ગ્રાઉન્ડ રિપોર્ટ : દિલ્હીમાં ત્રણ બાળકોનાં ભૂખથી નીપજેલાં મૃત્યુની હકીકત

ઇમેજ સ્રોત, BBC
- લેેખક, ભૂમિકા રાય
- પદ, બીબીસી ગુજરાતી માટે
દિલ્હીના મંડાવલી વિસ્તારમાં ભૂખને કારણે ત્રણ બાળકીઓનાં મોત નીપજ્યાં છે. પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં આ વાતની પુષ્ટિ થઈ છે.
મૃતકોમાં બે વર્ષની સુક્કા, ચાર વર્ષની પારુલ અને આઠ વર્ષની માનસી સામેલ છે.
બાળકીઓના પિતા મંગલસિંહ હાલ ક્યાં છે અને ક્યારે આવશે એ અંગે કોઈને માહિતી નથી.
બાળકીનાં માતા તો હાજર છે પણ કંઈ બોલતા નથી. લોકોના મતે તેઓ 'માનસિક અસ્થિર' છે.
સામાન્ય ઘરોનાં બાથરૂમ કરતાં પણ નાની ઓરડીમાં બીના અને નારાયણ યાદવ બેઠાં છે. નારાયણ બીનાના પતિ મંગળના મિત્ર છે.
રસોયા તરીકે કામ કરતા નારાયણ પોતાના મિત્ર મંગલ અને તેમના પરિવારને ગત શનિવારે પોતાની મંડાવલી ખાતેની ઓરડીમાં લઈ આવ્યા હતા.

ભૂખના કારણે મૃત્યુ

નારાયણ જણાવે છે, ''મંગળની સાઇકલ રિક્ષા ચોરાઈ ગઈ હતી. તેની પાસે એક રૂપિયો પણ નહોતો અને મકાન માલિકને તેમને ઘરમાંથી કાઢી નાખ્યો હતો.''
મંગલનો પરિવાર આ પહેલાં મંડાવલીના બીજા વિસ્તારમાં ઝૂંપડીમાં રહેતો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મંગલ વિશે નારાયણ વાત કરે છે, ''એ એક ગૅરેજ પાસે રહેતો હતો. રિક્ષા ચલાવીને કોઈ કેટલું કમાઈ શકે? ક્યારેક ભાડું ચૂકવતો ક્યારેક નહોતો ચૂકવી શકતો.''
''પણ, આ વખતે મકાન માલિકે તેમને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો.''
મંડાવલીની જે ઇમારતની એક ઓરડીમાં નારાયણ રહે છે એ જ ઇમારતમાં લગભગ 30 જેટલા અન્ય પરિવારો પણ રહે છે.
આમાંથી કોઈએ બાળકીને મરતાં નથી જોઈ. ગ્રાઉન્ડ ફ્લૉર પર જ નારાયણની ઓરડી છે
અહીંના મકાનમાલિકનાં પત્નીએ નામ ના જણાવવાની શરતે કહ્યું, ''આ લોકો શનિવારે નારાયણના ઘરે આવ્યા હતા. બાળકીઓને ત્યારે જ ઝાડા અને ઉલટી થઈ રહ્યા હતા.''
આ મામલે બાળકીઓનો પ્રથમ પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવી ગયો છે, જેમાં મૃત્યુનું કારણ ભૂખ અને કુપોષણ ગણાવાયું છે.
નારાયણ પણ આ વાતે સહમતી દર્શાવતા કહે છે, ''એ બધા જ બીમાર હતાં. ક્યારેક ખાવાનું ખાતા ક્યારેક નહોતા ખાતા.''
તેઓ ઉમેરે છે, ''સોમવારે અમે લોકોએ સાથે મળીને દાળ-ભાત ખાધા હતા પણ, કદાચ ભૂખ બાળકના હાડમાં પેસી ગઈ હતી.''
''મંગળવારે બપોરે ત્રણેય બાળકીઓ જમીન પડેલી હતી, એ ઊભી નહોતી થઈ રહી અને તેમની આંખ બંધ હતી.''
સર ગંગારામ હૉસ્પિટલના ડૉક્ટર નરેશ બંસલે આ મામલે કહ્યું, ''એક દિવસ પહેલાં ખાધું હોવા છતાં લાંબા સમયથી ભૂખ્યા રહેવાને કારણે ભૂખ અને કુપોષણથી બાળકીઓ મૃત્યુ પામી છે.''

માતા કંઈ બોલતા નથી

નારાયણની ઓરડીની બહાર કેટલાય લોકો એકઠા થયેલા હતા અને એમાથી મોટાભાગના લોકો બીનાને 'પાગલ' ગણાવે છે. એ કંઈ બોલી શકતી નથી.
અમે જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે ઓરડીમાં અંદર નારાયણ અને બીના ઉપરાંત એક મહિલા પોલીસકર્મી પણ હાજર હતાં.
બહાર પોલીસવાળા સાથે ઓછામાં ઓછા પચાસ લોકોની ભીડ પણ હતી.
અંદર હાજર લોકોનો શ્વાસ ના રૂંધાય એ માટે પોલીસ વારંવાર ઓરડીનો દરવાજો ખોલી નાખતી અને ફરી બંધ કરી દેતી.
બીના કંઈ બોલતી નથી. વારંવાર પૂછતાં માત્ર બોલે છે, 'આજ સવારથી બસ ચા જ પીધી છે.'
મૂળ પશ્ચિમ બંગાળનો આ પરિવાર કેટલાંય વર્ષોથી દિલ્હીમાં રહે છે.

પ્રાણી સંગ્રહાલય જેવી સ્થિતિ

નારાયણના જણાવ્યા અનુસાર મંગલસિંહ પાસે રૅશનકાર્ડ પણ નથી. તેમના મતે ખાવાના પણ પૈસા ના હોય રૅશનકાર્ડ ક્યાંથી કઢાવે?
આ સમસ્યા માત્ર તેઓ એકલાની જ નથી. ઇમારતમાં રહેતા લગભગ 30 પરિવારમાંથી મોટાભાગના લોકો પાસે પણ રૅશનકાર્ડ નથી.
જાણે કોઈ પશુને પ્રાણી સંગ્રહાલયમાં લાવવામાં આવ્યું હોય એવી રીતે લોકો એક બાદ એક આવીને ઓરડીમાં ડોકિયું કરી જતા હતા.
દિલ્હી ભાજપના નેતા મનોજ તિવારીએ બીના અને નારાયણની મુલાકાત લઈને કહ્યું કે આ મામલે રાજકારણ ના થવું જોઈએ પણ આ સિસ્ટમની બેદરકારી છતી કરે છે.
બીજી બાજુ, આમ આદમી પાર્ટીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ પણ આ પરિવારની મુલાકાત લીધા બાદ વળતર આપવાની વાત કરી છે. સાથે જ મામલાની તપાસના આદેશ પણ આપી દીધા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














