આસામમાં સુપર ઇમર્જન્સી જેવી સ્થિતિ : મમતા બેનરજી

એનડીટીવીના અહેવાલ અનુસાર નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન (એનઆરસી) મામલે રાજકીય ઘર્ષણ વધી રહ્યું છે.

એનઆરસીનો વિરોધ કરી રહેલા તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી)ના સાંસદો અને ધારાસભ્યોની આસામના સિલચર ઍરપૉર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી.

ધરપકડ કર્યા બાદ તૃણમુલ કોંગ્રેસના નેતાઓએ કહ્યું હતું કે તેઓ શાંતિપૂર્ણ પ્રદર્શન કરવા ઇચ્છે છે તેમ છતાં તેમની ધરપકડ કરવામાં આવી છે.

આસામ સરકારના આ પગલાંને વખોડતાં ટીએમસીના નેતા ડેરેક ઓ બ્રેઇને કહ્યું હતું કે ધરપકડ કરાયેલા તમામ લોકો જનપ્રતિનિધિ છે અને લોકોને મળવું એ તેમનો અધિકાર છે.

આ મામલે પ્રતિક્રિયા આપતા બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ કહ્યું કે આસામમાં સુપર ઇમર્જન્સી જેવી સ્થિતિ છે. તેઓ અમને લોકો સાથે વાતચીત કરવા દેવા માગતા નથી.

રેપ પીડિતાની તસવીરો-ઇન્ટરવ્યૂ પ્રસિદ્ધ કરવા પર સુપ્રીમની રોક

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ બિહારના મુઝફ્ફરનગરના બાલિકા ગૃહની બળાત્કારની ભોગ બનેલી બાળકીઓની તસવીરો પ્રસિદ્ધ કરવા પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂકી દીધો છે.

સુપ્રીમ કોર્ટે મહત્ત્વનું અવલોકન કરતાં કહ્યું કે આ બાળકીઓ ભયાવહ ભૂતકાળને વારંવાર સહન કરી શકે એમ નથી.

આ કેસમાં સુપ્રીમ કોર્ટે બાળકીઓના ઇન્ટરવ્યૂ ન લેવાનો પણ મીડિયાને આદેશ કર્યો છે.

રાજ્ય સરકારના ભંડોળથી ચાલતી બ્રજેશ ઠાકોરની સ્વૈચ્છિક સંસ્થામાં કુલ 32 બાળકીઓ પર બળાત્કાર થયો હતો.

પોલીસે આ મામલે અત્યારસુધીમાં કુલ 11 લોકો સામે ફરિયાદ નોંધી છે. આ મામલાના બિહાર સહિત દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.

બૅલેટ પેપરથી 2019ની ચૂંટણીઓ કરવાની માગ

હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર ભારતના 17 રાજકીય પક્ષો 2019ની ચૂંટણીમાં ઈવીએમની જગ્યાએ બૅલેટ પેપરનો ઉપયોગ કરવાની માગ કરશે.

અહેવાલ અનુસાર માનવામાં આવી રહ્યું છે કે પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીની વિપક્ષો સાથેની બેઠક બાદ આ આ વાત સામે આવી છે.

ભૂતકાળમાં સમાજવાદી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવે પણ બૅલેટ પેપરથી ચૂંટણી કરાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

આ મામલે વિવિધ પક્ષો ચૂંટણી પંચને મળવા જાય તેવી પણ સંભાવના છે.

ભારતીયોનાં ખાતાઓની જાણકારી આપશે સ્વિત્ઝરલૅન્ડ

નવભારત ટાઇમ્સના અહેવાલ અનુસાર કરચોરી મામલે ભારતને સફળતા હાંસલ થઈ છે.

અહેવાલમાં જણાવ્યા અનુસાર સ્વિત્ઝરલૅન્ડની એક કોર્ટે સંબંધિત અધિકારીઓને ભારતીયોના ખાતાંની જાણકારી ભારત સરકારને સોંપવાનો આદેશ કર્યો છે.

2008માં સ્વિસ બૅન્કોના હજારો કસ્ટમર્સના ડેટા લીક થયા હતા. જેમાં ઘણા લોકો કરચોરી કરતા હોવાની શંકા ઉજાગર થઈ હતી.

જે બાદ સ્વિત્ઝરલૅન્ડની કોર્ટમાં કેસ ચાલ્યો હતો. આ જ મામલામાં હવે કોર્ટે ભારતને ક્લાયન્ટ ડેટા આપવાનો આદેશ આપ્યો છે.

અમેરિકાની ચૂંટણીમાં રશિયાના હસ્તક્ષેપનો ખતરો

અમેરિકામાં નવેમ્બરમાં મધ્યવધિ ચૂંટણીઓ થનારી છે. જેમાં ફરી એકવાર રશિયાના હસ્તક્ષેપનો ખતરો અમેરિકા પર તોળાઈ રહ્યો છે.

અમેરિકાની ઇન્ટેલિજન્સ એજન્સીઓના પ્રમુખોએ એક સાથે પત્રકાર પરિષદ કરીને આ ખતરા અંગે ચેતવણી આપી હતી.

વ્હાઇટ હાઉસમાં ગુરુવારે થયેલી પત્રકાર પરિષદમાં અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૉન બોલ્ટન, એફબીઆઈના ડાયરેક્ટર ક્રિસ રે, રાષ્ટ્રીય જાસૂસી એજન્સીના ડાયરેક્ટર પૉલ નાકાસોને અને ગૃહ સુરક્ષા સચિવ નીલસને મીડિયા સમક્ષ આ મામલે વાત કરી હતી.

જુલાઈ મહિનામાં ફિનલૅન્ડમાં થયેલી ટ્રમ્પ અને પુતિનની મુલાકાત બાદ મીડિયાને ટ્રમ્પે કહ્યું હતું કે તેમને કોઈ કારણ નજર નથી આવતું કે રશિયાએ 2016માં રાષ્ટ્રપતિ ચૂંટણીઓમાં હસ્તક્ષેપ કર્યો હોય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો