કઠુઆ-ઉન્નાવ રેપ કેસ વિશે વડાપ્રધાન મોદીએ મૌન તોડ્યું

ઇમેજ સ્રોત, TWITTER/@PIB_INDIA
ઉન્નાવ અને કઠુઆમાં દુષ્કર્મની ઘટનાઓ સંબંધે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૌન તોડ્યું છે. બંને ઘટનાને શરમજનક ગણાવતાં મોદીએ કહ્યું કે ગુનેગારોને કડક સજા અપાવવામાં ભારત સરકાર કોઈ કચાશ નહીં રાખે.
જોકે બંને કેસો સંદર્ભે ભાજપ સામે ઉઠી રહેલા સવાલો પર તેમણે કશું કહ્યું ન હતું.
બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મ જયંતીના એક દિવસ અગાઉ શુક્રવારે નવી દિલ્હીમાં ડૉ. આંબેડકર નેશનલ મેમોરિયલ ખાતે મોદીએ આ વાત કહી હતી.
મોદીએ કહ્યું, "ગત બે દિવસ દરમિયાન જે ઘટનાઓ બની તે કોઈ સભ્ય સમાજને છાજે તેવી ન હતી.
"સમાજ અને દેશ તરીકે એ આપણા માટે શરમજનક છે. દેશના કોઈપણ રાજ્ય કે વિસ્તારમાં બનતી આવી ઘટનાઓ, માનવીય સંવેદનાઓને હચમચાવી દે છે.
"હું દેશને વિશ્વાસ અપાવવા માંગુ છું કે કોઈ અપરાધી નહીં બચે. ન્યાય થશે અને પૂર્ણપણે થશે. આપણી દીકરીઓને ન્યાય મળશે જ."

ઇમેજ સ્રોત, FACEBOOK/IKULDEEPSENGAR
મોદીએ ઉમેર્યું, "સમાજની આ આંતરિક બૂરાઈને સમાપ્ત કરવા માટે આપણે મળીને જ કામ કરવાનું છે.
"આપને યાદ હશે કે 2014માં વડાપ્રધાન બન્યો પછી પહેલું ભાષણ લાલ કિલ્લા પરથી આપ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"જેમાં મેં કહ્યું હતું, 'છોકરી મોડેથી આવે તો આપણે તેમને પૂછીએ છીએ કે કેમ મોડી આવી? ક્યાં ગઈ હતી?'
"મેં એમ પણ કહ્યું હતું, 'હું માતા-પિતાને કહેવા માગું છું કે તમારા દીકરાઓને પણ પૂછો કે ક્યાં ગયો હતો? શા માટે રાત્રે મોડેથી આવ્યો?'
"માતાઓ તથા બહેનો પર જે અત્યાચાર કરે છે તે કોઈ માતાનો જ દીકરો હોય છે. એટલે સમાજ સંવેદનશીલ બને તે આપણા બધાની ફરજ છે.
"આપણે મળીને સમાજની બૂરાઈઓ સામે લડવાનું છે. ગુનેગારોને કડકમાં કડક સજા થાય તે આપણા બધાની જવાબદારી છે.
"હું દેશવાસીઓને ખાતરી અપાવવા માગું છું કે, ભારત સરકાર આ જવાબદારીને નિભાવવામાં કોઈ કચાશ નહીં રાખે."

J&Kના પ્રધાનોના રાજીનામા

ઇમેજ સ્રોત, Getty Images
જમ્મુ અને કાશ્મીરના વન મંત્રી લાલસિંહ તથા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી ચંદ્ર પ્રકાશ ગંગાએ રાજ્ય ભાજપના અધ્યક્ષ સતપાલ શર્માને તેમના રાજીનામા મોકલી આપ્યા છે.
જમ્મુ અને કાશ્મીર ભાજપના વરિષ્ઠ પ્રવક્તા બ્રિગેડિયર અનિલ ગુપ્તાના કહેવા પ્રમાણે, ''તેમના નામે વિપક્ષના દ્વારા ભાજપ પર પ્રહાર કરવામાં આવતા હતા.
''એટલે પાર્ટીના વફાદાર સૈનિકોની જેમ તેમણે રાજીનામા ધરી દીધા છે.''
બીજી બાજુ, પાર્ટીના મહાસચિવ રામ માધવ શનિવારે સવારે જમ્મુ પહોંચે તેવી શક્યતા છે.
તેઓ પાર્ટીના નેતાઓ તથા ધારાસભ્યોની સાથે મુલાકાત કરશે અને રાજ્યની વર્તમાન રાજકીય સ્થિતિની સમીક્ષા કરશે.
બીજી બાજુ, જમ્મુ અને કાશ્મીરના મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીએ પણ પીડીપી (પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી)ના ધારાસભ્યોની બેઠક બોલાવી છે.
મુફ્તી પણ આગામી કઠુઆ રેપ કેસ બાદ ઊભી થયેલી સ્થિતિ અંગે ચર્ચા કરવાના છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














