એનઆરસી મુદ્દે મમતા બેનરજી આટલા ઉશ્કેરાયેલાં કેમ છે?

બંગાળની તસવીર

ઇમેજ સ્રોત, SANJAY DAS/BBC

    • લેેખક, પ્રભાકરન એમ.
    • પદ, કોલકત્તાથી બીબીસી ગુજરાતી માટે

'નૅશનલ રજિસ્ટર ઑફ સિટીઝન કેન્દ્ર સરકાર તથા ભાજપ વોટબૅન્કનું રાજકારણ રમી રહ્યાં છે. તેઓ આસામમાંથી બંગાળીઓ તથા બિહારીઓને હાંકી કાઢવા પ્રયાસરત છે.'

'એનઆરસીની જોગવાઈઓને લાગુ કરવામાં આવશે તો દેશમાં ખૂનામરકી થશે અને ગૃહયુદ્ધ ફાટી નીકળશે.'

'એનઆરસીને કારણે 40 લાખ લોકોને તેમના જ દેશમાં શરણાર્થી બનાવી દીધા છે. તેનાથી પાડોશી રાષ્ટ્ર બાંગ્લાદેશ સાથેનાં સંબંધમાં કડવાશ ઊભી થશે.'

આસામમાં એનઆરસીનો અંતિમ મુસદ્દો પ્રકાશિત થયો છે, ત્યારથી પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમુલ કોંગ્રેસના અધ્યક્ષા મમતા બેનરજી આક્રોશમાં છે. તેમના નિવેદનમાં ભારે નારાજગી વર્તાઈ રહી છે. એવું શું છે કે તેઓ આ મુદ્દે આટલાં નારાજ છે?

તમે આ વાંચ્યું કે નહીં?

આ મુદ્દે તૃણમુલ કોંગ્રેસમાં પણ આંતરિક બળવાની સ્થિતિ છે. ગુરુવારે તૃણમુલ કોંગ્રેસના આસામના પ્રદેશાધ્યક્ષ દ્વિપેન પાઠકે રાજીનામું ધરી દીધું હતું. તેઓ આ મુદ્દે પાર્ટીના વલણથી નારાજ છે.

રાજકીય નિષ્ણાતોના કહેવા પ્રમાણે, અત્યારસુધી મમતા બેનરજી પર લઘુમતી સમુદાયનું તૃષ્ટિકરણ કરવાના આક્ષેપ થયા છે. ત્યારે એનઆરસી દ્વારા તેમની સામે બાંગ્લા ઓળખની લડાઈનો ચહેરો બનવાની તક ઊભી થઈ છે.

line

એનઆરસીનો મુદ્દો કેમ ઉછાળે છે મમતા?

મમતા બેનરજી

ઇમેજ સ્રોત, Pti

આ મુદ્દાને રાષ્ટ્રીય સ્તરે ઉછાળીને મમતા બેનરજી હિંદુઓની વચ્ચે તેમની છાપને વધુ સશક્ત બનાવવા માગે છે.

રાજનીતિ શાસ્ત્રના સેવાનિવૃત્ત પ્રાધ્યાપક પાર્થ પ્રિતમ વિશ્વાસ કહે છે, "એનઆરસી દ્વારા મમતા બેનરજી એકસાથે અનેક પક્ષી મારવા માગે છે. તેઓ ખુદને આ વિરોધ દ્વારા બંગાળના હિંદુ અને મુસ્લિમના મસીહા સાબિત કરવા ચાહે છે."

"તેઓ આવતાં વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપની સામે હથિયાર તરીકે આ મુદ્દાનો ઉપયોગ કરવા માગે છે."

પ્રદેશ ભાજપના કહેવા પ્રમાણે મમતા સરકાર તેની નિષ્ફળતાને છૂપાવવા તથા રાજ્યની સમસ્યાઓ પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે એનઆરસીનો મુદ્દો વ્યાપક રીતે ઉછાળી રહ્યાં છે.

વિશ્વાસનું કહેવું છે કે જ્યારથી દેશનું વિભાજન થયું છે ત્યારથી પશ્ચિમ બંગાળની સામે ઘૂસણખોરીની સમસ્યા જડબું ફાડીને ઊભી છે.

મમતા ઇચ્છે છે કે ભાજપ દ્વારા ઘૂસણખોરીને ચૂંટણીનો મુદ્દો બનાવવામાં આવે તે પહેલાં એનઆરસી દ્વારા ભાજપને ઘેરવામાં આવે.

નિષ્ણાતો માને છે કે આ ચળવળને કારણે મમતા બેનરજીને આસામમાં ખાસ કોઈ લાભ નહીં થાય કારણ કે ત્યાં પાર્ટીની સ્થિતિ નબળી છે. પરંતુ 'બાંગ્લા ઓળખ'નો મુદ્દો ઉછાળીને તેઓ લડાયક નેતા તરીકેને તેમની છાપને વધુ મજબૂત કરી શકે છે.

line

મમતા દ્વારા રાજકારણ?

ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ

ઇમેજ સ્રોત, SANJAY DAS/BBC

ઇમેજ કૅપ્શન, ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ

મમતાનાં રાજકીય ઉદયનો નજીકથી અભ્યાસ કરનારા વરિષ્ઠ પત્રકાર તાપસ ચેટર્જીના મતે, "આ વિરોધ દ્વારા મમતા બેનર્જી તેમની ઉપરના લઘુમતી તૃષ્ટિકરણના આરોપને દૂર કરવા ચાહે છે."

"તેઓ વિરોધ દ્વારા એવું જણાવવા માગે છે કે માત્ર લઘુમતી સમુદાયના લોકોને જ નહીં પરંતુ હિંદુ તથા હિંદીભાષીઓને પણ એનઆરસીની યાદીમાંથી બહાર રાખવામાં આવ્યા છે."

અન્ય એક રાજકીય વિશ્લેષક વિશ્વનાથ ચૌધરીના કહેવા પ્રમાણે, "આવતાં વર્ષે યોજાનારી લોકસભા અને તેનાં બે વર્ષ બાદ યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનરજી લોકોને એમ કહીને બંગાળી હિંદુઓ તથા વિશેષ કરીને લઘુમતીઓને ઉશ્કેરી શકે છે કે જો બંગાળમાં ભાજપની સરકાર બનશે તો તે ત્યાં પણ એનઆરસી લાગુ કરશે."

"પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષ અગાઉ જ આ વાતની જાહેરાત કરી ચૂક્યા છે."

નિષ્ણાતોનું માનવું છે કે સરહદી વિસ્તારમાં અનેક હિંદુઓ બાંગ્લાદેશમાંથી આવીને અહીં વસ્યાં છે. આ હિંદુઓની વચ્ચે ભાજપ પગપેસારો કરવા માગે છે.

તાજેતરનાં વર્ષોમાં એ વિસ્તારમાં થયેલાં હુલ્લડોથી સ્પષ્ટ છે કે રાજકીય હિતો વચ્ચે ટકરાવ વધી રહ્યો છે. ચૌધરી કહે છે કે એટલે જ મમતા બેનર્જી એનઆરસીનો વિરોધ કરતી વખતે લઘુમતીઓ ઉપરાંત હિંદુઓની પણ વાત કરે છે.

line

ગૃહયુદ્ધના નિવેદન મુદ્દે મમતાનો યૂ-ટર્ન

તૃણમુલ કોંગ્રેસના મહાસચિવ પાર્થ ચેટર્જી

ઇમેજ સ્રોત, SANJAY DAS/BBC

ઇમેજ કૅપ્શન, તૃણમુલ કોંગ્રેસના મહાસચિવ પાર્થ ચેટર્જી

બંગાળના લગભગ 1.20 લાખ લોકો આજીવિકા અર્થે આસામમાં વસવાટ કરે છે. જેમાંથી માત્ર 15 હજારને જ એનઆરસીમાં સ્થાન મળ્યું છે.

મમતા સવાલ ઉઠાવી રહ્યાં છે કે જે બંગાળીઓ પેઢીઓથી આસામમાં રહીને નોકરી-ધંધો કરે છે તેમને એનઆરસીમાં સ્થાન નથી મળ્યું, ત્યારે હવે તેમનું શું થશે?

શું તેમને બાંગ્લાદેશ મોકલવામાં આવશે? શું બાંગ્લાદેશ તેમને પરત લેવામાં રાજી થશે?

તેમની દલીલ છે કે દેશનાં તમામ રાજ્યોમાં અન્ય રાજ્યોના લોકો રહે છે.

જો, એનઆરસીની આડમાં લાખો-કરોડો લોકોને વિદેશી ઘોષિત કરી દેવામાં આવશે તો દેશમાં ગૃહયુદ્ધનો માહોલ પેદા થઈ જશે.

જોકે, મમતા બેનરજીએ હવે પોતાના આ નિવેદનથી ફેરવી તોળ્યું છે.

તૃણમુલ કોંગ્રેસના મહાસચિવ પાર્થ ચેટર્જી કહે છે, "એનઆરસી માત્ર વોટબૅન્કની રાજનીતિ છે."

"ભાજપને મત આપનારા લોકોનાં નામ ડ્રાફ્ટમાં છે જ્યારે તેમના વિરોધીઓનાં નામ નથી."

line

બંગાળમાં ઘૂસણખોરી

સીમા પર જવાનો

ઇમેજ સ્રોત, SANJAY DAS/BBC

પશ્ચિમ બંગાળમાં ઘૂસણખોરીનો મુદ્દો દેશના ભાગલા જેટલો જ જૂનો છે.

રાજ્યની 2.216 કિલોમીટર જેટલી લાંબી સીમા બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે.

તેનો મોટોભાગ દરિયાઈ માર્ગથી જોડાયેલો છે, જ્યારે અનેક જગ્યાઓએ સીમા ખુલી હોવાને કારણે દેશના વિભાજન બાદ ઘૂસણખોરીનો જે દોર શરૂ થયો તે હજી સુધી બંધ થયો નથી.

14 જુલાઈ, 2004માં તત્કાલીન કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલે લોકસભામાં કહ્યું હતું કે દેશમાં 1.20 કરોડ બાંગ્લાદેશીઓ રહે છે.

તેમાંથી 50 લાખ લોકો આસામમાં છે અને 57 લાખ લોકો બંગાળમાં છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી કિરણ રિજિજુએ 16 નવેમ્બર 2016ના રોજ ભારતમાં રહેતા બાંગ્લાદેશી અપ્રવાસીઓની સંખ્યા બે કરોડ બતાવી હતી.

line

બંગાળમાં લઘુમતીની વસતિ વધી

બંગાળની તસવીર

ઇમેજ સ્રોત, SANJAY DAS/BBC

બંગાળના ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષનો દાવો છે કે રાજ્યમાં એક કરોડ બાંગ્લાદેશી રહે છે.

ઘોષ કહે છે, "પહેલાં સીપીએમની આગેવાની હેઠળના ડાબેરી ગઠબંધને વોટબૅન્કની રાજનીતિ માટે આ લોકોને રાજ્યમાં વસાવ્યા અને હવે મમતા બેનરજી સરકાર પણ આવું કરી રહી છે."

તેઓ કહે છે કે રાજ્યમાં લઘુમતીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. વર્તમાનમાં કુલ વસતિના 30 ટકા જેટલી તેમની વસતિ છે આ લોકો લોકસભા અને વિધાનસભાની અનેક બેઠકો પર નિર્ણાયક સ્થિતિમાં છે.

ઉત્તર 24 પરગણા જિલ્લાના સામાજિક કાર્યકર્તા દુલાલ ચૌધરી કહે છે, "વિતેલા કેટલા દાયકામાં જિલ્લાની વસતિનું સ્વરૂપ ઝડપથી બદલ્યું છે. બાંગ્લાદેશથી આવનારા લોકોનો સિલસિલો હજી અટક્યો નથી."

તેઓ કહે છે કે બોલી અને પહેરવેશમાં ખાસ અંતર ના હોવાથી સ્થાનિક અને સીમા પારથી આવનારા લોકોની વચ્ચે અંતર કરવું ખૂબ મુશ્કેલ છે.

line

રાજનીતિ ચમકાવવાની કોશિશ

મમતા બેનરજી

ઇમેજ સ્રોત, SANJAY DAS/BBC

ઉત્તર 24 પરગણા જિલ્લાના ભાજપના નેતા મોહિત રાય દાવો કરે છે, "બંગાળમાં ઓછામાં ઓછા 80 લાખ બાંગ્લાદેશીઓ રહે છે."

"તેના કારણે રાજ્યના યુવકોને રોજગારી નથી મળી રહી અને તેઓ અન્ય રાજ્યો તરફ જવા લાગ્યા છે."

પ્રદેશ ભાજપના અધ્યક્ષ ઘોષ કહે છે, "સતત વોટબૅન્કની રાજનીતિને કારણે રાજ્યમાં સીપીએમથી લઈને વર્તમાન સરકાર તમામ બાંગ્લાદેશીઓની મદદ કરતી રહી છે."

"કોઈપણ રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ઘૂસણખોરી પર અંકુશ લગાવવાની દિશામાં કોઈ મહત્ત્વનાં પગલાં લીધાં નથી."

તેમનું કહેવું છે કે મમતા એનઆરસી મુદ્દા પર પોતાની છબી અને રાજનીતિ ચમકાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

line

મમતા શું સંદેશ આપવા માગે છે?

મમતા બેનરજી

ઇમેજ સ્રોત, SANJAY DAS/BBC

નિરક્ષકોનું કહેવું છે કે એનઆરસીના મુદ્દા પર આક્રમક વલણ અપનાવીને મમતા બેનરજી રાજ્યના લોકોમાં એ સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યાં છે કે હિંદુત્વનો નારો આપનારો ભાજપ પોતાના રાજકીય લાભ માટે આસામમાં હિંદુ બંગાળીઓને પણ નિશાન બનાવી રહ્યો છે.

આમ પણ મમતા છેલ્લા કેટલાક સમયથી બંગાળી ઓળખની રાજનીતિની દિશામાં મજબૂતીથી આગળ વધી રહ્યાં છે.

ગયા વર્ષે તેમણે શાળાઓમાં બાંગ્લાનો અભ્યાસ ફરજીયાત કર્યો હતો.

તદુપરાંત તેઓ તમામ કવિઓ અને નેતાઓની જયંતી પર વિવિધ ઉત્સવોનું આયોજન કરે છે.

આસામમાં એનઆરસીના વિરોધમાં બંગાળના રાજકારણમાં તેમને કેટલો ફાયદો થશે, તેની જાણ તો પછી થશે.

જોકે, મમતા આ મામલે એક પણ તક જતી કરવા માગતાં નથી.

line

2005માં મમતાએ શું કહ્યું હતું?

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

જોકે, 2005માં મમતા બેનરજીનું માનવું હતું કે પશ્ચિમ બંગાળમાં ઘૂસણખોરી આફત બની છે અને મતદાર સૂચિમાં બાંગ્લાદેશી નાગરિકો પણ સામેલ થઈ ગયા છે.

અરુણ જેટલીએ મમતા બેનરજીના એ નિવેદનને ટ્વીટ કર્યું હતું.

તેમણે લખ્યું હતું, "4 ઑગસ્ટ 2005ના રોજ મમતા બેનરજીએ લોકસભામાં કહ્યું હતું કે બંગાળમાં ઘૂસણખોરી આપત્તિ બની ગઈ છે. મારી પાસે બાંગ્લાદેશી અને ભારતીય મતદાર યાદી છે. આ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે. હું એ જાણવા માગુ છું કે આખરે સંસદમાં આના પર ક્યારે ચર્ચા થશે?"