શું ભારતમાં બાળકો સાથે જાતીય શોષણના ગુનાઓ વધી રહ્યા છે?

- લેેખક, દિવ્યા આર્ય
- પદ, બીબીસી દિલ્હી
ભારત બાળકોના જાતીય શોષણની વધતી જતી સમસ્યામાંથી પસાર થઈ રહ્યું હોય તેવુ જણાઈ રહ્યું છે. સપ્તાહ દર સપ્તાહ સમાચારોમાં વધી રહેલા બનાવોને કારણે લોકોનો ગુસ્સો વધતો જણાઈ રહ્યો છે.
જૂનમાં સેંકડો લોકો મધ્ય ભારતની શેરીઓમાં 7 વર્ષની બાળકી પર થયેલા બળાત્કારના વિરોધમાં રસ્તા પર ઊતરી આવ્યા હતા.
શું બાળકોના જાતીય શોષણમાં વધારો થઈ રહ્યો છે કે પછી આ પ્રકારની ઘટનાઓ વધુ પ્રકાશમાં આવી રહી છે?
ભારતમાં ઝડપી વિકસી રહેલા મીડિયા સેક્ટરના કારણે આવા કિસ્સાઓ વધુ પ્રકાશમાં આવી રહ્યા છે. આ સમાચાર સંસ્થાઓ ટેલિવિઝન અને મોબાઇલ પર પ્રભુત્વ ધરાવે છે.

ઇમેજ સ્રોત, Getty Images
બળાત્કારની કાયદાકીય વ્યાખ્યામાં પણ બદલાવો આવ્યા છે. જે મુજબ જાતીય હુમલાઓનો ભોગ બનનાર વ્યક્તિની ફરિયાદ દાખલ કરવી અનિવાર્ય બને છે.
વર્તમાનમાં થઈ રહેલી ચર્ચા આ વર્ષમાં થોડાક સમય પહેલાં ભારત પ્રશાસિત કાશ્મીરમાં 8 વર્ષની બાળકી પર થયેલા બળાત્કાર અને હત્યા બાદ ઉદ્ભવી હતી.
આ કિસ્સામાં સંડોવાયેલા આરોપીઓ સામે કાયદાકીય પ્રક્રિયા એપ્રિલમાં શરૂ થઈ.
જેના કારણે બાળકોના જાતીય શોષણ અંગેની બહોળી ચર્ચાઓ પ્રચલિત થવા લાગી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતના મહિલા અને બાળકલ્યાણ મંત્રી મેનકા ગાંધીએ કહ્યું કે કાશ્મીર બળાત્કાર કેસ અને પ્રકાશમાં આવેલી અન્ય ઘટનાઓને કારણે તેઓ 'ખુબ દુ:ખી' થયાં હતાં.
લોકોની વધતી જતી ચિંતાને ધ્યાનમાં રાખતાં ભારત સરકારે 12 વર્ષથી ઓછી ઉંમરના બાળક પર બળાત્કાર કરનાર ગુનેગારને મૃત્યુદંડની સજાનો કાયદો બનાવ્યો છે.

કાયદાકીય વ્યાખ્યામાં ફેરફાર

ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડાઓ મુજબ પાછલા પાંચ વર્ષમાં 2012-2016 દરમિયાન બાળકો પરના બળાત્કારની સંખ્યા બમણી થઈ છે.
2012 પહેલાં જાતીય શોષણનો ભોગ બનનાર બાળકો અંગેનો કોઈ અલગ કાયદો ન હતો.
કેટલાક પ્રકારના જાતીય હુમલાઓ જે બાળપીડિતો સાથે વધુ સામાન્ય હોઈ શકે છે, તેનો સમાવેશ કરાયો ન હતો.
જ્યારે ભોગ બનેલાઓની ફરીયાદ દાખલ કરવાનો ઇન્કાર કરવા બદલ પોલીસ સામે પણ કોઈ પગલાં લેવામાં આવતાં ન હતાં.
જાતીય અપરાધ સામે બાળસંરક્ષણ અધિનિયમન કાયદો નવેમ્બર 2012, બાળકોના જાતીય શોષણ અંગેનો પ્રથમ વ્યાપક સિમાચિહ્ન રૂપ કાયદો હતો.
જેના બીજા વર્ષે બાળકો સાથે બળાત્કારના નોંધાયેલા કેસની સંખ્યામાં 45 ટકાનો વધારો થયો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
નવો કાયદામાં લિંગનો ભેદભાવ નથી અને તેમાં જાતીય શોષણનાં વિવિધ સ્વરૂપોનો સમાવેશ કરાયો છે.
જેના અંતર્ગત બાળકોના જાતીય શોષણના કેસને નોંધી ન શકનાર અથવા તેનો અહેવાલ નોંધી ન શકનાર સામે દંડ સાથે જેલની સજાની જોગવાઈ કરાઈ છે.
જાતીય શોષણનો ભોગ બનનારાને મદદ કરતા મુંબઈના મજલીસ લિગલ સેન્ટરના ઓડ્રી ડી' મેલોએ જણાવ્યું હતું, "હવે જેલની સજા થઈ શકવાના લીધે 'તીબીબો અને પોલીસ ઘરગથ્થુ' મામલા દર્શાવીને ફરિયાદ લેવાનો ઇન્કાર કરી શકતા નથી અથવા તો ફરિયાદીને અવગણી શકતા નથી".
તમે આ વાંચ્યું કે નહીં?
તેઓ માને છે કે નોંધાયેલા કેસની સંખ્યામાં વધારો થવાનું કારણ હવે સત્તાધીશોએ ફરજિયાત ફરિયાદની નોંધણી કરવું પણ છે.
દિલ્હીમાં 2012માં બસમાં વિદ્યાર્થિની પર થયેલા સામૂહિક બળાત્કારની ઘટનાને પગલે ભારતમાં જાતીય હિંસાઓ વિશે વિશ્વનું ધ્યાન ખેંચાયું હતું.
ત્યારબાદ ભારત સરકારે તરત જ ક્રિમિનલ લૉ સુધારો વટહુકમ 2013 બહાર પાડીને મહિલાઓ વિરુદ્ધ જાતીય ગુનાની વ્યાખ્યાને વિસ્તૃત કરી હતી.
તેની અસર ખૂબ જ સ્પષ્ટ હતી. 2012ની સરખામણીમાં 2013માં નોંધાયેલા કેસની સંખ્યામાં 35% નો વધારો જોવા મળ્યો હતો.

હિમશિલાની ટોચ

કેટલાક લોકો એવું માને છે કે બાળકોનું જાતીય શોષણ ધાર્યા કરતાં વધારે થતું હતું.
2007માં મહિલા અને બાળકલ્યાણ મંત્રાલય દ્વ્રારા એક સર્વેક્ષણ હાથ ધરાયું હતું.
જેમાં દેશનાં 13 રાજ્યોના 17,000 કરતાં વઘુ બાળકોનો સમાવેશ કરાયો હતો.
સર્વેક્ષણ કરાયેલા અડધાથી વધુ એટલે કે 53.02 ટકા બાળકોએ નોંધ્યુ હતું કે તેઓ જાતીય શોષણના એક અથવા તેથી વધુ સ્વરૂપનો સામનો કરી ચૂક્યા છે.
જેના અભ્યાસ માટે ફક્ત બળાત્કાર જ નહીં પરંતુ જાતીય શોષણના વિવિધ સ્વરૂપોનો સમાવેશ કરાયો હતો.
હક સેન્ટર ફૉર ચાઇલ્ડ રાઇટ્સના વકીલ કુમાર શૈલાભ કહે છે કે અભ્યાસ પરથી જાણવા મળે છે કે ભારતમાં જાતીય શોષણના કેસની નોંધણી એકંદરે ઓછી થઈ છે.
તેમણે ધ્યાન દોર્યું કે વર્ષ 2012ના કાયદામાં સંમતિની ઉંમર 16 વર્ષથી વધારીને 18 વર્ષ કરવામાં આવી છે.
આથી 16 થી 18 વર્ષની વયના કિશોરો વચ્ચે સહમતિથી બંધાતા જાતીય સંબંધો પણ ગુનો ગણાય છે.

મુશ્કેલ કાયદાકીય પ્રક્રિયા

ઇમેજ સ્રોત, AFP
બાળકો સાથેના બળાત્કારના કેસની સંખ્યામાં વધારો અને વ્યાપક કાયદો હોવા છતાં 2012થી દોષિત દર 28.2 ટકા છે. તેમાં કોઈ બદલાવ આવ્યો નથી.
વર્ષ 2012નો કાયદો જણાવે છે કે બાળકો સાથેના જાતીય શોષણના કોઈ પણ કેસની ટ્રાયલ એક વર્ષમાં પૂરી થવી અનિવાર્ય છે.
જોકે, ધીમી કાયદાકીય પ્રક્રિયાના કારણે ભાગ્યેજ તેનું પાલન કરવામાં આવે છે.
જ્યારે ગુનેગાર ભોગ બનનારના પરિવારના સભ્ય હોય અથવા તો પરિચિત હોય તેવા સંજોગોમાં ફરીયાદ પાછી ખેંચવાનું દબાણ પણ પ્રબળ રહે છે.
લોકો પોતાની આબરૂના ડરે પરિવારના જ લોકોની વિરુદ્ધ ફરિયાદ કરતાં અચકાય છે.
ઓડ્રી ડી'મેલો કહે છે "જ્યારે ફરિયાદો કરાય છે, ત્યારે ગુનેગારો સામે કાર્યવાહી ન કરવા માટે અસ્થિર પ્રયાસ પણ કરાય છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













