'ઉપવાસ' પર મોદી પણ દુનિયાના સૌથી લાંબા ઉપવાસ કોના?

પોટ્ટિ, ગાંધી અને જતિન દાસ

ઇમેજ સ્રોત, GETTY IMAGES/POTTISRIRAMULUMEMORIAL/FACEBOOK

હાલ જ કોંગ્રેસ તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે દલિતો પર થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ અવાજ ઊઠાવવા માટે રાહુલ ગાંધી રાજઘાટ પર એક દિવસનો ઉપવાસ કરશે.

પરંતુ જે દિવસે ઉપવાસનો સમય આવ્યો, રાહુલના ઉપવાસ કરતા વધારે કોંગ્રેસના નેતાઓના છોલે-ભટૂરેની ચર્ચા કરી હતી.

ત્યારબાદ વારો હતો ભાજપનો. જાહેરાત કરવામાં આવી કે 12 એપ્રિલના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના બધાં સાંસદ એક દિવસ ઉપવાસ કરશે.

કારણ? સંસદના બજેટ સત્રનો બીજો ભાગ સંપૂર્ણપણે હોબાળાની ભેટ ચઢી ગયો હતો, એ માટે. અને ભાજપે કોંગ્રેસની ભૂલથી એડવાન્સમાં બોધપાઠ પણ લીધો.

તમે આ વાંચ્યું કે નહીં?

ભાજપના દિલ્હી એકમના સાંસદોએ પોતાના કાર્યકર્તાઓને ગુરૂવારના રોજ ઉપવાસ શરૂ થતા પહેલા કેટલાક નિર્દેશ આપવામાં આવ્યા.

તેમાં કહેવામાં આવ્યું કે તેઓ જમતા કોઈની નજરે ન ચઢી જાય, જમતા જમતા સેલ્ફી ન લે. પોતાના વિસ્તારની નજીકથી ફૂડ વેન્ડર હટાવી દે અને જો ડાયાબિટીસના રોગી છે તો ઉપવાસ ન કરે.

આ તો વાત થઈ કેટલાંક કલાક કે પછી એક દિવસના પ્રતિક ઉપવાસની. પરંતુ ભૂતકાળમાં એવા અનશન, ઉપવાસ કે ભૂખ હડતાળ થઈ છે, જેમના વિશે વાંચીને એકવાર તો વિશ્વાસ જ નહીં થાય.

અમે વાત કરી રહ્યા છીએ ઇતિહાસમાં ચાલેલા સૌથી લાંબા અનશન અને ઉપવાસની.

line

જતિન દાસ, 63 દિવસ

જતિન દાસ

ઇમેજ સ્રોત, FACEBOOK

વર્ષ 1929માં 13 જુલાઈના રોજ લાહોરની જેલની અંદર એક એવી ભૂખ હડતાળ શરૂ થઈ હતી જેનાં પડઘા આજે પણ સાંભળાય છે.

જતિન દાસે ભારતના રાજકીય કેદીઓ સાથે પણ યૂરોપીય કેદીઓની જેમ વ્યવ્હાર કરવાની માગને લઇને ભૂખ હડતાળ શરૂ કરી હતી.

દાસની હડતાળ તોડવા માટે બ્રિટિશ જેલ અધિકારીઓએ ઘણા પ્રયત્ન કર્યા હતા.

મોઢું તેમજ નાકના રસ્તે જબરદસ્તી જમવાનું અંદર નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેમણે હાર ન માની. અંતે અંગ્રેજ સરકારે ઝૂકવું પડ્યું હતું.

પરંતુ 63 દિવસ ભૂખ્યા રહેવાના કારણે જતિન દાસની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ હતી અને ડૉક્ટરોના પ્રયાસ છતાં તેમને બચાવી શકાયા નહીં.

લાહોરથી કોલકાતા વચ્ચે તેમની અંતિમ યાત્રાની આગેવાની દુર્ગાભાભીએ કરી અને હાવડા રેલવે સ્ટેશન પર સુભાષ ચંદ્ર બોઝ તેમની અંતિમ યાત્રામાં મોખરે રહ્યા હતા.

line

પોટ્ટિ શ્રીરામુલુ, 58 દિવસ

પોટ્ટિ શ્રીરામુલુ

ઇમેજ સ્રોત, POTTISRIRAMULUMEMORIAL

પોટ્ટિ શ્રીરામુલુ ભારતીય ક્રાંતિકારી છે, જેમણે વર્ષ 1952માં 58 દિવસ ભૂખ હડતાલ બાદ અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ અલગ રાજ્યની માગ સાથે ભૂખ હડતાલ પર બેઠા હતા.

શ્રીરામુલુને અમરજીવી પણ કહેવામાં આવે છે. તેઓ પોતાને સામાજિક કાર્યકર્તા અને મજૂર ગણાવતા હતા. તેમણે મહાત્મા ગાંધી સાથે લાંબો સમય પણ વિતાવ્યો હતો.

મદ્રાસ પ્રેસિડેન્સીથી અલગ આંધ્રપ્રદેશ બનાવવાની માગને લઇને શ્રીરામુલુએ બે વખત ઉપવાસ કર્યા હતા. પહેલી વખત ઉપવાસ પાંચ દિવસ સુધી ચાલ્યા હતા અને બીજી વખત 58 દિવસ સુધી.

જતિન દાસ બાદ તેઓ એકમાત્ર બીજી વ્યક્તિ માનવામાં આવે છે કે જેમનું મૃત્યુ ઉપવાસના કારણે થયું.

મહાત્મા ગાંધીએ એક વખત તેમની માટે કહ્યું હતું, "જો મારી પાસે શ્રીરામુલુ જેવા વધુ 11 સાથી હોત તો એક વર્ષમાં જ અંગ્રેજ સરકાર પાસેથી ભારતને સ્વતંત્ર કરાવી લેતા."

line

સુંદરલાલ બહુગુણા, 74 દિવસ

સુંદરલાલ બહુગુણા

ઇમેજ સ્રોત, FACEBOOK

ઘણા વર્ષોથી ટિહરી બાંધ વિરોધી પ્રદર્શનો માટે પ્રખ્યાત રહી ચૂકેલા સુંદરલાલ બહુગુણા પોતાના સત્યાગ્રહથી ઘણી વખત સરકારો અને સંસદ માટે મુશ્કેલી ઊભી કરી ચૂક્યા છે.

તેમણે ઘણી વખત વિરોધ વ્યક્ત કરવા માટે ભાગીરથીના કિનારે ભૂખ હડતાલ કરી છે.

વર્ષ 1995માં બાંધની અસર પર સમીક્ષા સમિતિ બનાવવા સાથે જોડાયેલા તત્કાલીન વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવનું આશ્વાસન મળ્યા બાદ તેમણે 45 દિવસ સુધી ચાલેલા ઉપવાસ સમાપ્ત કર્યા હતા.

ત્યારબાદ તેમણે રાજઘાટ પર 74 દિવસ લાંબા ઉપવાસ પણ રાખ્યા.

જોકે, સુપ્રીમ કોર્ટમાં એક દાયકા કરતા પણ વધારે લાંબો કેસ ચાલ્યો અને વર્ષ 2001માં ટેહરી બાંધ પર નિર્માણ ફરી શરૂ થયું.

ત્યારબાદ 20 એપ્રિલ 2001ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

line

મહાત્મા ગાંધી

મહાત્મા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

મોહનદાસ કરમચંદ ગાંધી અહિંસા અને સત્યાગ્રહ અંતર્ગત ઘણી વખત ઉપવાસ કરતા હતા.

તેમણે પોતાના જીવનકાળ દરમિયાન આશરે 15 વખત ઉપવાસ કર્યા હતા, જેમાંથી ત્રણ વખત તેની અવધિ 21 દિવસ રહી હતી.

પહેલી વખત 21 દિવસનો ઉપવાસ તેમણે હિંદુ-મુસ્લિમ એકતા માટે કર્યો હતો જે દિલ્હીમાં વર્ષ 1924માં 18 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી ચાલ્યો હતો. અને તેમણે કુરાન-ગીતા સાંભળતા ઉપવાસ સમાપ્ત કર્યા હતા.

21 દિવસનો બીજો ઉપવાસ વર્ષ 1933માં 8 મેથી 29 મે વચ્ચે થયો હતો જે છૂત-અછૂતના વિરોધમાં કરવામાં આવ્યો હતો.

અને 21 દિવસનો ત્રીજો ઉપવાસ તેમણે વર્ષ 1943માં 12 ફેબ્રુઆરીથી 4 માર્ચ વચ્ચે કર્યો હતો જેનો ઉદ્દેશ સાંપ્રદાયિક હિંસા રોકવાનો હતો.

line

ઇરોમ ચાનૂ શર્મિલા, 16 વર્ષ

ઇરોમ શર્મિલા

ઇમેજ સ્રોત, CHITRA AHANTHEM

ઇરોમ શર્મિલાને આયરન લેડી કે મેંગુઓબી પણ કહેવામાં આવે છે. મણિપુરનાં નાગરિક અધિકાર કાર્યકર્તા ઇરોમે AFSPA હટાવવાની માગને લઇને વર્ષ 2000માં 5 નવેમ્બરના રોજ ભૂખ હડતાલ શરૂ કરી હતી અને 16 વર્ષ બાદ 2016માં 9 ઓગસ્ટના રોજ આ હડતાલ પૂર્ણ થઈ હતી.

500 કરતા વધારે અઠવાડિયા સુધી ખાધા-પીધા વગર રહેનારા ઇરોમને લોકો દુનિયાની સૌથી લાંબી ભૂખ હડતાલ માટે ઓળખવામાં આવે છે.

જોકે, આ દરમિયાન કોર્ટના આદેશ પર ઇરોમને પાઇપની મદદથી નાક દ્વારા આવશ્યક તત્વ આપવામાં આવતા હતા.

ઇરોમે ત્યારબાદ ભૂખ હડતાલ પૂર્ણ કરી રાજકારણમાં આવવાનો નિર્ણય લીધો હતો, જેની ભારે ટીકા પણ થઈ હતી.

તેમણે કહ્યું હતું, "હું રાજકારણમાં જઈશ અને મારી લડાઈ ચાલુ રાખીશ."

આ એ લોકો છે કે જેઓ આપણા દેશના છે, પરંતુ દેશની બહાર પણ કેટલાક એવા લોકો જોવા મળ્યા છે. જેમણે ઘણા દિવસ ભૂખ્યા રહીને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.

line

બૉબી સૈંડ્સ, 66 દિવસ

બૉબી સૈંડ્સ

ઇમેજ સ્રોત, BOBBYSANDSTRUST.COM

બૉબી જેરાર્ડ સૈંડ્સ પ્રોવિઝનલ આઇરિશ રિપબ્લિકન આર્મીના સભ્ય હતા જેમણે ભૂખ હડતાલ કરતા પોતાનો જીવ ગુમાવી દીધો હતો.

તેમની આગેવાનીમાં વર્ષ 1981માં ઉપવાસ કરવામાં આવ્યા હતા અને વિરોધ હતો સ્પેશિયલ કેટેગરીનો દરજ્જો હટાવવાનો.

ભૂખ હડતાલના કારણે તે અને અન્ય નવ લોકો મૃત્યુ પામ્યા હતા. જેથી આ મુદ્દો સમગ્ર દુનિયામાં છવાઈ ગયો હતો.

કેટલાક લોકોએ તેના વખાણ કર્યા તો કેટલાક લોકોએ તેની ટીકા કરી.

તેઓ 27 વર્ષના હતા જ્યારે ભૂખ હડતાલના 66 દિવસ બાદ જેલ હૉસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું.

તેમના નિધનની ઘોષણા બાદ નોર્થર્ન આયરલેન્ડમાં મોટાપાયે વિરોધ પ્રદર્શન થયા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો