ઝારખંડ: સોળ વર્ષની સગીરા પર સામૂહિક બળાત્કાર, પછી જીવતી સળગાવી

ઇમેજ સ્રોત, Ravi Prakash/BBC
- લેેખક, રવિ પ્રકાશ
- પદ, ચતરાથી બીબીસી સંવાદદાતા
ઝારખંડના ચતરા જિલ્લાના રાજાકેંદુઆ ગામમાં ગેંગ રેપ બાદ એક સોળ વર્ષની સગીરાને જીવતી સળગાવવાનો મામલો સામે આવ્યો છે.
પોલીસે આ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી દીધી છે.
આ મામલામાં પંચાયતના પ્રમુખ અને અન્ય 13 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.
ઇટખોરી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પછી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(એસઆઈટી) આ કેસની તપાસ કરી રહી છે.


ઇમેજ સ્રોત, Ravi Prakash/BBC
ઝારખંડ પોલીસના આઈજી શંભૂ ઠાકુરે ધરપકડની પુષ્ટી કરી છે.
એમણે બીબીસીને કહ્યું કે સગીરાને જીવતી સળગાવનાર આરોપી હજારીબાગ, ચૌપારણથી પકડાઈ ગયો છે.
તેમણે કહ્યું, ''ત્રણ લોકો આ કેસમાં હજી પણ ફરાર છે. એમની શોધ ચાલુ છે. એમને પણ ઝડપથી પકડી લેવામાં આવશે.''
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
''આ મામલે સ્પીડ ટ્રાયલ કરવામાં આવશે. પીડિતાના પરિવારને સુરક્ષા પૂરી પાડવામાં આવી છે.''

ઘટના

ઇમેજ સ્રોત, Ravi Prakash/BBC
આ ઘટના ત્યારે ઘટી જ્યારે સગીરા બાજુનાં ગામમાં તેમના સંબંધીના ઘરે ગઈ હતી.
રાત્રે સગીરાના કથિત પ્રેમીએ તેનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેના મિત્રો સાથે મળીને સગીરા સાથે દુષ્કર્મ કર્યું અને કોઈને આ વાત ન કહેવા માટે ધમકી આપી.
પરંતુ સગીરાએ ઘરે આવીને આખી ઘટના તેમની માતાને કહી દીધી હતી.
ચતરાના એસપી અખિલેશ વરિયરે બીબીસીને કહ્યું, ''શુક્રવારે આ મામલે રાજાકેંદુઆ ગામમાં પંચાયત બેઠી હતી.''
''આ દરમિયાન પંચાયતના પ્રમુખ અને બીજા લોકોએ યુવકને 50 હજાર રૂપિયાનો દંડ, બધાની સામે કાન પકડીને ઉઠક-બેઠક કરવાનો અને માફી માંગવાનો આદેશ કર્યો હતો.''
''છોકરાને આ સજા મંજૂર નહોતી. તે ભરી પંચાયતની વચ્ચેથી ઉઠ્યો અને સગીરાના ઘરમાં ઘૂસી ગયો. બધાની સામે જ તેના પર કેરોસિન છાંટી તેને સળગાવી દીધી.''
સગીરાનાં મૃત્યુ બાદ 20 લોકોની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. 10 અજાણ્યા લોકોની વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ ઘટનાની તપાસ એસઆઈટી કરી રહી છે. છોકરા અને છોકરીનો પરિવાર એ જ વિસ્તારમાં રહેતો હોવાથી પોલીસ તરફથી વિશેષ સતર્કતા રાખવામાં આવી રહી છે.


ઇમેજ સ્રોત, Ravi Prakash/BBC
સગીરાના પિતાએ બીબીસીને કહ્યું, "અમે લોકો બાજુનાં બનથુ ગામમાં ગયા હતા. ત્યાં મારી પિતરાઈ બહેનનાં લગ્ન હતાં."
"ગુરુવારની રાત્રે લગભગ આઠ વાગ્યાની આસપાસ મારા જ ગામના એક યુવકે તેમના મિત્રો સાથે મળીને મારી દીકરીનું અપહરણ કરી લીધું. તેઓ બાઇક પર મારી દીકરીને બળજબરીથી જંગલ તરફ લઈ જવા લાગ્યા ત્યારે મારા ભત્રીજાએ તેમને જોઈ લીધા હતા."
"તેમના પાસે બે બાઇક હતી. અમે ત્યારે જ મારી દીકરીને શોધવાનું શરૂ કર્યું પરંતુ કોઈ ભાળ મળી નહીં. રાત્રે 11 વાગ્યે તે રડતી રડતી પરત ફરી અને તેમની માતાને બધી વાતો કહી ત્યારે અમને ખબર ઘટનાની જાણ થઈ."
શુક્રવારના બપોરે આ મામલે મળેલી પંચાયતમાં સગીરાના માતાએ તે યુવકને આ સગીરા સાથે લગ્ન કરી લેવા કહ્યું હતું.
તેમણે બીબીસીને જણાવ્યું કે તેમના આ પ્રસ્તાવથી યુવક તરફથી આવેલા લોકોએ ઝઘડો શરૂ કરી દીધો. પંચાયતમાં અમારા સાથે મારપીટ થવા લાગી અને લગ્ન કરવાથી ઇનકાર કરી દીધો.
અહીં, પાકુડ જિલ્લામાં પણ એક સગીરા સાથે દુષ્કર્મ બાદ તેને જીવતી સળગાવી દેવાના એક કેસમાં ઝારખંડ પોલીસ તપાસ કરી રહી છે.
આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને પીડિતાને પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાની એક હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















