મુંબઈમાં ચાર્ટર્ડ પ્લેન ક્રૅશ, પાઇલટ સહિત પાંચનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, BBC/Amit Shah
ગુરુવારે બપોરે એક ચાર્ટર્ડ પ્લેન મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં આવેલી એક કન્સ્ટ્રક્શન સાઇટ પર ક્રૅશ થયું છે, જેમાં પાંચ લોકો મૃત્યુ પામ્યા છે.
મુંબઈ પોલીસના પ્રવક્તાએ ન્યૂઝ એજન્સી એએફપી સાથે વાતચીતમાં જણાવ્યું, "આ દુર્ઘટનામાં એક પાઇલટ, ત્રણ મુસાફર તથા એક રાહદારીના મૃત્યુ થયા છે."
દુર્ઘટના અંગે માહિતી મળતા મુંબઈ પોલીસ, બૃહૃણ મુંબઈ કોર્પોરેશનની ફાયર બ્રિગેડ તથા ડિઝાસ્ટર મૅનેજમૅન્ટની ટીમો ઘટનાસ્થળે ધસી ગઈ હતી.
ફાયર બ્રિગેડના પાંચ વાહન ઘટનાસ્થળે ધસી ગયા હતા. વિમાનનું બ્લેક-બોક્સ શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેથી કરીને દુર્ઘટનાના ઘટનાક્રમ અંગે માહિતી મેળવી શકાય.

યુપી સરકારનું વિમાન?
અગાઉ પ્રસાર માધ્યમોમાં એવી ચર્ચા વહેતી થઈ હતી કે દુર્ઘટનાગ્રસ્ત વિમાન યુપી સરકારનું હતું.
જોકે, ઉત્તર પ્રદેશ સરકારના એડિશનલ ડાયરેક્ટર જનરલ આનંદ કુમારે બીબીસી સાથે વાતચીતમાં જણાવ્યું હતું, "આ વિમાન યુપી સરકારનું હતું, પરંતુ હાલમાં તેની માલિકી રાજ્ય સરકારની નથી. આ વિમાન એક વ્યક્તિને વેચી દેવાયું હતું."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો










