12 વર્ષ સુધીના બાળકો સાથે દુષ્કર્મ કેસમાં મોતની સજાને મળી કેબિનેટની મંજૂરી

કેંદ્રીય કેબિનેટે બાળકો સાથે દુષ્કર્મ કેસના અપરાધીયોને ફાંસીની સજા આપવા માટેના વટહુકમને મંજૂરી આપી દીધી છે.

વટહુકમમાં 12 વર્ષ સુધીના બાળકો સાથે દુષ્કર્મમાં દોષીઓને મોતની સજા થઈ શકશે.

હવે કોર્ટ આવા મામલાઓમાં દોષીઓને મોતની સજા ફટકારી શકશે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આ માટેના કાયદામાં સુધારો લાવવા માટેના આ વટહુકમ દ્વારા ભારતીય દંડ સંહિતા, પુરાવાનો કાયદો, અપરાધિક પ્રક્રિયા સંહિતા અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યૂઅલ ઓફેન્સીસ (પોક્સો) કાયદામાં નવી કલમો ઉમેરવામાં આવશે. જેથી 12 વર્ષની નાની ઉંમરના બાળકો સાથે થયેલા જાતીય અપરાધોમાં મોતની સજા પણ કરી શકાય.

તમે આ વાંચ્યું કે નહીં?

હાલમાં જમ્મુ કાશ્મીરના કઠુઆમાં 8 વર્ષની એક બાળકી અને ગુજરાતના સુરતમાં નવ વર્ષની એક બાળકી સાથે દુષ્કર્મ બાદ એમની હત્યા કરી દેવામાં આવી હતી.

ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં પણ એક યુવતી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો.

આ બધી ઘટનાઓ વિરુદ્ધ દેશભરમાં વિરોધ પ્રદર્શન થયા હતા. પોક્સો કાયદામાં કડક સજાની માંગ ઉગ્ર બની હતી.

લગભગ એક અઠવાડિયા પહેલા કેંદ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ કહ્યું હતુ કે સરકાર જાતીય શોષણ સામેના બાળકોને રક્ષણ આપતા કાયદામાં સુધારો લાવશે.

આ વટહુકમને હવે રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો