FATHER's DAY: એવા પુરુષની કહાણી જેણે પિતા બનવા વર્ષો ખર્ચી નાખ્યાં

દુર્ગા સિંહ પત્ની પૂનમ સાથે
ઇમેજ કૅપ્શન, દુર્ગાસિંહ પત્ની પૂનમ સાથે

દિલ્હીના કોટલા મુબારાકપુર વિસ્તારમાં નાનકડા રૂમમાં એક જૂનો પંખો ઝડપથી ચાલી રહ્યો છે. આ રૂમમાં 38 વર્ષીય દુર્ગાસિંહ તેમની પત્ની સાથે રહે છે. આ દંપતી નિ:સંતાન છે અને આજે પણ તેમને બાળકની આશા છે.

દુર્ગાસિંહ પિતા બનવાની ખ્વાહિશ સાથે ઉત્તર પ્રદેશના બારાબંકીથી દિલ્હી આવ્યા હતા.

લગ્નના પાંચ-છ વર્ષ પછી પણ બાળક ન થતાં દુર્ગાસિંહે પોતાનું ગામ છોડીને દિલ્હી આવવાનો નિર્ણય કર્યો.

જોકે, લગ્નનાં 16 વર્ષો બાદ પણ તેમને કોઈ સંતાન નથી. સંતાન માટે એક પુરુષ શું કરે, સંતાન ના હોય તો પુરુષનું દર્દ કેવું હોય, તેની વાત કહેતી આ છે દુર્ગાસિંહની કથા.

line

બારાબંકીથી દિલ્હીની સફર

સંતાન પ્રાપ્તિ માટે તેમણે સંખ્યાબંધ હૉસ્પિટલના ધક્કા ખાધા છે અને બાબાના ચક્કરમાં પણ ફસાયા હતા.

મંદિરોમાં પૂજા કરાવી અને દરગાહની મઝારો પર મન્નતો પણ માગી તેમ છતાં કોઈ સફળતા મળી નથી.

આપવીતી જણાવતા દુર્ગા સિંહ કહે છે, "લગ્ન વખતે મારી ઉંમર 20-22 વર્ષ અને પત્નીની ઉંમર 18-19 વર્ષની હતી. લગ્નનાં બે ત્રણ વર્ષ અમને ચિંતા ન થઈ પણ પછી પાંચ-છ વર્ષ થઈ જતા ચિંતા થવા લાગી."

પહેલાં તેમણે બારાબંકીની એક હૉસ્પિટલમાં ચૅકઅપ કરાવ્યું. તેમણે કહ્યું,"દવાઓ ઘણી મોંઘી હતી છતાં અમે ઇલાજ કરાવ્યો. પણ કંઈ ફાયદો ના થયો."

"લખનૌની એક હૉસ્પિટલમાં ગયા, ત્યાંથી પણ કોઈ સફળતા મળી નહીં. આથી કોઈએ દિલ્હી આવીને સારવાર કરાવવાની સલાહ આપી."

line

સંતાન માટે અજાણ્યા શહેરમાં આવ્યા...

દુર્ગા સિંહ

આ રીતે સંતાન પ્રાપ્તિની ખ્વાહિશ આ દંપતીને એક અજાણ્યા શહેર દિલ્હી ખેંચી લાવી.

દિલ્હીમાં આવીને તેમણે કોટલા વિસ્તારમાં એક રૂમ ભાડે લીધો અને પોતાનું નવું જીવન શરૂ કર્યું.

દુર્ગાસિંહ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે અને હાલ તેઓ સારવાર માટે નાણાં એકઠાં કરી રહ્યા છે.

શું તમે આ વાંચ્યું?

જૂની વાતો યાદ કરતાં તેમણે કહ્યું,"અમારે દિલ્હીની મોંઘવારીમાં ઘર ચલાવવાનું હતું. થોડા પૈસા ઘરે મોકલવાના અને થોડા ઇલાજ માટે પણ બચાવવાના હતા. આ બધું ઘણું મુશ્કેલ અને તકલીફદાયક હતું."

"સપ્તાહમાં માત્ર એક જ રજા મળતી હતી અને તે પણ દવાખાના ચક્કર કાપવામાં પસાર થઈ જતી."

line

હૉસ્પિટલોના ધક્કા

દુર્ગા સિંહે હૉસ્પિટલોમાં કેટલો સમય વિતાવ્યો તેનો ખ્યાલ તેઓ જ્યારે 'ફેલોપિયન ટ્યુબ','યુટ્રસ' અને 'સીમેન' શબ્દ ઉચ્ચારે છે તેના પરથી આવી શકે છે.

તેમણે સફદરજંગથી લઈને લેડી હાર્ડિંગ સહિતની હૉસ્પિટલોની મુલાકાત લીધી છે, વર્ષોથી પ્રતિક્ષા કરી છે અને આજે પણ કરી રહ્યા છે.

તેમણે કહ્યું,"ડૉક્ટરે અમને આઈવીએફની સારવાર કરાવવાની સલાહ આપી, પણ હું અત્યાર સુધી તેના વિશે વિચારી ન શક્યો કેમ કે તે ઘણી ખર્ચાળ છે."

સંતાન પ્રાપ્તિ માટે તેઓ અત્યાર સુધી 8-9 લાખ રૂપિયા ખર્ચી ચૂક્યા છે.

line

જ્યારે એક બાબાના ચક્કરમાં ફસાયા

દુર્ગા સિંહનો રૂમ

આ વિશે તેમણે કહ્યું,"એક બાબાએ મારી પાસે 20 હજાર રૂપિયા માગ્યા અને કામ ન થવા પર નાણાં પરત આપવાની બાંયધરી આપી હતી."

"મેં તેમને નાણાં આપ્યાં અને એ બાબાએ જે પણ પૂજા-વિધિ કરવા કહ્યું તે અમે બે મહિના સુધી કરતા રહ્યા."

"પછી કોઈ ફાયદો ના થયો એટલે મેં નાણાં પરત માગ્યા. તેમણે મારી વાત ટાળવાનું શરૂ કર્યું."

"પણ એક દિવસ મારા મિત્ર સાથે તેમને ત્યાં ધસી ગયો, તો તેમણે મને મારાં નાણાં પરત આપવાં જ પડ્યાં."

આ બધું યાદ કરતા દુર્ગા સિંહ કહે છે,"ઘણી વાર હું થાકીને રડવા લાગતો હતો. હજુ પણ હું અને પૂનમ દુઃખી થઈ જઈએ છીએ. પણ પછી એક બીજાને સંભાળી લઈએ છીએ."

દુર્ગા સિંહનો રૂમ

"જોકે, અમારા જીવનમાં જે પણ દુ:ખ કે એકલતા છે, તેની અસર અમારા પરસ્પર સંબંધો પર પડી નથી."

આ વાત સાંભળીને તેમના પત્ની પૂનમના ચહેરા પર સ્મિત આવી જાય છે અને તેઓ પણ કહે છે,"એવું નથી કે અમારી વચ્ચે લડાઈ થતી નથી, પણ ક્યારેય લડાઈ એટલા માટે નથી થઈ કે અમારે સંતાન નથી. અમારી કિસ્મત માટે અમે એકબીજાને દોષ ન આપી શકીએ."

દુર્ગાસિંહને ઘણાએ આડકતરી રીતે બીજાં લગ્ન કરી લેવા પણ સલાહ આપી.

એ વિશે જણાવતા તેમણે કહ્યું, "લોકો મને સ્પષ્ટ બીજાં લગ્ન માટે ન કહી શક્યા કેમ કે તેમને ખબર હતી કે હું એવું કરીશ નહીં."

"ઉલટું તેમના પર જ ભડકી જઈશ. હું ક્યારેય પૂનમનું દિલ ના તોડી શકું"

line

પિતા ન હોવાના લીધે ટોણો નથી માર્યો?

બાળકના પગ

ઇમેજ સ્રોત, iStock

આ પ્રશ્નના જવાબમાં દુર્ગાસિંહે કહ્યું,"મારી પીઠ પાછળ તો લોકો કહેતાં જ હશે તેમાં કોઈ શંકા નથી. એક વખત મારી સામે પણ કહ્યું હતું."

"અમારે પાડોશી સાથે ઝઘડો થયો હતો ત્યારે તેમણે મને સંભળાવ્યું હતું કે-તું આવો છું એટલે જ બાપ બની શક્યો નથી. મને આ સાંભળીને ઘણુ દુ:ખ થયું. મારી પત્ની રડવા લાગી હતી."

"ઘણી વાર મુશ્કેલ લાગે છે. કેમ કે મિત્રો સગા-સંબંધીઓ પરિવારવાળા પૂછતા રહેતા હોય છે કે કંઈ ખુશ ખબર છે કે નહીં. હું આ સાંભળીને થાકી ગયો છું."

"જો કોઈ ખુશ ખબર હોય તો હું કહી જ દઉંને. પણ પછી વિચારું કે તેમાં આ લોકોની ભૂલ નથી. તેઓ માત્ર પૂછી તો રહ્યા છે."

દુર્ગા સિંહ પત્ની પૂનમ સાથે

સમાજમાં હંમેશાં માતૃત્વની જ વાત થાય છે, પણ પિતાના પ્રેમનું શું? શું એક પુરુષને બાળકની એટલી ખ્વાહિશ ન હોય જેટલી મહિલાને હોય છે?

તેના જવાબમાં દુર્ગાસિંહ કહે છે, "મર્દ સરળતાથી મન ખોલીને વાત નથી કરતા, પણ તેમના મનમાં બાળકની એટલી જ ઇચ્છા હોય છે જેટલી મહિલાને હોય છે."

"મેં ઘણી વાર લોકોને પૂછતા જોયા છે કે પોતાનાં બાળકો નથી તે બીજાનાં બાળકોને શું સમજશે? પણ મેં બીજાનાં બાળકોનાં મળ-મૂત્ર પણ સાફ કર્યાં છે."

તેમણે વધુમાં ઉમેર્યું, "જો મારા ઘરે બાળકનો જન્મ થાય તો ઘણી ધૂમધામથી પાર્ટી આપું જેથી બધાને તેની ખબર પડે."

"દીકરો આવે કે દીકરી મને કંઈ વાંધો નથી. મારે માત્ર બાળક જોઈએ છે."

દુર્ગા સિંહે બાળક માટે સપનાં પણ સજાવી રાખ્યાં છે. તેમની ઇચ્છા છે કે તેમનું બાળક સારી સ્કૂલમાં ભણવા જશે અને મોટા લોકો સાથે ઊઠવા-બેસવાનું શીખશે અને તેને સારી નોકરી કરશે.

તેઓ ભાવુક થઈને કહે છે,"ગરીબીના કારણે મારા પિતા મને ભણાવી શક્યા નહીં. પણ હું મારા બાળકોને જરૂર ભણાવીશ. એમને એ તમામ સુવિધા આપીશ જે મને મળી નથી."

line

દુર્ગા સિંહ માટે પિતા બનવું આટલું જરૂરી કેમ છે?

જવાબમાં તે કહે છે, "મને મારા જેવું કોઈ તો જોઈએ. બાળક હશે તો મને લાગશે કે કોઈ મારી સાથે છે, જે મારું પોતાનું છે."

"બાળક નહીં હોય તો પછી મારું નામ મર્યા પછી વિસરાઈ જશે. કોઈ દીકરો કે દીકરી હશે તો લોકો કહેશે કે જુઓ આ દુર્ગાસિંહનાં બાળકો છે."

પણ જેમને બાળકો નથી તેઓ પણ તો જીવે છે?

આ અંગે તેઓ કહે છે,"હા સાચી વાત છે. બાળક ના હોય તો પણ અમે જીવી લઈશું. પણ જો બાળક થશે તો વધુ ખુશી થશે. કદાચ અમે કોઈ બાળક દત્તક પણ લઈ લઈએ."

અંતે દુર્ગાસિંહે ધીમા અવાજમાં કહ્યું," મેં ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું, શું ખબર ઇશ્વર દયા કરે."

"તમને કોઈ સારા ડૉક્ટર વિશે ખબર પડે તો મને જણાવજો. અમે હજુ પણ આશા છોડી નથી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો