ભ્રષ્ટાચાર મામલે રિપોર્ટ જાહેર, શું ભારતમાં ભ્રષ્ટાચાર વધ્યો છે?

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશલ દ્વારા 2017 માટે વિશ્વના દેશોનો કરપ્શન ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો છે.

ભ્રષ્ટાચારના મામલે 183 દેશોની બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં ભારતનું સ્થાન 81મું છે. ભારત આ મામલે ગત વર્ષ કરતાં પણ બે સ્થાન પાછળ ગયું છે.

2016માં ભ્રષ્ટાચારના મામલે ભારતનું સ્થાન 79મું હતું. આ રિપોર્ટને જોતાં ભારતમાં ગત વર્ષ કરતાં ભ્રષ્ટાચાર વધ્યો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

અહેવાલ પ્રમાણે આ રિપોર્ટમાં ન્યૂઝિલૅન્ડ પ્રથમ સ્થાન પર અને ડેનમાર્ક બીજા સ્થાન પર છે. જેમને ભ્રષ્ટાચાર મુક્ત દેશો ગણાવાયા છે.

વિક્રમ કોઠારીની ધરપકડ

એનડીટીના અહેવાલ મુજબ રોટૉમેકના માલિક વિક્રમ કોઠારી અને તેમના પુત્રની ધરપકડ કરવામાં આવી છે.

રૂપિયા 3,700 કરોડ રૂપિયાની લોન ન ચૂકવવા મામલે રોટૉમેકના માલિક અને તેમના પુત્ર રાહુલ કોઠારીની સીબીઆઈએ ગુરુવારે ધરપકડ કરી હતી.

કોઠારીની સામે કેસ નોંધ્યા બાદ સીબીઆઈ તેમની છેલ્લા ચાર દિવસથી પૂછપરછ કરી રહી હતી.

ઉત્તર પ્રદેશમાં આવેલા તેમના ઘરે સીબીઆઈની ટીમે દરોડા પાડ્યા હતા. જે બાદ ગુરુવારે તેમની અને તેમના પુત્રની ધરપકડ કરવામાં આવી હતી.

અહેવાલ મુજબ આ પહેલાં વિક્રમ કોઠારીએ કંઈ પણ ખોટું કર્યાનું નકારતાં કહ્યું હતું, "હા મેં લોન લીધી હતી પરંતુ મેં પરત નથી કરી તે વાત ખોટી છે."

ગુજરાતમાં કૃષિમંત્રી જવાબ ના આપી શક્યા

દિવ્ય ભાસ્કરના અહેવાલ અનુસાર કોંગ્રેસ દ્વારા ખેડૂતોને મળતો પાક વીમો અને માછીમારોને ડીઝલમાં મળતી સબસીડી અંગે ગૃહમાં પ્રશ્ન પૂછયો હતો.

જેનો જવાબ આપવા માટે રાજ્યના કૃષિમંત્રી આર.સી. ફળદુ ઊભા થયા હતા. જોકે, કોંગ્રેસે તેમના જવાબ સામે આક્રમણ ચાલુ રાખતા તેઓ જવાબ આપી શક્યા ન હતા.

અખબારના અહેવાલ પ્રમાણે ત્યારબાદ કોંગ્રેસે ધમાલ મચાવી હતી. જેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બાજુમાં બેઠેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને જવાબ આપવા માટે ઊભા કર્યા હતા.

અખબારે તેમના અહેવાલમાં એવો પણ દાવો કર્યો છે કે ગૃહમાં વિપક્ષનું આક્રમક વલણ જોતાં મુખ્યમંત્રીએ ભાજપના ધારાસભ્યોની બેઠક પણ બોલાવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો