ગ્રાઉન્ડ રિપોર્ટ: ગુડગાંવમાં જુમ્માની નમાઝ વિવાદનું સત્ય શું?

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES
- લેેખક, ફૈસલ મોહમ્મદ અલી
- પદ, બીબીસી સંવાદદાતા, ગુડગાંવ, હરિયાણાથી
- ગુડગાંવની કુલ વસ્તી 15 લાખ છે જેમાં લગભગ 3 લાખ મુસ્લિમ છે.
- ગુડગાંવમાં કુલ 13 નાની- મોટી મસ્જિદો છે એટલે લગભગ 23 હજાર મુસ્લિમો માટે એક મસ્જિદ.
- હરિયાણા વક્ફ બોર્ડ અનુસાર 9 મસ્જિદો પર ગેરકાયદેસર કબજો
- મસ્જિદ માટે જમીન મળવી મુશ્કેલ
- કેટલીક મસ્જિદ કોર્ટકેસમાં ફસાયેલી છે

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES
બે દાયકામાં હરિયાણાના ગુડગાંવમાં જે ઝડપથી ઓફિસો અને એપાર્ટમેન્ટનો વ્યાપ વધી રહ્યો છે તેને બનાવવામાં અને ચલાવવામાં લાખો લોકો રોકાયેલા છે અને તેમાં મોટી સંખ્યા કારીગરો-મજૂરોની છે.
આ મહેનતુ લોકોમાં પાડોશનાં મેવાત ક્ષેત્રમાંથી આવતા મુસલમાનોની સંખ્યા ઘણી વધારે છે.
ગુડગાંવની 15 લાખ વસતીમાંથી લગભગ ત્રણ લાખ મુસ્લિમ છે.
આ વસ્તી માટે ગુડગાંવમાં કુલ 13 નાની- મોટી મસ્જિદો છે, તેમાંથી કોઈ મસ્જિદ એટલી મોટી નથી કે તેમાં હજારો લોકો નમાઝ પઢી શકે.

નમાઝમાં અડચણનો કિસ્સો

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES
છેલ્લા કેટલાક સમયથી મુસ્લિમોને સતત ધમકીઓ મળી રહી હતી કે તેઓ જુમ્માની નમાઝ ખાલી સરકારી જમીન પર ના પઢે.
મુસ્લિમ સંગઠનોનું કહેવું છે કે ઇમામોને ધમકાવવામાં આવે છે.
20 એપ્રિલે કેટલાક લોકોએ જુમ્માની નમાઝની "વચ્ચે જઈ હોબાળો મચાવ્યો, 'જય શ્રી રામ'ના સૂત્રોચ્ચાર કર્યાં અને નમાઝ કરનારાઓને ત્યાંથી ખસી જવા ફરજ પાડી.''
પોલીસે શહજાદખાનની ફરિયાદના આધારે છ લોકોની ધરપકડ કરી હતી, જેમને અત્યારે જામીન પર છોડી મૂકવામાં આવ્યા છે. ત્યારથી આ મુદ્દો ફરી ચર્ચામાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
પરંતુ આ ઘટનાક્રમ અહીં રોકાયો નથી. ગત શુક્રવારે ફરીથી આવી ઘટના નમાઝીઓના બીજા એક જૂથ સાથે બની અને મીડિયા રિપોર્ટ મુજબ, આવું પોલીસની હાજરીમાં બન્યું હતું.
ગુડગાંવના પોલીસ કમિશનર સંદીપ અહિરવારે જણાવ્યું, "કોઈને પણ કાયદો પોતાના હાથમાં લેવાની છૂટ નથી.
"અમે પહેલા પણ આ મુદ્દે કાર્યવાહી કરી ચૂક્યા છીએ અને હજુ પણ તપાસ ચાલુ છે. જે જરૂરી હશે તે પ્રમાણે પગલાં લેવામાં આવશે."

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES
મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર અને રાજ્યનાં એક અન્ય મંત્રી અનિલ વિજના નિવેદનો બાદ મુદ્દા પર રાજકારણનો રંગ ચઢી ગયો છે.
ખટ્ટરે સલાહ આપી હતી કે મુસ્લિમ સાર્વજનિક સ્થાન પર નમાઝ ન પઢે. જ્યારે વિજે એવો અણસાર આપ્યો હતો કે આવું જમીન પર કબજો કરવાના હેતુસર કરવામાં આવી રહ્યું છે.
જોકે, મુખ્યમંત્રીએ બાદમાં સ્પષ્ટતા કરી હતી કે, એમના નિવેદનનો અર્થ કોઈને નમાઝ પઢતા રોકવાનો નથી.
ગુડગાંવમાં રહેતા ફિલ્મ નિર્માતા રાહુલ રૉય જણાવે છે, "બંધારણીય પદ પર બેઠેલા લોકોએ એ સમજવું જોઈએ કે તેમના નિવેદનોથી લોકો જાત-જાતના તારણ કાઢી શકે છે.
"સાથે-સાથે વહીવટીતંત્ર પણ રાજકીય નેતૃત્વનાં નિવેદનોને અણસાર તરીકે જુએ છે."
રાજકીય પક્ષ સ્વરાજ ઇન્ડિયાના રાષ્ટ્રીય પ્રવક્તા અનુપમ આખા વિવાદ અને નિવેદનોને સમજી વિચારેલી રાજકીય ચાલ જણાવી રહ્યા છે.
તેઓ કહે છે, "એક મુદ્દો બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એક એવી કહાણી ઘડવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે જેના આધારે લોકોમાં સાંપ્રદાયિક વિભાજન ઉત્પન્ન કરી શકાય."
તેઓ ઉમેરે છે બધા જ જાણે છે કે આ પ્રકારના વિભાજનનો ફાયદો કોને થાય છે.

'જુમ્માનો જમાવડો શક્તિ પ્રદર્શન છે'

અખિલ ભારતીય હિંદુ ક્રાંતિ દળના રાષ્ટ્રીય પ્રભારી રાજીવ મિત્તલ કહે છે, "વજીરાબાદમાં નમાઝ પઢી રહેલા લોકો વચ્ચેથી કોઈએ 'પાકિસ્તાન ઝિંદાબાદ, હિંદુસ્તાન મુર્દાબાદ'નો સૂત્રોચ્ચાર કર્યો હતો.
"જેની સામે સ્થાનિકોએ વાંધો ઉઠાવ્યો હતો અને વાત 'અલ્લાહો અકબર' અને 'જય શ્રીરામ' સુધી પહોંચી ગઈ હતી. વિવાદ વકરતા તેઓ નમાઝ છોડીને જતા રહ્યા."
મિત્તલ કહે છે, "આમ કહીને એ વાતનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે નમાઝ રોકી દેવામાં આવી, પરંતુ નમાઝ રોકવાનો વિષય નથી."
મિત્તલ ત્યારબાદ કાયદાનો મુદ્દો ઉઠાવે છે. તેઓ કહે છે કે સરકારી જમીન પર પરવાનગી વગર નમાઝ પઢવી ગેરકાયદેસર છે.
ગુડગાંવ રેલવે સ્ટેશન પાસે સ્થિત સુરત નગરમાં રાજીવ મિત્તલના ઘરે જ અભિષેક ગૌડ હાજર છે. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા સંગઠન બજરંગ દળના જિલ્લા સંયોજક છે.
અભિષેક ગૌડ કહે છે કે મુસ્લિમો વચ્ચે કેટલાક લોકો એવા છે કે જેઓ ખાલી સરકારી જમીનની શોધ કરે છે અને બીજી જગ્યાઓથી ત્યાં લોકોને નમાઝ પઢવા માટે મોકલવામાં આવે છે.
ગુડગાંવમાં રહેતા રાજકરણ યાદવ માને છે કે "આ જમીન પર કબજો કરવાનો ખેલ છે" પરંતુ સાથે જ તેઓ મુસ્લિમોની જુમ્માની નમાઝને ''શક્તિ પ્રદર્શન' તરીકે જુએ છે.

વાસ્તવમાં મસ્જિદો પર છે ગેરકાયદેસર કબજો

જે વજીરાબાાદમાં સરકારી જમીન પર કબજો કરવાની દાનત સાથે નમાઝ પઢવાનો મામલો ઉઠી રહ્યો છે, ત્યાં જ એક મસ્જિદ લાંબા સમયથી સ્થાનિક લોકોના ગેરકાયદેસર કબજામાં છે, જ્યાં મુસ્લિમો નમાઝ પઢી શકતા નથી.
હરિયાણા વકફ બોર્ડનું કહેવું છે કે શહેરની પરિઘમાં ઓછામાં ઓછી નવ મસ્જિદ એવી છે, જેના પર લોકોએ ગેરકાયદેસર કબજો જમાવ્યો હોવાથી ત્યાં નમાઝ પઢવી શક્ય નથી.
મીડિયામાં આવેલા રિપોર્ટ પ્રમાણે, હિંદુ સંઘર્ષ સમિતિએ માગ કરી છે કે પ્રશાસનની પરવાનગી વગર શહેરના કોઈ પણ ભાગમાં નમાઝ પઢવાની પરવાનગી ન મળે.
તેમનું કહેવું એવું પણ હતું કે નમાઝની પરવાનગી એવા ક્ષેત્રો માટે ન આપવામાં આવે જ્યાં હિંદુ વસતી વધારે હોય.
બીજી તરફ, ગુડગાંવમાં રહેતા સો કરતા વધારે લોકોએ જિલ્લાના કમિશનર ડી સુરેશને એક નિવેદનમાં જણાવ્યું છે કે હિંદુ સંઘર્ષ સમિતિની માગ "બંધારણમાંથી મળેલા મૌલિક અધિકારો, ખાસ કરીને ધાર્મિક સ્વતંત્રતાના અધિકારોનું ઉલ્લંઘન છે."
અલગ-અલગ ધર્મ અને સમાજ સાથે સંબંધ રાખતા આ નાગરિકોએ આશા વ્યક્ત કરી છે કે સરકારી જમીનના ઉપયોગના મામલે વહીવટી તંત્ર બધા જ ધર્મોને માનતા લોકો સાથે એક સમાન વ્યવ્હાર કરશે જેવું બંધારણમાં કહેવામાં આવ્યું છે.

વધતી વસતી અને જગ્યાની અછત

એક સમયે માંડ પાંચ લાખની વસ્તી ધરાવતું ગુડગાંવ આજે 15 લાખ કરતા વધારે લોકોનું નિવાસસ્થાન બની ગયું છે. તેમાં ત્રણ લાખથી વધુ લોકો મુસ્લિમ છે.
જુમ્માની નમાઝ સામૂહિક રૂપે પઢવાની પરંપરા છે. શહેરની 13 મસ્જિદો ઓછી પડી રહી છે.
સામાજિક અને ધાર્મિક કાર્યકર્તા ઇસ્લામુદ્દીનના જણાવ્યા પ્રમાણે, "કેટલાક લોકોને લાગે છે કે મસ્જિદ જેવા પૂજા સ્થળ બનવાથી વિસ્તારની પ્રોપર્ટીની રેટ ઓછી થઈ જશે."
મહત્ત્વનું છે કે ગુડગાંવમાં એવા સેંકડો એપાર્ટમેન્ટ છે, જેની અંદર મંદિર છે પણ તેની અંદર કોઈ મસ્જિદ હોવાની કલ્પના કરી શકાતી નથી.

હુડા પણ છે નિશાને

ઇમેજ સ્રોત, ANJUMAN JAMA MASJID
હરિયાણા શહેરી વિકાસ પ્રધિકરણ (હુડા) સમયે સમયે પૂજાસ્થળો અને બીજા ધાર્મિક કાર્યો માટે જમીન આપે છે. આવી ફાળવણી કેટલાક નિયમો અને શરતો સાથે ઓછા ભાવે કરવામાં આવે છે.
પરંતુ હુડા પોતે પણ ઘણી વખત જાણતા અજાણતા વકફની સંપત્તિ પર ખોટો નિર્ણય લઈ લે છે અને એવી સ્થિતિ ઉત્પન્ન થાય છે જે વક્ફ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
ઉદાહરણ તરીકે હંસ એન્ક્લેવ કૉલોનીમાં મસ્જિદ માટે હરિયાણા વક્ફ બોર્ડના માધ્યમથી ખરીદાયેલી જમીન ચાર દાયકાથી ફસાયેલી છે અને તેના પર કંઈ નિર્માણ શક્ય થયું નથી.
કેમ કે તેના પર હુડાનો કબજો છે.
હુડાના અધિગ્રહણ વિરુદ્ધ કેટલાક લોકો કોર્ટમાં જતા રહ્યા, આ દરમિયાન ત્યાં અનાધિકૃત કૉલોની વસી ગઈ.
હવે સરકારે હંસ એન્ક્લેવને કાયદેસર કરવા વિચારણા હાથ ધરી છે. વક્ફને આશા છે કે આવું થયા બાદ મસ્જિદ બનવાનું કામ શરૂ થઈ શકશે પણ તેમાં વર્ષો લાગી શકે છે.

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES
સંપદા અધિકારી જમાલુદ્દીને વહીવટીતંત્રને કહ્યું છે, "જો આ મસ્જિદોને વહીવટીતંત્ર ગેરકાયદેસર કબજાથી મુક્ત કરાવી દે છે અને પોલીસ સંરક્ષણ આપે છે તો વક્ફ બોર્ડ તેનું સમારકામ કરાવી પોતાના ખર્ચે ઇમામોની તહેનાતી કરવા તૈયાર છે કે જેથી ત્યાં નમાઝ પઢી શકાય."
જમાલુદ્દીન કહે છે કે આવું થશે તો સાર્વજનિક સ્થળે નમાઝ પઢવાની સમસ્યાનો મહદંશે ઉકેલ આવી જશે.

'ખુલ્લી જગ્યાએ કોણ નમાઝ પઢવા માગે છે?'

વ્યવસાયે અકાઉન્ટન્ટ અને મુસ્લિમ સંગઠન ઇન્ડિયા ઇસ્લામિક રિસર્ચ સેન્ટરના સભ્ય મોહમ્મદ અરશાન કહે છે, "કોને લાગે છે કે અમે જાણી જોઇને ખુલ્લામાં નમાઝ પઢવા માગીએ છીએ?
"તમે જૂન- જૂલાઇમાં આવીને જુઓ કે તપતપતી ગરમીમાં જુમ્માની નમાઝ પઢવામાં લોકોની હાલત કેવી થાય છે અને હવે તો થોડાં દિવસોમાં રમઝાન પણ શરૂ થઈ જશે અને ગરમી ખૂબ વધી રહી છે."
અરશાન કહે છે કે મસ્જિદો માટે જમીન મળવી એટલી સહેલી નથી.
બે મુસ્લિમ ધાર્મિક સંસ્થાઓ- ઇન્ડિયા ઇસ્લામિક રિસર્ચ સેન્ટર અને મુસ્લિમ માઇનૉરિટી ટ્રસ્ટએ બે વર્ષ પહેલા હુડાની જાહેરાત બાદ મસ્જિદ માટે જમીન માટે અરજી કરી હતી, પરંતુ તે રદ થઈ ગઈ હતી.
ગુડગાંવના કમિશનર ડી. સુરેશ કહે છે કે ઘણી અરજી એ માટે રદ થઈ જાય છે કેમ કે તેઓ કેટલી શરત પૂરી કરી શકતા નથી.
જેમ કે, પૂજાસ્થળો માટે જમીન મેળવતી સંસ્થા ધાર્મિક સંગઠન હોય તે જરૂરી છે. સાથે જ તેમના જૂના ટ્રેક-રેકોર્ડને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે.

શું છે રસ્તો?

વહીવટી તંત્રએ મુસ્લિમ સમાજ પાસે એવી જ જગ્યાઓની યાદી માગી છે જ્યાં તેઓ નમાઝ પઢવા માગે છે.
આ જ મામલે તેઓ અલગ અલગ વિભાગો સાથે વાત કરવા સિવાય હિંદુ સમાજ સાથે પણ વાત કરી રહ્યા છે.
ઇસ્લામુદ્દીન કહે છે, "મુસ્લિમોએ એવી 70 નાની-મોટી જગ્યાઓની યાદી તૈયાર કરી છે, જ્યાં કોઈ પણ કોઈ પ્રકારની અસુવિધા થયા વગર જુમ્માની નમાઝ સાર્વજનિક સ્થળ પર પઢી શકશે."
રમઝાનને બસ થોડા દિવસો બાકી છે. જે દરમિયાન નમાઝીઓની સંખ્યા સામાન્ય દિવસો કરતા વધારે હોય છે.
કેટલાક લોકો મામલા અંગે નિવેડો લાવવા માટે કૉર્પોરેટ સોશિયલ રિસ્પૉન્સિબિલિટીની વાત પણ કરી રહ્યા છે.
કહેવાય છે કે ગુડગાંવમાં આ પ્રકારના વિવાદથી દુનિયામાં ખરાબ મેસેજ જઈ રહ્યો છે જેની અસર ઉદ્યોગ-ધંધા પર પણ પડશે.

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES
ભારતના 'મિલેનિયમ સિટી' તરીકે ઓળખાતા ગુડગાંવમાં ફૉર્ચ્યુન 500 કંપનીઓમાંથી 250ની ઑફિસ છે અને તેની મેડિકલ સુવિધાના એક મોટા કેન્દ્ર તરીકે પ્રગતિ થઈ છે.
ગુડગાંવમાં રહેતાં ફેશન ડિઝાઇનર સિમી ચાવલાની સલાહ છે કે કંપનીઓએ પોતે જ એ વ્યવસ્થા કરવી જોઈએ કે તેના મુસ્લિમ કર્મચારીઓ પરિસરમાં જ જુમ્માની નમાઝ પઢી શકે.
સિમી ચાવલા કહે છે, "મેં આ સલાહ મારા કારીગરોને આપી છે અને તેઓ તેના માટે તૈયાર છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















