જયંતી ભાનુશાળી સામે બળાત્કારની ફરિયાદ પાછી ખેંચવા પીડિતાની અરજી

ઇમેજ સ્રોત, Bhargav Pareekh/Kuchchhmitra
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાત ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના ભૂતપૂર્વ ઉપપ્રમુખ જયંતિ ભાનુશાળીના કથિત સેક્સ કૌભાંડમાં હવે એક નવો વળાંક આવ્યો છે. આ વિવાદનાં પીડિતાએ જયંતી ભાનુશાળી સામે ગેરસમજને કારણે ફરિયાદ કરી હોવાનું બીબીસીને જણાવ્યું હતું. તેમણે એમ પણ જણાવ્યું છે કે તે હવે આ ફરિયાદને આગળ વધારવા નથી ઇચ્છતા અને કેસ પાછો ખેંચવા તૈયાર છે.
આ બાબતે તેમણે ગુજરાત હાઈકોર્ટમાં પણ સોગંદનામું રજૂ કરીને જણાવ્યું છે કે તેમણે ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પક્ષના પૂર્વ ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાળી વિરુદ્ધ દુષ્કર્મની જે ફરિયાદ કરી છે રદ થાય તો તેમને વાંધો કોઈ નથી.

શું હતો વિવાદ?
ઉલ્લેખનીય છે કે આ વર્ષના જુલાઈ મહિનામાં સુરતના વરાછા વિસ્તારની આ યુવતીએ એવી ફરિયાદ નોંધાવી હતી કે જયંતી ભાનુશાળી ફેશન ડિઝાઇનિંગના કોર્સમાં એડમિશન અપાવવાની લાલચે તેમની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે.
એટલું જ નહીં તેની વીડિયો ક્લિપ બનાવીને તેમને બ્લેક મેલ કરવામાં આવી રહ્યાં છે. આ ઘટનાએ ભાજપને મુશ્કેલીમાં મૂકી દીધો હતો.
ભાજપે જયંતિ ભાનુશાળીનું રાજીનામું લઈ લીધું હતું પણ કોંગ્રેસ આ મામલાને ઉછાળતાં પોલીસે જયંતિ ભાનુશાળી સામે વૉરંટ કાઢ્યું છે.
બીજી તરફ પોલીસની પૂછપરછથી પરેશાન સુરતનાં પીડિતાએ તેમનું ઘર ખાલી કરીને અન્યત્ર રહેવાની વ્યવસ્થા કરવી પડી હતી.
જયંતિ ભાનુશાળી પર બળાત્કાર અને બ્લૅકમેઇલિંગનો આરોપ મૂકી ચૂકેલાં સુરતનાં પીડિતા સાથે બીબીસીએ વાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

યુવતીએ મૂક્યા હતા બળાત્કાર, વીડિયો અને બ્લૅકમેઇલિંગના આરોપ

ઇમેજ સ્રોત, Bhargav pareekh/kutchchhmitra
પીડિતાએ સમગ્ર ઘટનાક્રમની માહિતી આપતા બીબીસીને જણાવ્યું હતું કે તેઓ ફૅશન ડિઝાઇનિંગનો કોર્સ કરવા ઇચ્છતાં હતાં. તેથી એડમિશન લેવા અમદાવાદ ગયાં હતાં.
તેમણે કહ્યું, "એ દરમિયાન 2017ના નવેમ્બરથી તેમના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેનો વીડિયો શૂટ કરવામાં આવ્યો હતો."
"એ વીડિયોને આધારે બ્લૅકમેઈલ કરીને તેમના પર વારંવાર બળાત્કાર કરવામાં આવ્યો હતો."
પીડિતાના જણાવ્યા મુજબ, 2018ના માર્ચમાં તેમને અમદાવાદ ઍરપૉર્ટ નજીકની એક હોટેલમાં બોલાવવામાં આવ્યાં હતાં.
ત્યાં તેમના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, અન્ય લોકો સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ પણ કરવામાં આવ્યું હતું.
પીડિતાએ ઉમેર્યું હતું કે અન્ય લોકો સાથે શારીરિક સંબંધનો ઇન્કાર કરતાં તેમને ધમકાવવામાં આવ્યાં હતાં અને તેઓ જયંતિ ભાનુશાળીને ઓળખતાં નથી એવું જણાવતા સ્ટૅમ્પ પેપર પર ધરાર સહી કરાવવામાં આવી હતી.
પીડિતાના જણાવ્યા મુજબ, તેઓ ગભરાયેલાં હતાં એટલે તેમણે જયંતિ ભાનુશાળી સામે અવાજ ઉઠાવ્યો ન હતો, પરંતુ વારંવાર ધમકી મળતાં જુલાઈ-2018ની 10 તારીખે જયંતિ ભાનુશાળી સામે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ પૂછપરછથી પરેશાન
એ પછી પૂછપરછના બહાને પોલીસ વારંવાર પીડિતાના ઘરે આવતી હોવાથી તેમણે સુરતના વરાછા વિસ્તારમાંનું ભાડાનું ઘર ખાલી કરવું પડ્યું હતું અને તેમને અન્યત્ર રહેવા જવાની ફરજ પડી હતી.
બીબીસી સાથેની વાતચીતમાં પીડિતાએ એમ પણ જણાવ્યું હતું કે તેમની જયંતિ ભાનુશાળી સામેની ફરિયાદ બાદ તેમના ભૂતપૂર્વ પતિ મારફત તેમના ચારિત્ર્ય પર આક્ષેપ કરાવવામાં આવ્યા હતા.
પીડિતાના જણાવ્યા અનુસાર, આવા આક્ષેપોને કારણે તેમને તેમના પર રોજ માનસિક બળાત્કાર કરવામાં આવતો હોય એવું લાગે છે. પોલીસે ફરિયાદના અનુસંધાને નક્કર કામગીરી ન કર્યાનું તેમને દુઃખ છે.

પોલીસ શું કહે છે?

ઇમેજ સ્રોત, Bhargav pareekh
સુરતનાં ડેપ્યુટી પોલીસ કમિશનર ડૉ. લીના પાટીલે બીબીસીને જણાવ્યું હતું કે પોલીસ જયંતિ ભાનુશાળીને શોધી રહી છે.
તેમણે કહ્યું, "એમના કચ્છ તથા અમદાવાદના નિવાસસ્થાને સમન્સ મોકલવામાં આવ્યાં છે."
"સમન્સમાં આરોપીને તેનું નિવેદન નોંધાવવા જણાવવામાં આવ્યું છે. એ ઉપરાંત બીજું સમન્સ પણ મોકલવામાં આવ્યું છે."
"સમન્સ બાદ પણ જયંતિ ભાનુશાળી પોલીસ સમક્ષ હાજર નહીં થાય તો તેમની ધરપકડ કરવામાં આવશે."
અમદાવાદની એક હોટેલમાં પીડિતા પર બળાત્કાર થયાના આરોપની તપાસ કરવામાં આવી હોવાનું જણાવતાં ડૉ. લીના પાટીલે ઉમેર્યું હતું કે બળાત્કારનો વીડિયો જે પેનડ્રાઇવમાં છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે.

પીડિતાના પતિના આક્ષેપો

ઇમેજ સ્રોત, Bhargav pareekh
બીબીસીએ પીડિતાના ભૂતપૂર્વ પતિ સાથે વાત કરી હતી.
પીડિતાના ભૂતપૂર્વ પતિએ જણાવ્યું હતું કે તેમનાં ભૂતપૂર્વ પત્ની ચારિત્ર્યહીન છે અને તેમને કચ્છના ભૂતપૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ સહિતના અનેક પુરુષો સાથે અગાઉ સંબંધ હતા.
પીડિતાના પતિએ આક્ષેપ કર્યો અને કહ્યું, “મારાં ભૂતપૂર્વ પત્ની મને ધમકાવતાં હતાં. મેં તેમને અનેકવાર સમજાવ્યાં હતાં પણ કોઈ ફરક ન પડતાં તેમનાથી છૂટાછેડા લીધા હતા.”

આક્ષેપ સંદતર ખોટોઃ છબીલ પટેલ

ઇમેજ સ્રોત, Bhargav pareekh
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ભૂતપૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ સાથે બીબીસીએ પીડિતાના ભૂતપૂર્વ પતિએ કરેલા આક્ષેપ સંબંધે વાત કરી હતી.
છબીલ પટેલે જણાવ્યું, “એ આક્ષેપ સદંતર ખોટો છે અને રાજકીય દુશ્મનાવટનું વેર વાળવા માટે પીડિતાના ભૂતપૂર્વ પતિ મારા પર આક્ષેપ કરી રહ્યા છે. હકીકતમાં મારે પીડિતા સાથે કોઈ સંબંધ નથી.”

ક્યાં છે જયંતિ ભાનુશાળી?

ઇમેજ સ્રોત, Bhargav pareekh
બીબીસીએ જયંતિ ભાનુશાળીનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.
જોકે, તેમના ભાઈ શંભુભાઈ ભાનુશાળીનો સંપર્ક થયો હતો.
શંભુભાઈ ભાનુશાળીએ બીબીસીને જણાવ્યું, “જયંતિ ભાનુશાળી ક્યાં છે તેની અમને ખબર નથી.”
પોતાના ભાઈ પર પીડિતાએ ખોટો આરોપ મૂક્યો હોવાનું જણાવતાં શંભુભાઈએ ઉમેર્યું, “આ તો મારા ભાઈને ફસાવવાનો પ્રયાસ છે. અમારા કૂળમાં કોઈ આવું કામ કરે નહીં.”
જયંતિ ભાનુશાળીની રાજકીય તથા સામાજિક કારકિર્દીને ખતમ કરવાના પ્રયાસ થઈ રહ્યાનો દાવો પણ શંભુભાઈએ કર્યો હતો.

'ભાજપનું કલ્ચર-બેટી ભગાઓ'
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા કૈલાસ ગઢવીએ કહ્યું “ભાજપનું કલ્ચર 'બેટી બચાવો'નું નહીં પણ 'બેટી ભગાવો'નું છે.”
તેમણે કહ્યું કે નલિયા કાંડથી માંડીને બળાત્કારની અનેક ઘટનાઓમાં નેતાઓ સંડોવાયેલા હોવાથી કોઈ કાર્યવાહી થતી નથી.
કૈલાસ ગઢવીએ કહ્યું, “ગુજરાતમાં મહિલાઓ સલામત નથી પણ ભાજપના નેતાઓ ભ્રષ્ટાચારમાંથી બહાર આવતા નથી.”

પીડિતાને ન્યાય મળશેઃ ભાજપ

ઇમેજ સ્રોત, Bhargav pareekh
ગુજરાત ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભાજપ તેના કોઈ નેતાને માફ કરવા ઇચ્છતો નથી.
તેમણે જણાવ્યું, “ફરિયાદ થતાંની સાથે જયંતિ ભાનુશાળીનું રાજીનામું લઈ લેવાયું હતું અને પોલીસ તપાસ શરૂ કરી દેવામાં આવી હતી.”
પીડિતાને ન્યાય મળે એ માટે તમામ પ્રયાસ કરવામાં આવતા હોવાનું ભરત પંડ્યાએ જણાવ્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












