Budget 2018: મોદી સરકારમાં મહિલાઓ માટે 'અચ્છે દિન' હજુ સપનું?

    • લેેખક, પ્રો. નેહા શાહ
    • પદ, આર્થિક બાબતોના જાણકાર, બીબીસી ગુજરાતી માટે

આ બજેટમાં મહિલાઓ માટે શું છે તે અંગે અમદાવાદના એલ. જે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટમાં ઇકૉનૉમિક્સનાં પ્રોફેસર નેહા શાહે બીબીસી ગુજરાતીના શૈલી ભટ્ટ સાથે વાતચીત કરી.

ગુરુવારે નાણાંપ્રધાન અરૂણ જેટલીએ સામાન્ય બજેટ રજૂ કર્યું હતું.

આ બજેટને બે ભાગમાં જોઈ શકાય છે. મહિલાઓ કેન્દ્રીત સ્કીમો અને બીજી ગૃહિણીને લગતી બાબતો.

મહિલાઓને લગતી સ્કીમની વાત કરીએ તો ગેસ સબસિડી ઉજ્જવલા યોજનાના વિસ્તાર જેવી છે, જેમાં આઠ કરોડ મહિલાઓને એલપીજી (લિક્વિફાઇડ પેટ્રોલિમ ગેસ) સબસિડી આપવાની વાત છે.

જો આ ટાર્ગેટ પૂરો કરી શકાય અને આટલા બધા ઘરો સુધી પહોંચી શકે તો આ જોગવાઈ આવકારદાયક છે.

જેથી ધુમાડાને કારણે મહિલાઓનાં સ્વાસ્થ્ય પર જે અસર થાય છે, તેમાં રાહત મળી રહે. જોકે, તેનો મોટો આધાર આ કામ કઈ રીતે પૂરું કરવામાં આવશે તેના પર રહેલો છે.

સેલ્ફ હેલ્પ ગ્રૂપ

નેશનલ-રુરલ લાઇવલીહૂડ મિશનમાં બજેટ વધારીને લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગોને (Micro, Small and Medium Enterprises) લૉન વધારે મળી શકશે.

જેનાં માટે 7000 કરોડ ફાળવવામાં આવ્યા છે પણ આ વાતમાં પણ ઘણી અસ્પષ્ટતાઓ છે. આ બજેટમાં ઘણાં 'જો અને તો' છે.

રૂરલ લાઇવલીહૂડ મિશન સ્કીમ કઈ રીતે લૉન્ચ કરવામાં આવશે તેના વિશે કોઈ ચોખવટ નથી.

મહિલાઓ માટે કેવાં પ્રકારની રોજગારીની તકો ઊભી થશે તે નક્કી નથી.

સેલ્ફ-હેલ્પ ગ્રૂપ (સ્વાશ્રય જૂથો) મારફત રોજગારની જેટલી તકો ઊભી થાય છે, તેનો જળવાઈ રહેવાનો આધાર જેતે જગ્યાની કૃષિ અને ઇન્ડસ્ટ્રી વચ્ચેના સંબંધ કેવા છે, તેની માળખાકીય સુવિધા પર રહેલો હોય છે.

આથી જ, આ સેક્ટર માટે લૉન લીધા પછી પણ તેમાં ધારેલું પરિણામ મળતું નથી. અમુક રકમ જેટલી લૉન આપીને એવું ન કહી શકાય કે એટલાં જ પ્રમાણમાં રોજગારી પણ મળશે.

ઈપીઍફ

આ બજેટમાં ઍમ્પ્લૉયઝ પ્રોવિડન્ટ ફંડ (ઈપીઍફ)માં મહિલાઓ હવે પહેલા ત્રણ વર્ષ માટે માત્ર આઠ ટકા જ ફાળો આપવાની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે.

જ્યારે ઍમ્પલૉયર અગાઉની જોગવાઈ મુજબ જ 12 ટકાનો ફાળો આપશે.

આ જોગવાઈનો હેતુ જેથી ફોર્મલ સેક્ટરમાં વધુ ને વધુ મહિલાઓ જોડાય તે માટેનો છે. આ મુદ્દો પણ અસ્પષ્ટ છે.

મહિલાઓનું ઈપીએફમાં ઓછું યોગદાન તેમને 'મદદ' કરી એમ કઈ રીતે કહી શકાય? આમ કરીને તમે મહિલાઓની બચત ક્ષમતા ઘટાડી રહ્યા છો.

અહીં એક દલીલ એવી હોઈ શકે કે ઈપીએફમાં પ્રદાન પછી મહિલાઓને જે પગાર મળે છે તે ઓછો હોય છે.

જે તેને નથી પોસાતું, આથી તે ઇન્ફૉર્મલ સેક્ટરમાં જવાનું પસંદ કરે છે, પણ આ દલીલમાં તથ્ય ઓછું લાગે છે.

કોઈ પણ મહિલાની બચત વધતી હોય તો પણ તે જગ્યાએ જવાનું પસંદ ન કરે એમ સરળતાથી માન્યામાં ન આવે.

મહિલાઓને ફૉર્મલ સેક્ટર (સંગઠીત ક્ષેત્ર)માં નોકરી આપવી કે નહી તેનો મોટો આધાર ઍમ્પ્લૉયર પર રહે છે.

આ જોગવાઈમાં પણ ઈપીએફ માટે ઍમ્પલૉયર તરફથી પણ ઈપીએફનું યોગદાન ઘટાડવામાં આવે તે યોગ્ય નથી.

મહિલાઓની કાર્યક્ષમતા ઓછી હોય છે, જેવા પૂર્વગ્રહો સામે પણ મહિલાઓએ ઝઝુમવું પડે છે.

ઈપીએફ ઓછું કરવાથી અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતી મહિલાઓ કેટલી હદે સંગઠીત ક્ષેત્રમાં આવવા તૈયાર થશે (કે આવી શકશે) તે સ્પષ્ટ રીતે ન કહી શકાય.

જીએસટી અંગે કોઈ પણ વાત આ બજેટમાં કરવામાં આવી નથી, જેથી વસ્તુઓના ભાવમાં પણ કોઈ ફેરફાર નહિ થાય અને ગૃહિણીનાં ઘરનાં બજેટ પર અસર પડશે.

મધ્યમ વર્ગ માટે આ મોટી વાત છે. આવકમાંથી જે ખર્ચ માટેના નાણામાં કોઈ મોટો ઘટાડો નહી થાય.

પૈસા જેટલા ઇકૉનૉમીમાં ફરતાં રહે એટલાં વસ્તુઓના ભાવ સ્થિર રહે અને મોંઘવારી કાબૂમાં રહે, પણ જીએસટીનાં કારણે ભાવો વધ્યાં છે અને ખરીદશક્તિ પર પણ અસર પડી છે.

આ બજેટમાં જીએસટીને રિવાઇઝ્ડ કરવામાં આવ્યો નથી, જેથી આ સ્થિતિ યથાવત રહેશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો