TOP NEWS : ભાજપના ધારાસભ્યની માગ, 'તાજમહેલનું નામ રામમહેલ કે કૃષ્ણમહેલ કરો'

તાજમહેલની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

'દિવ્ય ભાસ્કર'ના અહેવાલ પ્રમાણે ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાની બૈરિયા વિધાનસભા બેઠકથી ભાજપના ધારસભ્ય સુરેન્દ્રસિંહે તાજમહેલ અંગે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

સુરેન્દ્રસિંહે તાજમહેલનું નામ બદલી 'રામમહેલ' કે 'કૃષ્ણમહેલ' રાખવાનું સૂચન કર્યું છે.

સિંહે જણાવ્યું છે, ''ભારતીય સંસાધન કે માટીમાંથી કોઈ સ્મારક બનાવાય તે દેશનું જ ગણાવાય. તેને કોઈ પોતાનું નામ આપી દે એ યોગ્ય ન કહેવાય.''

તેમણે એવું પણ જણાવ્યું, ''જે રીતે મુઘલસરાયનું નામ દીનદયાલ ઉપાધ્યાયના નામ પર બદલવામાં આવ્યું એ જ રીતે રાષ્ટ્રભક્તોની માગ પર અન્ય રસ્તા અને સ્મારકોના નામ બદલવા જોઈએ.''

line

સાબરમતી અને તાપી વચ્ચે સીપ્લેન ઉડશે

નરેન્દ્ર મોદીની સીપ્લેન સાથેની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

એનડીટીવીની વેબસાઇટના એક અહેવાલ અનુસાર ઍરપૉર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા(એએઆઈ)એ એવા ત્રણ રૂટ નક્કી કર્યા છે કે જ્યાં સંભવિત સીપ્લેન સર્વિસ શરૂ થઈ શકે એમ છે.

એએઆઈએ ગુજરાત સરકારને જાણ કરીને જણાવ્યું છે કે સીપ્લેન ઑપરેશન્સ માટે સાબરમતી રિવરફ્રન્ટ અને સુરત રિવરફ્રન્ટને પસંદ કરવામાં આવ્યા છે.

ઑથોરિટીએ એવું પણ જણાવ્યું છે કે આગામી દિવસોમાં યોજનાની તૈયારીના ભાગરૂપે અધિકારીઓની ટીમ રિવરફ્રન્ટની મુલાકાતે આવી શકે એમ છે.

અહીં એ વાત નોંધનીય બની રહે છે કે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પૉરેશન(એએમસી) દ્વારા સીપ્લેન સેવાનો કોઈ પ્રસ્તાવ ના મળ્યો હોવાનું જણાવાયાની કલાકોમાં જ એએઆઈ દ્વારા સંબંધીત જાહેરાત કરવામાં આવી છે.

મહત્ત્વપૂર્ણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસે સાબરમતી રિવરફ્રન્ટથી મહેસાણાના ધરોઈ ડેમ સુધી સીપ્લેનમાં સફર ખેડી હતી.

line

ST/SC ફંડ અંગેના કાયદા માટે દલિત, આદિવાદી ધારાસભ્યોને એક થવા હાકલ

પ્રતિકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના એક અહેવાલમાં જણાવાયું છે કે શેડ્યૂલ કાસ્ટ્સ અને શેડ્યૂલ ટ્રાઇબ્સ માટેના ફંડને ફંટાતું રોકવા ગુજરાતના બે કોંગ્રેસી ધારાસભ્યોએ તમામ પક્ષોના એસસી અને એસટી ધારાસભ્યોને આહ્વાન કર્યું છે.

દલિત ધારાસભ્ય નૌશાદ સોલંકી અને આદિવાસી ધારાસભ્ય અનિલ જોશિયારાએ કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તેલંગાણાની માફક ગુજરાતમાં પણ એસસી/એસટી પ્લાન-ઍક્ટ ઘડવા બન્ને સમુદાયોના ધારાસભ્યોને આગળ આવવા જણાવ્યું છે.

બન્ને ધારાસભ્યોએ એવું પણ કહ્યું છે કે આ કાયદો એ સ્પષ્ટ કરશે કે બન્ને સમુદાયોની વસ્તી અનુસાર ફંડ ફાળવવામાં આવે અને તેમના ઉત્કર્ષ માટે જ તેનો વપરાશ કરવામાં આવે.

મહત્વપૂર્ણ છે કે નૌષાદ સોલંકીએ ગુજરાત વિધાનસભા સત્ર દરમિયાન આ અંગેનું બિલ રજૂ કર્યું હતું. જોકે, એના પર ચર્ચ થઈ શકી નહોતી.

line

કાશ્મીરમાં વ્હૉટ્સઍપ સેવાને બંધ કરવા અંગે વિચારણા

કાશ્મીર વિરોધ પ્રદર્શનની એક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના એક રિપોર્ટમાં જણાવાયું છે કે જમ્મુ અને કાશ્મીરમાં કેન્દ્ર સરકાર વ્હૉટ્સઍપ સેવા બંધ કરવાનું વિચારી શકે છે.

ઉગ્રવાદીઓ દ્વારા પાકિસ્તાન સ્થિત હૅન્ડલર્સ સાથે સંપર્ક સાધવા સોશિયલ મીડિયા મેસેજિંગ એપનો ઉપયોગ થતો હોવાની વાત ધ્યાનમાં આવ્યા બાદ આ અંગેનો નિર્ણય લેવાયો છે.

કેન્દ્રીય ગૃહસચિવ રાજીવ ગોબાના અધ્યક્ષપદે યોજાયેલી બેઠકમાં સંબંધીત મુદ્દો ઊઠ્યો હતો. 2016ના નગરોટા આર્મી કેમ્પ પરના હુમલા સાથે સંકળાયેલી ધરપકડો અંગે બેઠકમાં વાત થઈ હતી.

જૈશ-એ-મોહમ્મદના ઉગ્રવાદી સંબંધીત એપ થકી પાકિસ્તાનના સંપર્કમાં હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો