જમ્મુ-કાશ્મીરઃ વડા પ્રધાન મોદીએ જે સુરંગનો શિલાન્યાસ કર્યો તે કેમ મહત્ત્વની છે?

કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કાશ્મીરની મુલાકાતે છે. વડા પ્રધાન મોદીએ લદ્દાખ પહોંચી જોજિલા સુરંગનો શિલાન્યાસ કર્યો હતો.

આ પ્રવાસ દરમિયાન મોદી શ્રીનગરના શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કૉન્ફરન્સ સેન્ટર અને જમ્મુના જનરલ જોરાવર સિંહ ઑડિટોરિયમમાં બે અલગ અલગ કાર્યક્રમમાં શ્રીનગર રિંગ રોડ અને જમ્મુ રિંગ રોડની આધારશિલા રાખી હતી.

વડાપ્રધાન લેહ શહેરમાં સન્માનિત લદ્દાખી આધ્યાત્મિક ગુરૂ કુશક બાકુલાના 100મી જયંતિ સમારોહમાં પણ સામેલ થયા હતા.

ઉપરાંત શેર-એ-કાશ્મીર કૃષિ વિજ્ઞાન તેમજ પ્રોદ્યોગિક વિશ્વવિદ્યાલયના દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

વડા પ્રધાન મોદીની મુલાકાતના પગલે કાશ્મીરમાં અલગાવવાદીઓએ બંધનુ એલાન કર્યું હતું અને સાથે જ એક માર્ચની પણ તૈયારી કરી હતી. જોકે, અધિકારી વર્ગે શ્રીનગરમાં ચુસ્ત બંદોબસ્ત કરી માર્ચ નિષ્ફળ કરી હતી.

વડા પ્રધાન મોદી સીમા પર ચાલતા તણાવ વચ્ચે વિવાદાસ્પદ ઘાટીની મુલાકાત પણ લીધી હતી.

કેમ ખાસ છે આ જોજિલા સુરંગ?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આ પ્રવાસ દરમિયાન એક મહત્ત્વપૂર્ણ પરિયોજના છે જોજિલા સુંરગનો શિલાન્યાસ.

14 કિલોમીટર લાંબી આ સુરંગ ન માત્ર દેશની સૌથી લાંબી સુરંગ હશે પણ અવરજવર માટે રસ્તાવાળી આ એશિયાની સૌથી લાંબી સુરંગ પણ હશે.

આ સુરંગ બનવાથી શ્રીનગર, કારગિલ અને લેહ વચ્ચે બારે માસ સંપર્ક રહેશે.

હાલ આ વિસ્તારનો ઠંડીના મહિનાઓ દરમિયાન દેશના બાકી ભાગથી સંપર્ક કપાયેલો રહે છે.

આ સુરંગનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ લદ્દાખ ક્ષેત્ર સાથે દેશનો સંપર્ક આખા વર્ષ દરમિયાન સધાયેલો રહેશે.

સાથે જોજિલા ઘાટીને પાર કરવામાં લાગતો 3.5 કલાકનો સમય પણ 15 મિનિટ જેટલો જ રહી જશે.

શ્રીનગર-લેહ રાષ્ટ્રીય રાજમાર્ગ પર બાલતાલ અને મીનામાર્ગ વચ્ચે બનનારી આ સુરંગના નિર્માણ પર આશરે 6800 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

જોજિલા સુરંગમાં સુવિધાઓ

એક સ્માર્ટ સુરંગના રૂપમાં જોજિલામાં હવા અને રોશનીની પૂર્ણ વ્યવસ્થા હશે. તેમાં સતત વીજળી, ઇમરજન્સી પ્રકાશ વ્યવસ્થા, સીસીટીવી, ઘણા પ્રકારના સંદેશ સૂચક, અવરજવરનાં ઉપકરણો અને ટનેલ રેડિયો સિસ્ટમની વ્યવસ્થા હશે.

સુરંગમાં દર 125 મીટર પર ટેલિફોન અને ફાયરફાઇટરની વ્યવસ્થા સિવાય પ્રત્યેક 250 મીટર પર રાહદારીઓ માટે ફૂટપાથ અને 750 મીટરના અંતરે સ્ટેન્ડ હશે.

શ્રીનગરમાં 1860 કરોડ રૂપિયાના ખર્ચે બનવા વાળા ચાર લેન વાળા રિંગ રોડથી પશ્ચિમ શ્રીનગરને સુંબલ સાથે જોડવામાં આવશે. જે શ્રીનગરથી કારગિલ અને લેહ જવા માટે એક નવો રસ્તો હશે.

જમ્મુમાં 2,023.87 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા ફોર લેનના રિંગ રોડથી જમ્મુના પશ્ચિમમાં સ્થિત જગાતીથી રાયા મોડને જોડવામાં આવશે.

સુરંગને લીધે રોજગારીનું સર્જન

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે કહ્યું છે કે સુરંગના નિર્માણથી આ વિસ્તારમાં ચારે તરફ આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક એકીકરણ થવાની આશા છે.

નિર્માણ કાર્યમાં પ્રત્યક્ષ રૂપે રોજગાર મળવા સિવાય તેનાથી આર્થિક ગતિવિધિ વધવાના કારણે પરોક્ષ રીતે પણ નવી રોજગારી મળશે.

મંત્રાલયે કહ્યું, "આ પરિયોજનાનું રાજકીય, સામાજિક અને આર્થિક મહત્ત્વ છે. જમ્મુ અને કાશ્મીરના આર્થિક રૂપે પછાત જિલ્લાના વિકાસનું આ માધ્યમ હશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો