You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સ્વામી અગ્નિવેશ પર ઝારખંડમાં હુમલો, રસ્તા વચ્ચે જ માર મારી કપડાં ફાડી નાખ્યાં
- લેેખક, રવિ પ્રકાશ
- પદ, રાંચીથી, બીબીસી ગુજરાતી માટે
બંધુઓ મજૂરો માટે કામ કરનારા સામાજિક કાર્યકર્તા સ્વામી અગ્નિવેશ પર ઝારખંડના પાકુડમાં ભીડભાડવાળા એક વિસ્તારમાં હુમલો થયો છે.
હુમલાખોરોએ તેમના વિરુદ્ધ નારા લગાવ્યા અને રસ્તા વચ્ચે જ તેમને જોરદાર માર માર્યો.
ટોળાએ તેમના કપડાં ફાડી નાખ્યાં અને ગાળો પણ આપી હતી. આ હુમલામાં તેમને મૂઢ ઘા પણ વાગ્યા છે.
આ ઘટના બાદ અગ્નિવેશે રાજ્યના મુખ્ય સચિવને કૉલ કરીને આ મામલે કાર્યવાહી કરવાની માગ પણ કરી છે.
સ્વામી અગ્નિવેશના પ્રતિનિધિ અને બંધુઓ મુક્તિ મોર્ચાના અધ્યક્ષ મનોહર માનવે બીબીસીને આ જાણકારી આપી હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
તેમણે કહ્યું, "આ સરકાર દ્વારા પ્રાયોજિત હુમલો છે. આ એક પ્રકારનું મૉબ લિંચિંગ હતું. જેમાં અમે મુશ્કેલીથી સ્વામી અગ્નિવેશનો જીવ બચાવ્યો છે."
"જ્યારે સ્વામીજી પર હુમલો થયો ત્યારે પોલીસે અમારી કોઈ મદદ કરી ન હતી. સ્વામીજીના બોલાવ્યા બાદ પણ પાકુડના એસપી તેમને મળવા આવ્યા ન હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"અમને કોઈ સુરક્ષા આપવામાં આવી ન હતી, બધા લોકો ભાજપ સાથે જોડાયેલા હતા."
કઈ રીતે થયો હુમલો?
સ્થાનિક પત્રકાર રામપ્રસાદ સિંહાએ જણાવ્યું, "લિટ્ટીપાડાની જે હોટલમાં સ્વામી અગ્નિવેશ ઊતર્યા હતા તેની બહાર ભારતીય જનતા યુવા મોર્ચાના કાર્યકર્તાઓ તેમનો વિરોધ કરવા માટે ધરણાં પર બેઠા હતા."
"અગ્નિવેશ જેવા હોટલની બહાર નીકળ્યા, તેમના પર ટોળાંએ હુમલો કરી દીધો. તેમને કાળા ઝંડા પણ દેખાડવામાં આવ્યા હતા. તેમની સામે પરત જવાના નારા પણ લગાડવામાં આવ્યા હતા."
"તેમને જૂતાં અને ચપ્પલોથી માર મારવામાં આવ્યો હતો અને ટોળામાંના લોકોએ ગાળો પણ દીધી હતી."
"આ બધું દસ મિનિટ સુધી ચાલતું રહ્યું. બાદમાં પોલીસ પહોંચી અને તેમને ભીડથી બચાવવામાં આવ્યા. અંતે તેમને હોટલમાં પરત પહોંચાડવામાં આવ્યા."
"ડૉક્ટરની એક ટીમે ત્યાં તેમની સારવાર કરી હતી. બાદમાં તેમને હૉસ્પિટલમાં લઈ જવાયા હતા."
ભાજપનો હુમલાથી ઇનકાર
ભારતીય જનતા યુવા મોર્ચાના પાકુડ જિલ્લા અધ્યક્ષ પ્રસન્ના મિશ્રાએ સ્વામી અગ્નિવેશ પર થયેલા હુમલામાં તેમના કાર્યકર્તાઓનો હાથ હોવાનો ઇનકાર કર્યો છે.
પ્રસન્ના મિશ્રાએ બીબીસી સાથે વાત કરતા કહ્યું, "સ્વામી અગ્નિવેશ ખ્રિસ્તી મિશનરીઓના એજન્ટ છે. તેઓ અમારે અહીં આદીવાસીઓને બહેકાવવા આવ્યા હતા."
"જેથી અમે તેને લોકશાહી ઢબે વિરોધ કરી રહ્યા હતા. તેમના અમારા પરના આરોપો ખોટા છે."
'પોલીસને હતી સૂચના'
હુમલા બાદ સ્વામી અગ્નિવેશે કહ્યું કે તેમના આવવાની સૂચના પોલીસ અને તંત્રને આપવામાં આવી હતી.
આ હુમલા અંગે વાત કરતા અગ્નિવેશે બીબીસીને કહ્યું, "મને ડરાવવાની કોશિશ કરવામાં આવી છે. હું અહીં આદિવાસીઓના એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવ્યો હતો."
"મને લિટ્ટીપાડામાં આદિમ જનજાતિ વિકાસ સમિતિના દામિન દિવસના કાર્યક્રમમાં બોલવા માટે બોલવવામાં આવ્યો હતો."
"આયોજકોએ તંત્રને પહેલાં જ સૂચના આપી દીધી હતી. તેમનો જવાબ પણ છે. તેમ છતાં પણ મને સુરક્ષા આપવામાં આવી ન હતી. મેં મુખ્ય સચિવને આ હુમલાની સૂચના આપી છે."
જોકે, પાકુડના એસપી શૈલેન્દ્ર વર્ણવાલે પોલીસને તેમના કાર્યક્રમની પૂર્વ સૂચના અંગે ઇનકાર કર્યો છે.
તેમણે બીબીસીને કહ્યું, "અમને સ્વામી અગ્નિવેશના કાર્યક્રમની કોઈ સૂચના આપવામાં આવી ન હતી. હવે અમે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ. દોષિતો પર કાર્યવાહી કરવામાં આવશે."
કોણ છે સ્વામી અગ્નિવેશ?
છત્તીસગઢના સક્તિમાં જન્મેલા સ્વામી અગ્નિવેશે કોલકત્તામાં કાયદા અને બિઝનેસ મૅનેજમેન્ટનો અભ્યાસ કર્યો હતો.
તે બાદ તેઓ આર્ય સમાજમાં સામેલ થઈ ગયા અને સંન્યાસ લઈ લીધો હતો.
ત્યારબાદ તેમણે 1968માં આર્ય સભા નામની એક રાજકીય પાર્ટી બનાવી હતી.
બાદમાં 1981માં તેમણે બંધુઆ મુક્તિ મોર્ચાની સ્થાપના કરી હતી. તેઓ રાજકારણમાં પણ સક્રીય રહ્યા.
હરિયાણાથી વિધાનસભાની ચૂંટણી લડ્યા અને જીતીને તેઓ મંત્રી પણ બન્યા હતા.
જોકે, ત્યાં મજૂરો પર લાઠીચાર્જની એક ઘટના બાદ તેમણે મંત્રીપદ પરથી રાજીનામું આપી દીધું હતું અને રાજનીતિને અલવિદા કહી દીધું.
તેમના પર સાલવા જુડૂમ સાથે જોડાયેલા લોકોએ પણ બસ્તરમાં હુમલો કર્યો હતો. ત્યારે તેમણે ભાગવું પડ્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો