વિશ્વનાં ટોચનાં પ્રભાવશાળી મહિલા ઇંદ્રા નૂઈની 10 વાત

ઇમેજ સ્રોત, Getty Images
દુનિયાની સૌથી મોટી કંપનીમાંથી એક પૅપ્સીકોનાં સીઈઓ ઇંદ્રા નૂઈ પોતાનું પદ છોડી રહ્યાં છે.
ભારતીય મૂળનાં ઇંદ્રા નૂઈ 12 વર્ષોથી પૅપ્સીકોનાં પ્રમુખ હતાં.
ઇંદ્રા નૂઈનો સમાવેશ વેપાર જગતમાં ટોચ પર પહોંચનારાં મહિલાઓમાં થાય છે.
તેમણે ફોર્બ્સ પત્રિકાનાં 100 પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં લાંબા સમયથી સ્થાન જાળવી રાખ્યું હતું.
આ યાદીમાં ગત વર્ષે તેઓ 11માં નંબરે રહ્યાં હતાં. 62 વર્ષનાં નૂઈ 24 વર્ષથી પૅપ્સી સાથે જોડાયેલાં હતાં.
વર્ષ 2006માં ઇંદ્રા નૂઈએ પૅપ્સીકોની કમાન સંભાળી ત્યાર બાદ કંપનીના શેરમાં 78 ટકાનો ઉછાળો નોંધાયો હતો.
તમે આ વાંચ્યું કે નહીં?
કંપનીના વર્તમાન પ્રમુખ રામોન લાગ્વાર્ટો નૂઈનું સ્થાન લેશે.
પૅપ્સીકો તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદન મુજબ, લાગ્વાર્ટો ત્રીજી ઑક્ટોબરના સીઈઓ પદ સંભાળશે અને કંપની બોર્ડમાં પણ જોડાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લાગ્વાર્ટો 22 વર્ષોથી પૅપ્સીકો સાથે જોડાયેલાં છે અને તેઓ કંપનીનાં વૈશ્વિક વેપારને સંભાળી રહ્યાં હતાં.
નૂઈ વર્ષ 2019ના શરૂઆતના મહિનાઓ સુધી પૅપ્સીકો બોર્ડનાં ચેરપર્સનપદે રહેશે.

ઇંદ્રા નૂઈ વિશે કેટલીક ખાસ વાતો

ઇમેજ સ્રોત, AFP
1. ઇંદ્રા નૂઈનો જન્મ ચેન્નઈમાં થયો હતો અને પ્રારંભિક શિક્ષણ પણ ચેન્નઈમાં જ મેળવ્યું હતું.
2. સાયન્સ સાથે ગ્રૅજ્યુએશન કરનારાં ઇંદ્રાએ કોલકતાની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટમાંથી મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો અને ભારતમાં કારકિર્દીની શરૂઆત કરી હતી.
3. કેટલાક વર્ષો કામ કર્યા બાદ તેઓ અમેરિકા ઉચ્ચ અભ્યાસર્થે ગયાં હતાં અને ત્યાં યેલ સ્કૂલ ઑફ મેનેજમેન્ટમાંથી તેમણે શિક્ષણ મેળવ્યું હતું.
4. કેટલીક કંપનીઓમાં કામ કર્યા બાદ વર્ષ 1994માં ઇંદ્રા પૅપ્સીકોમાં જોડાયાં હતાં. 38 વર્ષની ઉંમરે તેઓ પૅપ્સીકોમાં લાંબા ગાળાની નીતિઓ બનાવવાના પ્રમુખ તરીકે જોડાયાં હતાં.
5. દસ વર્ષ બાદ વર્ષ 20004માં તેઓ કંપનીનાં મુખ્ય ફાઇનાન્સ અધિકારી અને વર્ષ 2006માં કંપનીના સીઈઓ બન્યાં હતાં.
6. ઇંદ્રા પૅપ્સીકોનું નેતૃત્વ કરનારા પ્રથમ મહિલા જ નહીં, પરંતુ પ્રથમ વિદેશી મહિલા પણ હતાં. વર્ષ 2006 બાદથી દર વર્ષે દુનિયાનાં શક્તિશાળી મહિલાઓની યાદીમાં તેમનો સતત સમાવેશ થતો રહ્યો હતો.
7. વર્ષ 2007માં તેમને ભારતનું પ્રતિષ્ઠિત પદ્મ ભુષણ સન્માન અપાયું હતું.
8. ઇંદ્રા નૂઈ શાકાહારી છે અને પોતાની ઓફિસમાં ગણેશજીની મૂર્તિ રાખે છે.
9. ઇંદ્રા નૂઈને સંગીતનો શોખ છે અને ઓફિસમાં તેઓ મોટાભાગે ઊંચા અવાજે ગીતો ગાતાં જોવાં મળતાં, તેમનાં મનપસંદ સંગીતમાં બીટલ્સ બૅન્ડનો પણ સમાવેશ થાય છે.
10. વર્ષ 2001માં ગ્રેમી ઍવોર્ડ માટે ઇંદ્રાનાં બહેન ચંદ્રિકા ટંડનનાં નામનો સમાવેશ થયો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















