કુંવારી યુવતિ અચાનક બે બાળકીની મમ્મી કેવી રીતે બની?

વીડિયો કૅપ્શન, ‘મને ખબર ન હતી કે બે બાળકીઓની 'મમ્મી' બનીને સાંજે ઘરે પાછી ફરીશ’
    • લેેખક, સિન્ધુવાસિની
    • પદ, બીબીસી સંવાદદાતા

"એ સવારે રોજની માફક હું કામ પર જવા નીકળી ત્યારે મને ખબર ન હતી કે બે બાળકીઓની 'મમ્મી' બનીને સાંજે ઘરે પાછી ફરીશ.

"એ રવિવારની સવાર હતી તેથી હોસ્પિટલ જવાની ઉતાવળ ન હતી. હું ઘરનાં કામ આરામથી પતાવી રહી હતી, ત્યારે ફોન આવ્યો હતો કે એક ઇમરજન્સી કેસ આવ્યો છે.

"તપાસ કરતાં ખબર પડી કે એક મહિલાની સુવાવડ કરાવવી જરૂરી હતી, કારણ કે તેની હાલત ઘણી નાજુક હતી.

"હું તત્કાળ હોસ્પિટલ પહોંચી અને એ મહિલાની સુવાવડ કરાવી હતી. મહિલાએ બે બાળકીઓને જન્મ આપ્યો હતો.

"હું ગ્લવ્ઝ ઊતારીને હાથ ધોઈ રહી હતી, ત્યાં કોઈએ આવીને જણાવ્યું કે મહિલા એ બાળકીઓને સ્વીકારવાનો ઇન્કાર કરી રહી છે.

"મેં સવાલ કર્યો તો તેમણે જણાવ્યું કે જેની સુવાવડ કરવામાં આવી છે એ મહિલા વિધવા છે અને બે બાળકીઓની મમ્મી તો છે જ.

"મહિલાનું કહેવું હતું કે ચાર-ચાર બાળકીઓને એકલાહાથે ઉછેરવાનું તેના માટે શક્ય નથી. લોકોએ મહિલાને સમજાવવાના બહુ પ્રયાસ કર્યા પણ મહિલાએ તેમની વાત માની ન હતી."

line

બાળકીઓનું શું થશે?

બન્ને બાળકીઓ

"અમે વિચારવા લાગ્યાં હતાં કે આ બાળકીઓનું હવે શું થશે? બધા એકમેકની સામે જોઈ રહ્યા હતા ત્યારે જ મેં કહી દીધું હતું કે એ બન્નેને હું દત્તક લઇશ.

"મેં લાંબું વિચાર્યું ન હતું. વિચારવાનો સમય જ ન હતો. જોડકી બાળકીઓ પૈકીની મોટી બાળકીની હાલત બગડી રહી હતી. તેના પર ધ્યાન આપવું જરૂરી હતું.

"અમે તેમની મમ્મી પાસે સોગંદનામા પર સહી કરાવી અને બાળકીઓને મેં દત્તક લઈ લીધી."

ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદ જેવા નાના ગામમાં એક કુંવારી છોકરીએ બે જોડકી બાળકીઓને દત્તક લીધી હતી.

હોસ્પિટલે કોમલને આવું કરવાની ના પાડી હતી, પણ કોમલે નિર્ણય કરી લીધો હતો.

ક્યારે બની ઘટના?

કોમલ

આ અંદાજે બે વર્ષ પહેલાંની વાત, જ્યારે કોમલને નવીસવી નોકરી મળી હતી.

ઉત્તર પ્રદેશના બુલંદશહરના એક સાધારણ પરિવારમાં જન્મેલાં-ઉછરેલાં કોમલ એ સમયે રિલેશનશીપ અને લગ્ન બાબતે વિચારતાં ન હતાં.

કોમલને કામ સિવાય બીજું કશું સૂઝતું ન હતું.

પોતે અચાનક બે બાળકીઓની મમ્મી બની જશે એવું કોમલ જાણતાં ન હતાં, પણ એ ઉત્સાહપૂર્વક તેમની આ કથા સંભળાવી રહ્યાં હતાં.

થોડી પળોમાં ભાવુક થઈને કોમલે બન્ને નવજાત બાળકીઓને દત્તક તો લઈ લીધી, પણ આગળનો રસ્તો આસાન ન હતો.

કોમલનાં મમ્મી-પપ્પાને ખબર પડી ત્યારે તેઓ બહુ ગુસ્સે થયાં હતાં.

પપ્પાએ તો સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે હવે કોમલ સાથે તેમને કોઈ સંબંધ નથી.

કોમલે પણ બેધડક જણાવી દીધું હતું કે ભલે ગમે તે થાય, એ બાળકીઓને છોડશે નહીં.

હિમાચલમાં નવું પ્રકરણ

બન્ને બાળકીઓ

એ દરમ્યાન કોમલની ટ્રાન્સફર હિમાચલ પ્રદેશના હમીરપુરમાં થઈ ગઈ હતી. બન્ને બાળકીઓને લઈને કોમલ ત્યાં ચાલ્યાં ગયાં હતાં.

હમીરપુરમાં એક રૂમ ભાડે રાખી. તેમનાં નાની બહેન થોડા દિવસ ત્યાં આવીને કોમલની સાથે રહ્યાં હતાં. એ પછી કોમલે એકલાહાથે બન્ને બાળકીઓનો ઉછેર કર્યો હતો.

કોમલની બહેન બાળકીઓને 'કાજુ' અને 'કિશમિશ' નામે બોલાવતાં હતાં. પછી બાળકીઓનાં નામ 'રીત' અને 'રીધમ' રાખવામાં આવ્યાં હતાં.

લોકો અપ્રત્યક્ષ રીતે પૂછતા હતા કે 'બાળકીઓ કોની છે?'

કોમલ કહે છે, "કોઈ સીધો સવાલ કરતું ન હતું. લોકો એમ પૂછતા હતા કે 'તમારા પતિ ક્યાં છે?', 'શું કામ કરે છે?'

હું તેમને સ્પષ્ટ જણાવતી હતી, ''મારાં લગ્ન નથી થયાં. મેં બાળકીઓને દત્તક લીધી છે."

કોમલના મકાનમાલિક પણ પ્રારંભે કાજુ અને કિશમિશ બાબતે સહજ ન હતા, પણ સમય જતાં બાળકીઓને સ્નેહ કરવા લાગ્યા હતા.

એ સમય દરમ્યાન કોમલનાં મમ્મી તો માની ગયાં હતાં, પણ પપ્પાનો ગુસ્સો ઠંડો પડ્યો ન હતો.

નસીબનો અલગ પ્લાન

પતિ રાહુલ સાથે કોમલ

ઇમેજ સ્રોત, KOMAL PARASHAR/FACEBOOK

ઇમેજ કૅપ્શન, પતિ રાહુલ સાથે કોમલ

કોમલના પરિવાર અને સગાંઓએ કોમલના લગ્નની આશા છોડી દીધી હતી.

કોમલ પોતે બન્ને બાળકીઓને ઉછેરવામાં એટલાં વ્યસ્ત હતાં કે બીજું કંઈ વિચારવાનો સમય જ ન હતો.

બીજી તરફ કોમલનું નસીબ કોઈ અલગ જ પ્લાન બનાવી રહ્યું હતું.

હમીરપુરમાં કોમલની મુલાકાત રાહુલ પરાશર સાથે થઈ હતી. ટિમ્બરનો બિઝનેસ કરતા રાહુલ અને કોમલ એક જ બિલ્ડિંગમાં રહેતાં હતાં.

બન્ને વચ્ચે વાતચીતથી શરૂ થયેલો સંબંધ ગાઢ દોસ્તીમાં પરિણમ્યો હતો.

કોમલ કહે છે, "અમારી વચ્ચે પ્રેમ જેવું તો કંઈ ન હતું, પણ તેમણે મારી સાથે પરણવાની દરખાસ્ત મૂકી હતી.

બન્ને બાળકીઓ સાથે કોમલ

"મેં લગ્ન માટે હા તો કહી દીધી, પણ એક શરત મૂકી હતી કે લગ્ન પછી પણ કાજુ તથા કિશમિશ મારી સાથે રહેશે અને હું કોઈ બાળકને જન્મ નહીં આપું."

રાહુલ અને તેમનો પરિવાર આ માટે આસાનીથી તૈયાર થઈ ગયો હતો એવું નથી. અનેક અડચણો આવી. તમામ પ્રકારના સવાલ-જવાબ થયા.

વહુ બબ્બે દીકરીઓને લઈને સાસરે આવશે એ વિચારીને રાહુલનાં મમ્મી ગભરાતાં હતાં.

જોકે, આખરે બધું સેટલ થઈ ગયું હતું અને રાહુલ તથા કોમલના લગ્ન થયાં હતાં.

હાલ કોમલ ચંડીગઢની એક હોસ્પિટલમાં કામ કરે છે અને પોતાના પતિ તથા બે બાળકીઓ સાથે રહે છે.

તેમનાં લગ્નને એક વર્ષ થઈ ગયું છે અને કાજુ તથા કિશમિશ પણ એક વર્ષનાં થઈ ગયાં છે.

line

બધા કરે છે કાજુ-કિશમિશને પ્રેમ

બન્ને બાળકીઓ

કોમલ સ્મિત વેરતાં કહે છે, "કાજુ અને કિશમિશ રાહુલની વધારે નજીક છે. રાહુલ પણ તેમને બહુ પ્રેમ કરે છે. મારા માટે કાજુ અને કિશમિશ કેટલી મહત્વની છે એ રાહુલ સમજે છે."

"રાહુલ એમ પૂછીને હંમેશા મારી મજાક કરે છે કે હું તેમને ઓછો પ્રેમ કરું છું. હું પણ હસીને હા કહું છું."

કોમલનાં સાસુ-સાસરા તેમને એક બાળકને જન્મ આપવા કહે છે, પણ કોમલ દર વખતે ઇન્કાર કરે છે.

કોમલ માને છે કે કાજુ અને કિશમિશ જ તેમનાં માટે સર્વસ્વ છે.

કોમલે શરૂઆતમાં બન્ને બાળકીઓને જન્મ આપનારી માતાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ સંપર્ક થઈ શક્યો ન હતો.

એ પછી કોમલે બન્ને બાળકીઓને કાયદેસર રીતે દત્તક લઈ લીધી હતી.

વાત કરતાં-કરતાં કોમલ અચાનક ભાવુક થઈ જાય છે અને કહે છે, "બાળકીઓ મોટી થઈ જશે પછી હું તેમને કહીશ કે મેં તેમને નહીં, તેમણે મને અપનાવી છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો