામાં પાછાં ફરશે."
વરિષ્ઠ રાજકીય વિશ્લેષક માલને કહ્યું હતું, "કરુણાનિધિ માટે જયલલિતા એવાં નેતા હતાં કે જેઓ દ્રવિડ સંસ્કૃતિમાંથી આવેલાં ન હતાં અને રેન્કને આધારે આગળ વધ્યાં ન હતાં."
(જયલલિતાના ગુરુ એમ. જી. રામચંદ્રને ડીએમકેથી અલગ થઈને એઆઈડીએમકે નામના પક્ષની રચના કરી હતી. તેમાં જયલલિતા પ્રચાર સચિવ બન્યાં હતાં)
માલને ઉમેર્યું હતું "એ ઉપરાંત જયલલિતા બ્રાહ્મણ હતાં અને ડીએમકે હંમેશાં બ્રાહ્મણો વિરુદ્ધ લડતો રહ્યો છે."
વસંતીએ કહ્યું હતું, "તામિલનાડુમાં જે કંઈ ખરાબ થયું તેના માટે કરુણાનિધિએ હંમેશાં જયલલિતાને જવાબદાર ઠેરવ્યાં હતાં."
"કરુણાનિધિએ તેમને ભ્રષ્ટાચારના આરોપસર જેલમાં પણ મોકલ્યાં હતાં."
"એ પછી જયલલિતા ફરી સત્તા પર આવ્યાં ત્યારે તેમણે કરુણાનિધિની તેમના ઘરમાંથી અડધી રાતે ધરપકડ કરાવી હતી."

કરુણાનિધિ અને રામાચંદ્રનનો જમાનો

એમ.જી. રામાચંદ્રન અને કરુણાનિધિ વચ્ચેના સંબંધમાં ઘણા ઉતારચઢાવ આવ્યા હતા.
કરુણાનિધિએ એક ફિલ્મમાં રોલ અપાવવામાં એમ.જી. રામાચંદ્રનને મદદ કરી હતી જ્યારે એમ. જી. રામાચંદ્રને મુખ્ય પ્રધાનપદ માટે કરુણાનિધિને ટેકો આપ્યો હતો.
એ દોસ્તી વર્ષો સુધી યથાવત રહી હતી, પણ પોતે પક્ષમાં એકલા પડી રહ્યા હોવાનું એમ. જી. રામાચંદ્રને લાગ્યું ત્યારે તેઓ કરુણાનિધિથી દૂર થઈ ગયા હતા.
બન્ને વચ્ચેના સંબંધમાં તિરાડ પડવાની શરૂ થઈ હતી. એ સમયે રાજકારણમાં એમ. જી. રામાચંદ્રનનું કદ ઘણું મોટું થઈ ગયું હતું.
તેમણે પક્ષમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા અને એ રીતે ડીએમકેમાંથી 'એઆઈડીએમકે'નો જન્મ થયો હતો.
માલને કહ્યું હતું, "કરુણાનિધિ પહેલાંથી એમ. જી. રામાચંદ્રનને પ્રતિસ્પર્ધી ગણતા હતા, પણ તેમણે કરુણાનિધિને હરાવ્યા ત્યારે એ પ્રતિસ્પર્ધતા ઓછી થઈ ગઈ હતી."
"એ પછી તેઓ ક્યારેય સાથે જોવા મળ્યા ન હતા, પણ એમ. જી. રામાચંદ્રનની તબિયત બગડી ત્યારે કરુણાનિધિએ તેમની સ્વસ્થતાની ઇચ્છા વ્યક્ત કરતો પત્ર લખ્યો હતો, જે તેમની વચ્ચેના જોડાણને દર્શાવે છે."
"એ બન્ને વચ્ચે અલગ પ્રકારનો સંબંધ હતો પરંતુ જયલલિતા સાથેનો કરુણાનિધિનો સંબંધ એકદમ ઊલટો હતો."

બન્નેની દુશ્મનાવટથી કોને ફાયદો?

ઇમેજ સ્રોત, Reuters
જયલલિતા અને કરુણાનિધિ વચ્ચેની દુશ્મનાવટથી તામિલનાડુને કોઈ ફાયદો થયો હતો કે નહીં?
આ સવાલના જવાબમાં માલને કહ્યું હતું, "હા, કારણ કે એ દુશ્મનાવટ રાજ્યને સ્પર્ધાના રાજકારણ ભણી લઈ ગઈ હતી."
"ડીએમકે અને એઆઈડીએમકે વચ્ચેની દુશ્મનાવટ એટલી જોરદાર હતી કે 1967માં ડીએમકે રાજ્યમાં સત્તા પર આવ્યો પછી એકેય રાષ્ટ્રીય પક્ષ રાજ્યના રાજકારણમાં સ્થાન બનાવી શક્યો ન હતો."
મધ્યાહ્ન ભોજન યોજનાની શરૂઆત કોંગ્રેસી મુખ્ય પ્રધાન કે. કામરાજે કરી હતી. તેને એમ. જી. રામાચંદ્રને ફરી શરૂ કરી હતી.
સમય જતાં કરુણાનિધિ અને જયલલિતા વચ્ચેની પ્રતિસ્પર્ધા એટલી વધી ગઈ હતી કે બન્ને ચૂંટણી પહેલાં જ તેમના ચૂંટણીઢંઢેરામાં મફત સામાન વહેંચવા લાગ્યાં હતાં.

એક ઈંડા સામે બે ઈંડા

માલને કહ્યું હતું, "એક પક્ષ મધ્યાહ્ન ભોજનમાં દર સપ્તાહે એક ઈંડુ આપવાની વાત કરતો, ત્યારે બીજો પક્ષ બે ઈંડા આપવાની યોજના રજૂ કરતો હતો. એ રીતે સ્કૂલોમાં સ્ટુડન્ટ્સને દર સપ્તાહે પાંચ ઈંડા મળવા લાગ્યાં હતાં."
"આ રીતે એક પક્ષે કલર ટીવી આપવાની વાત કરી હતી, તો બીજાએ મિક્સર ગ્રાઇન્ડર. એ રીતે વાત લેપટોપ આપવા સુધી પહોંચી ગઈ હતી."
પાડોશી રાજ્ય કર્ણાટકના નેતાઓ માને છે કે બન્ને નેતાઓ વચ્ચે આટલી દુશ્મની ન હોત તો એક દાયકાથી વધુ જૂનો કાવેરી વિવાદ ઉકેલાઈ ગયો હોત.
કર્ણાટકના એક નેતાએ તેમનું નામ જાહેર ન કરવાની શરતે કહ્યું હતું, "કરુણાનિધિ કર્ણાટક સાથે પરસ્પર સહમતિથી આ વિવાદ ઉકેલી શક્યા હોત પણ જયલલિતા કર્ણાટકને બદલે તામિલનાડુ પ્રત્યે વધારે વફાદારી દર્શાવવા ઈચ્છતાં હતાં.
"બીજી તરફ કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવરાજ ઉર્સ કે જે. એચ. પટેલ બન્ને નિષ્પક્ષ અભિગમ ધરાવતા હતા."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














