આજે આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે કર્ણાટકમાં શું થશે?

સુપ્રીમ કોર્ટે શનિવારે સાંજે ચાર કલાકે વિશ્વાસ મત હાંસલ કરવા કર્ણાટકની ભાજપ સરકારને બહુમત સાબિત કરવા આદેશ આપ્યો છે. એ પૂર્વ તમામ કામગીરી પૂર્ણ કરવા સુપ્રીમ કોર્ટના ત્રણ જજોની ખંડપીઠે આદેશ આપ્યો હતો.

બેન્ચે નવા ચૂંટાયેલા ધારાસભ્યોની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરવા કર્ણાટકના ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસને આદેશ આપ્યો છે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણી બાદ કોઈ પણ પક્ષને બહુમત મળ્યો ન હતો. 104 બેઠક સાથે ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો હતો.

ચૂંટણી બાદ કોંગ્રેસ (78) અને જેડીએસએ (37) મળીને સરકાર રચવા માટે દાવો કર્યો હતો.

ચુકાદા બાદ યેદિયુરપ્પાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓ વિશ્વાસમત જીતી શકે છે. કોંગ્રેસે ભાજપ પર ધારાસભ્યોને ખરીદવા માટે પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો હતો.

હાલમાં જેડીએસ તથા કોંગ્રેસના ધારાસભ્યો હૈદરાબાદમાં છે.

જોકે, રાજ્યપાલે ભાજપને સરકાર રચવાનું આમંત્રણ આપતા આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.

ગુરૂવારે વહેલી સવારે 1.45 કલાકે સુનાવણી હાથ ધરનારી જસ્ટિસ એ. કે. સિકરી, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ શરદ અરવિંદ બોબડેની બેન્ચે જ શુક્રવારે સુનાવણી હાથ ધરી હતી.

ભાજપે માગ કરી હતી કે વધુ સમયની માગ કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે આ દલીલ ગ્રાહ્યા રાખી ન હતી.

સુપ્રીમ કોર્ટે કોઈ નીતિવિષયક નિર્ણય ન લેવા યેદિયુરપ્પાને નિર્દેશ આપ્યા હતા.

હવે શું થશે?

રાજ્ય વિધાનસુધાના સચિવ ગૃહમાં સૌથી વધુ વખત ચૂંટાયેલા સૌથી વરિષ્ઠ ધારાસભ્યને પ્રો-ટેમ સ્પીકર બનાવશે.

વિધાનસુધાના સચિવ પ્રો-ટેમ સ્પીકર માટે રાજ્યપાલને નામ મોકલશે. રાજ્યપાલ તેમને શપથ ગ્રહણ કરાવશે.

પ્રો-ટેમ સ્પીકરના નિર્દેશને આધારે વિધાનસુધાના સચિવ નવા ચૂંટાયેલા સભ્યોને ધારાસભ્યપદના શપથ લેવા માટે ગૃહમાં હાજર રહેવા માટે આમંત્રણ મોકલે છે.

તમામ સભ્યોને શપથ લેવડાવવાની પ્રક્રિયા ખાસ્સી લાંબી હોય છે. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે, ચાર વાગ્યા સુધીમાં પૂર્ણ ન પણ થાય.

કર્ણાટક વિધાનસભાના પૂર્વ સ્પીકર કે. આર. રમેશે બીબીસી સાથે વાતચીતમાં જણાવ્યું, "આ સંજોગમાં સુપ્રીમ કોર્ટના આદેશનું શબ્દશઃ નહીં, પરંતુ તેના હાર્દનું પાલન કરવાનું હોય છે.

ધારાસભ્યોની શપથવિધિ અંગે બે વિકલ્પ છે. અ.) પ્રો-ટેમ સ્પીકર વિશ્વાસમતની પ્રક્રિયાનું નેતૃત્વ કરે બ.) સ્પીકરની ચૂંટણી કરવી.

ધ્વનિમતના આધારે વિશ્વાસમત લેવાની છૂટ મળી શકે છે. અથવા તો મત વિભાજનની પણ માગ થઈ શકે છે. જો મતવિભાજન હાથ ધરવામાં આવે તો કોરમબેલ વગાડવામાં આવે છે, દરવાજા બંધ રાખવામાં આવે છે અને ધારાસભ્યોએ ઊભા થવાનું હોય છે, જેના આધારે બંને બાજુઓને મળેલા મતોની ગણતરી કરવામાં આવે છે.

આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સ્પીકાર દ્વારા પરિણામની જાહેરાત કરવામાં આવે છે.

સુપ્રીમમાં શું થયું હતું?

કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન દાવો કર્યો હતો કે જેડીએસે રાજ્યપાલને સરકાર બનાવવા માટે મળવાનો સમય માગ્યો હતો અને 115 ધારાસભ્યોના સમર્થન સાથેનો પત્ર પણ આપ્યો હતો પણ તેમને આમંત્રણ ન આપીને ભાજપને સરકાર બનાવવાનું આમંત્રણ આપવામાં આવ્યું.

કોંગ્રેસનો આરોપ છે કે ભાજપને સરકાર બનાવવા માટે બહુમતીના આંકડા સાથેનો કોઈ જ પત્ર રાજ્યપાલને આપ્યો નથી અને જો કોઈ પત્ર આપ્યો હોય તો તેઓ દેખાડે.

જેને પગલે યેદિયુરપ્પા દ્વારા સરકાર બનાવવા માટે રાજ્યપાલને સોંપાયેલો પત્ર સુપ્રીમે કોર્ટે રજૂ કરવા જણાવ્યું હતું.

કોર્ટમાં અભિષેક મનુ સંઘવીએ કોંગ્રેસનો પક્ષ રાખ્યો, જ્યારે ભાજપના બે ધારાસભ્યો વતી પૂર્વ ઍટર્ની જનરલ મુકુલ રોહતગી હાજર રહ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો