ઝારખંડ: બંદૂકના નાળચે અપહરણ કરી સામૂહિક બળાત્કાર કાંડ, સાત સામે નોંધાયો ગુનો

- લેેખક, નીરજ સિન્હા
- પદ, રાંચીથી, બીબીસી ગુજરાતી માટે
ઝારખંડમાં આદિવાસીઓની મોટી વસતી ધરાવતા ખૂંટી જિલ્લામાં પાંચ યુવતિઓ સાથે કથિત ગેંગ રેપના આરોપસર એક મિશનરી સ્કૂલના ફાધર સહિત સાત લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
ખૂંટીના પોલીસ વડા અશ્વિની સિંહે મીડિયાને જણાવ્યું હતું, "ખૂંટી જિલ્લામાં એક બિનસરકારી સંસ્થા માટે કામ કરતી પાંચ યુવતિઓ પર સામૂહિક બળાત્કારના આરોપસર સાત લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે."
અશ્વિની સિંહના જણાવ્યા મુજબ, પોલીસે એક આરોપીનો ફોટોગ્રાફ પણ બહાર પાડ્યો છે. એ આરોપી વિશે માહિતી આપનારને 50,000 રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

ક્યારે, શું બન્યું હતું?

જે કોચાંગ ગામમાં આ ઘટના બની હતી તે ઝારખંડની રાજધાની રાંચીથી અંદાજે 80 કિલોમીટર દૂર આવેલું છે.
આશાકિરણ નામની એક બિનસરકારી સંસ્થાની 11 લોકોની ટીમ માનવ તસ્કરી વિરોધી જાગૃતિ અભિયાન હેઠળ શેરી નાટક ભજવવા માટે 19 જૂને કોચાંગ ગામ ગઈ હતી.
ગામની બજારમાં નાટક ભજવ્યા પછી એ ટીમના સભ્યો એક સ્થાનિક મિશનરી સ્કૂલે પહોંચ્યા હતા.
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસના જણાવ્યા મુજબ, યુવતિઓ સ્કૂલે પહોંચી કે તરત જ મોટરસાયકલ પર સવાર થઈને કેટલાક લોકો પણ સ્કૂલે પહોંચ્યા હતા.
એ લોકોએ હથિયારોની ધાક દેખાડીને પાંચ યુવતિઓનું અપહરણ કર્યું હતું. ટીમમાં સામેલ ત્રણ પુરુષોને અપરાધીઓએ માર પણ માર્યો હતો.
આરોપીઓ યુવતિઓને નજીકના જંગલમાં લઈ ગયા હતા અને તેમના પર બળાત્કાર કર્યો હતો.
અશ્વિની સિંહે જણાવ્યું હતું કે 20 જૂને આ ઘટનાના સમાચાર મળતાની સાથે જ ખૂંટી જિલ્લાના નાયબ પોલીસ વડાએ તપાસ શરૂ કરી હતી.
21 જૂને એક પીડિતાને શોધીને તેને લાંબી પૂછપરછ કરવામાં આવી હતી. પીડિતા હાલ પોલીસની નજર હેઠળ સલામત છે. તેમનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે.

પોલીસે શું કહ્યું?

• કોચાંગ ગામની મિશન સ્કૂલના ફાધર અને આશાકિરણ સંસ્થાના પદાધિકારીઓએ આ ઘટના બાબતે પોલીસને તત્કાળ જાણ કરી ન હતી.
• યુવતિઓની સંસ્થા સાથે જોડાયેલી બે સિસ્ટરને પૂછપરછ કરીને પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેમણે કેવા સંજોગોમાં આ ઘટના વિશે મૌન જાળવ્યું હતું.
• ખૂંટી જિલ્લાના પોલીસ વડાના નેતૃત્વમાં ત્રણ ખાસ ટીમ આ ઘટનાની તપાસ કરી રહી છે.
• બળાત્કારનો વીડિયો બનાવવામાં આવ્યો હોવાનો કોઈ પુરાવો પોલીસને મળ્યો નથી.

પત્થલગડીના ટેકેદારોની સંડોવણી?

ઇમેજ સ્રોત, iStock
પોલીસને શંકા છે કે આ ઘટનામાં પત્થલગડીના ટેકેદારો સંડોવાયેલા હોઈ શકે છે.
પત્થલગડી નક્સલવાદ પ્રભાવિત અને દુર્ગમ વિસ્તાર હોવાને કારણે પોલીસ સાવચેતી સાથે કાર્યવાહી કરી રહી છે.
આ ઘટના બાબતે આશાકિરણ સંસ્થાનો પ્રતિભાવ મેળવવા માટે ત્યાંના સિસ્ટરનો સંપર્ક સાધવાનો પ્રયાસ બીબીસીએ કર્યો હતો, પણ તેમના તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો.
મહિલા અધિકાર માટે કામ કરતાં આલોકાએ કહ્યું હતું કે આ ઘટનાને પત્થલગડી સાથે જોડવાનું યોગ્ય નથી.
આલોકાએ ઉમેર્યું હતું કે ઝારખંડમાં મહિલાઓની સલામતી માટે પહેલેથી જ સવાલ ઉઠતા રહ્યા છે. અહીં દર મહિને બળાત્કારની સરેરાશ 110 ઘટનાઓ બને છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















