જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ, પણ રાષ્ટ્રપતિ શાસન કેમ ના લગાવાયું?

જમ્મુ અને કાશ્મીરમાં ભાજપ-પીડીપી ગઠબંધન તૂટતાં રાજ્યપાલ શાસન લાગુ કરી દેવાયું છે. છેલ્લાં 40 વર્ષમાં આઠમી વખત રાજ્યમાં રાજ્યપાલ શાસન લાગુ કરાયું છે.

અહીંના વર્તમાન રાજ્યપાલ એન. એન. વોહરાના કાર્યકાળમાં ચોથી વખત એવું બન્યું છે કે રાજ્યમાં રાજ્યપાલનું શાસન લગાવાયુ હોય.

પૂર્વ સરકારી અધિકારી વોહરા 25 જૂન 2008ના રોજ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ બન્યા હતા.

પીડીપી સાથે ત્રણ વર્ષ સુધી ગઠબંધનમાં રહ્યા બાદ ભાજપે મંગળવારે સમર્થન પરત લઈ લેવાની જાહેરાત કરી હતી.

ભાજપે જણાવ્યું હતું, ''જમ્મુ-કાશ્મીરમાં વધી રહેલા કટ્ટરવાદ અને ઉગ્રપંથના પગલે સરકારમાં રહેવું મુશ્કેલ થઈ ગયું છે.'

શા માટે રાજ્યપાલ શાસન?

દેશના અન્ય રાજ્યોમાં રાજકીય કટોકટી સર્જાતા રાષ્ટ્રપતિ શાસન લગાવાતું હોય છે.

જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં આ મામલો થોડો જુદો છે. અહીં રાષ્ટ્રપતિ શાસન નહીં પણ રાજ્યપાલનું શાસન લગાવવામાં આવે છે.

જમ્મુ અને કાશ્મીરમાં બંધારણની કલમ 92 અંતર્ગત છ મહિના પૂરતું રાજ્યપાલ શાસન લાગુ થતું હોય છે.

આ માટે રાષ્ટ્રપતિની મંજૂરી લેવી જરૂરી હોય છે.

ભારતીય બંધારણ જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો પ્રદાન કરે છે.

તે દેશનું એક માત્ર એવું રાજ્ય છે કે જેને પોતાનું અલગ બંધારણ પણ છે અને પોતાનો અલગ ધારો પણ છે.

મહત્ત્વપૂર્ણ છે કે દેશના અન્ય રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન બંધારણની કલમ 356 અંતર્ગત લાગુ કરાવાતું હોય છે.

રાજ્યપાલ શાસન દરમિયાન વિધાનસભા કાં તો સ્થગિત રહે છે કે કાં તો તેને ભંગ કરી દેવામાં આવે છે.

જો આ છ મહિના દરમિયાન રાજ્યમાં સંવૈધાનિક તંત્રનો ફરીથી અમલ ના કરાવી શકાય તો રાજ્યપાલ શાસનની સમય મર્યાદા ફરીથી વધારી દેવામાં આવે છે.

અહીં એ વાત પણ નોંધવી રહી કે જમ્મુ અને કાશ્મીરમાં પ્રથમ વખત 1977માં રાજ્યપાલનું શાસન લાગુ થયું હતું.

એ વખતે કૉંગ્રેસે શેખ અબ્દુલ્લાહના નેતૃત્વવાળી નેશનલ કૉન્ફરન્સની સરકારને આપેલું સમર્થન પરત લઈ લીધું હતું.

370 અંતર્ગત વિશેષ દરજ્જો

ભારતીય બંધારણની કલમ 370 જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો પ્રદાન કરે છે.

આઝાદી વખતે જમ્મુ અને કાશ્મીરનું ભારત સંઘ સાથે જોડાણ નહોતું થયું અને તેની સામે બે વિકલ્પો હતા, કાં તો પાકિસ્તાનમાં ભળવું કે કાં તો ભારત સાથે.

કાશ્મીરની મસ્લિમ બહુમતી ધરાવતી જનતા પાકિસ્તાનમાં સામેલ થવાં માગતી હતી. જોકે, રાજ્યના શાસક મહારાજા હરિસિંહ ભારતમાં ભળવા માગતા હતા.

તેમણે ભારત સાથે 'ઇન્સ્ટ્રુમૅન્ટ ઑફ ઍક્સેશન'ના દસ્તાવેજ પર સહી કરી અને એ બાદ જમ્મુ અને કાશ્મીરને ભારતનાં બંધારણની કલમ 370 અંતર્ગત વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો.

ભારત સાથે જોડાયા બાદ જમ્મુ અને કાશ્મીરમાં મુખ્યમંત્રીની જગ્યાએ વડા પ્રધાન અને રાજ્યપાલની જગ્યાએ 'સદર-એ-રિયાસત'ની નિમણૂક થતી.

એ વખતના ભારતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ શેખ અબ્દુલ્લાને ત્યાંના વડા પ્રધાન બનાવ્યા હતા. આ ક્રમ 1965 સુધી ચાલ્યો હતો.

એ વખતે કલમ 370માં ફેરફાર કરાયા અને ત્યારથી અહીં પણ ભારતના અન્ય રાજ્યોની માફક રાજ્યપાલની નિમણૂક થવા લાગી અને મુખ્યમંત્રી ચૂંટાવા લાગ્યા.

જોકે, કલમ 370એ રાજ્યને આપેલો અલગ રાષ્ટ્રધ્વજ અને અલગ પ્રતીક ચિહ્નનો અધિકાર હજુ પણ કાયમ છે.

કેન્દ્ર ક્યારે દખલ કરી શકે?

ભારત સરકાર જમ્મુ-કાશ્મીરમાં અમુક વિશેષ મામલાઓમાં જ રાજ્યપાલ શાસન લગાવી શકે છે.

જ્યારે યુદ્ધ કે વિદેશ આક્રમણ વખતે જ કટોકટી લગાવી શકાય છે. રાજ્યની આંતરિક બાબતોને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર કટોકટી જાહેર કરી શકતી નથી.

કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરમાં માત્ર સંરક્ષણ, વિદેશ નીતિ, નાણાકીય બાબતો અને માહિતી તેમજ પ્રસારણ બાબતે જ દખલગીરી કરી શકે છે.

મહત્ત્વપૂર્ણ છે કે મુફ્તી મોહમ્મદ સઇદના નિધન બાદ 8 જાન્યુઆરી 2016ના રોજ અહીં રાજ્યપાલનું શાસન લાગુ કરાયું હતું.

એ વખતે પીડીપી અને ભાજપે થોડા સમય પૂરતો સરકાર રચવાનો નિર્ણય ટાળી દીધો હતો.

ક્યારે ક્યારે લગાવાયું રાજ્યપાલ શાસન

પ્રથમ વખત : 26 માર્ચ 1977થી 9 જુલાઈ 1977 સુધી. 105 દિવસ માટે.

બીજી વખત : 6 માર્ચ 1986થી 7 નવેમ્બર 1986 સુધી, 246 દિવસ માટે.

ત્રીજી વખત : 19 જાન્યુઆરી 1990થી 9 ઑક્ટોબર 1996 સુધી. છ વર્ષ અને 246 દિસ માટે.

ચોથી વખત : 18 ઑક્ટોબર 2002થી 2 નવેમ્બર 2002 સુદી. 15 દિવસો માટે.

પાંચમી વખત : 11 જુલાઈ 2008થી 5 જાન્યુઆરી 2009 સુધી. 178 દિવસ માટે.

છઠ્ઠી વખત : 9 જાન્યુઆરી 2015થી 1 માર્ચ 2015 સુધી. 51 દિવસ માટે.

સાતમી વખત : 8 જાન્યુઆરી 2016થી 4 એપ્રિલ 2016 સુધી. 87 દિવસ માટે.

આઠમી વખત : 19 જૂન 2018થી હાલ સુધી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો