પ્રેમસંબંધો શરૂ કરતાં પહેલાં પાર્ટનરને કેવા સવાલ પૂછવા જોઈએ?

ઇમેજ સ્રોત, Thinkstock
- લેેખક, શમાન ફ્રીમેન-પૉવેલ
- પદ, બીબીસી ન્યૂઝ
આજકાલની યુવાપેઢી જેટલા જલદી સંબંધો બાંધે છે એટલી ઝડપથી સહેજ વાંકું પડતા તોડી પણ નાંખે છે.
હાલના સમયમાં કોઈને પોતાની મનની વાત કહી હોય તો માત્ર એક ફોનકોલ કરવા જેટલી જ વાર હોય છે. પણ જો તમે તમારી જાતને અને તમારા પાર્ટનરને દસ સવાલ પૂછશો તો તેનાથી તમારું ભવિષ્ય પણ ખરાબ નહીં થાય અને તમારો સમય પણ બચશે.
છૂટાછેડાના નિષ્ણાત વકીલ બેરોનેસ ફિયોના શેક્લેટન અને એક્સેટર વિશ્વવિદ્યાલયના નિષ્ણાતોના એક જૂથે જણાવ્યું છે કે સંબંધોમાં બંધાતા પહેલાં કપલે એક બીજાને કેટલાક સવાલો પૂછવા જરૂરી છે. એનાથી તેમને સંબંધો સુધારવામાં મદદ મળશે.
સર્વેક્ષણ અનુસાર, સફળ કપલ, કૌટુંબિક વકીલો અને સમજૂતી કરાવનારાઓનું કહેવું છે કે જે સંબંધોમાં મિત્રતા અને આદર હોય છે તેમજ પોતાના અંગે બધું જણાવે છે એ સંબંધ લાંબા સમય સુધી ટકે છે.

ઇમેજ સ્રોત, THINKSTOCK
શેક્લેટન, જેમણે પૉલ મૅકકાર્ટની જેવી ઘણી જાણીતી સેલિબ્રિટીઓનું પ્રતિનિધિત્વ કર્યું છે, તે જણાવે છે કે સંબંધોના શરૂઆતના તબક્કે જો યોગ્ય સવાલ પૂછવામાં આવે તો ભવિષ્યમાં થનારી માથાકૂટથી બચી શકાય છે.
શેક્લેટને એક વકીલ તરીકે 40 વર્ષથી વધુ સમયથી છૂટાછેડાના કેસ લડી રહ્યાં છે, તે જણાવે છે કે છૂટાછેડા માટે આવતા 50 ટકાથી વધુ લોકો મને પોતાનાં સંબંધોમાં થતા મનદુ:ખ અંગે જણાવે છે.
તેમનું માનવું હોય છે કે એમનું કજોડું છે અને પાર્ટનર સાથે બનતું નથી.
શેક્લેટન માને છે કે એમની દૃષ્ટિએ લાંબા સંબંધો ત્યારે જ ટકી શકે કે જ્યારે બન્ને પાર્ટનરને ખબર હોય કે સુમેળભર્યાં સંબંધોની વ્યાખ્યા શું છે અને ઘણી વાર આ બધું માતા-પિતા અને કુટુંબનાં લોકો પાસેથી જ શીખવા મળતું હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

સારા મિત્રો જ સારા પાર્ટનર બની શકે છે

શોધકર્તાઓએ 43 કપલોનાં ઇન્ટરવ્યૂ લીધાં, જેમનાં લગ્નનાં 10 વર્ષ વીતી ચૂક્યા હતા અને જે અલગ થઈ ચૂક્યા હતા.
બીજા સમલૈંગિક અને વિષમ લૈંગિક 10 કપલ પણ સામેલ હતાં જે ઓછામાં ઓછા 15 વર્ષથી એક સાથે રહેતા હોય.
અભ્યાસ બાદ નીચે જણાવેલા દસ સવાલો નક્કી કરવામાં આવ્યા, જેને દરેક સંબંધની શરૂઆત કરતા પહેલાં પૂછવા જરૂરી છે.
1. શું આપણે એક સમાન છીએ?

ઇમેજ સ્રોત, Getty Images
સર્વેક્ષણ મુજબ મોટાભાગનાં સફળ કપલ પોતાના સંબંધની શરૂઆત મિત્રતાથી કરે છે અને ધીરે ધીરે બન્ને વચ્ચે ગાઢ સંબંધો બંધાઈ જાય છે.
એટલે શોધકર્તાઓનું માનવું છે કે સંબંધની શરૂઆત કરતા પહેલાં બન્ને પાર્ટનરોએ એક બીજાને પૂછવું જોઈએ કે એમનો સંબંધ મિત્રતા પર આધારિત છે ખરો?
2. શું આપણી મિત્રતા ગાઢ છે?
નિષ્ણાતોનું માનવું છે કે સારી મિત્રતા હોવાથી કપરા સમયમાં પણ સરળતાથી કામ કરી શકાય છે. અભ્યાસથી જાણવા મળ્યું છે કે જે કપલ્સ અલગ થઈ ગયાં હતાં તેમની વચ્ચે દોસ્તીનો તાંતણો કાચો હતો.
3. શું આપણે એક જેવી જ ચીજો ઇચ્છીએ છીએ?
એક અભ્યાસ અનુસાર જે યુગલોનો સંબંધ કાયમ જળવાઈ રહે છે તેઓ એકબીજા સાથે, એકબીજાના સંબંધોનું મૂલ્ય, આશા, સપનાં, અપેક્ષાઓ અંગે વાતોનું આદાન-પ્રદાન કરતાં હોય છે.
4. શું આપણી અપેક્ષાઓ યોગ્ય છે?

ઇમેજ સ્રોત, Getty Images
એક અભ્યાસથી નિષ્ણાતોને જાણવા મળ્યું છે કે સફળ કપલ્સ વચ્ચે લગ્ન અને તેમના સંબંધોને લઈને યોગ્ય અપેક્ષાઓ હતી.
એમને ખબર હતી કે સંબંધોને આગળ વધારવો સરળ નહીં હોય અને એના માટે તેઓ આકરી મહેનત કરવા માટે પણ તૈયાર હતા.
5. શું આપણે પાર્ટનરને પોતાના કરતાં શ્રેષ્ઠ ગણીએ છીએ?
નિષ્ણાતોનું માનવું છે કે સંબંધોમાં લાગણી રાખવી સારી વાત છે.
એમનું એ પણ કહેવું છે કે લાગણી હોવાથી કદાચ પ્રેમ પાંગરતા સમય લાગે પણ જ્યારે આવું બનશે ત્યારે બન્ને પોતાને એકબીજા કરતાં બેસ્ટ માનશે અને જરૂર પડે ત્યારે એકબીજા માટે કંઈ પણ કરવા તૈયાર હશે.
6. શું આપણે બન્ને પોતાના સંબંધોને ટકાવી રાખવા કશું કરીએ છીએ?

જેઓ લાંબા સમયથી સંબંધોમાં જોડાયેલાં છે એ યુગલોએ જણાવ્યું હતું કે તે બન્ને એકબીજાને રોજબરોજના કામોમાં શક્ય તેટલી મદદ કરે છે.
7. શું આપણે કોઈ વિષય પર ચર્ચા કરી શકીએ છીએ અને આપણી વચ્ચે પેદા થતી સમસ્યાને એકબીજાને જણાવી શકીએ છીએ?
એ ખૂબ જરૂરી છે કે આખા દિવસમાં આપણી પાસે એટલો સમય હોય કે જેથી આપણે દિવસભરની તમામ જરૂરી વાતો અને ગંભીર સમસ્યાઓ અંગે એકબીજા સાથે વાતચીત કરી શકીએ જેથી સંબંધોને વધુ ગાઢ બનાવી શકાય.
8. શું આપણે કપરા સમયમાં કામ કરવા માટે કટિબદ્ધ છીએ?
સંબંધોને કાયમી રાખવા માટે કપલ્સમાં એટલી ક્ષમતા હોવી જોઈએ કે તે સમય સાથે આવતા પરિવર્તનને અનુકૂળ બને.
આકરા સમયમાં બન્ને એકબીજાની પડખે ઊભા હોય છે અને ત્યારે તેઓ હંમેશા પોતાના સંબંધોને મજબૂત બનાવવાની વાતો કરતા હોય છે.
9. શું આપણે આપણી માગણીમાં ઘટાડો કે નિયંત્રણ કરી શકીશું?

શોધકર્તાઓને જાણવા મળ્યું છે કે જ્યારે પ્રેમને ખોઈ દેવાની બીક, લવ અફેર, ખરાબ આર્થિક સ્થિતિ વગેરે જેવું દબાણ ઊભું થાય છે ત્યારે ઘણી ઇચ્છાઓને મારી દેવી પડતી હોય છે.
પણ પોતાની ઇચ્છાઓ પર નિયંત્રણ મેળવવું એ જ સંબંધોની જીત છે અને દરેક સંબંધોમાં આ હોવું જરૂરી પણ છે.
10. શું આપણે લોકોની સામે એકબીજાને પડખે ઊભા રહીએ છીએ?
બધા જ ઇચ્છે છે કે આપણે જેને પસંદ કરીએ છીએ અને જેની સાથે જીવન જીવવાનો નિર્ણય કર્યો છે એને આપણો પરિવાર અને મિત્રો પણ પસંદ કરે.
નિષ્ણાતોનું માનવું છે કે જો કપલને પરિવાર અને મિત્રોનો સાથ મળે તો આનાથી યુગલનો આંતરિક સંબંધ વધુ મજબૂત થાય છે.
આ સવાલો વાંચ્યા બાદ નક્કી કરો કે તમને તમારા સંબંધમાં કોઈ આશા નજરે ચઢે છે કે નહીં.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













