You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બજેટમાં વપરાતા આ પાંચ શબ્દો વિશે તમે કેટલું જાણો છો?
- લેેખક, મેધાવી અરોરા
- પદ, બીબીસી ન્યૂઝ
નાણાંપ્રધાન અરુણ જેટલી પહેલી ફેબ્રુઆરીએ એટલે કે આવતીકાલે 2018-19 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે.
આ વખતના બજેટને વધારે કાળજીપૂર્વક નિહાળવામાં આવશે, કારણ કે 2019માં સામાન્ય ચૂંટણી યોજાશે એ પહેલાંનું વર્તમાન સરકારનું આ છેલ્લું બજેટ હશે.
ગૂડ્ઝ એન્ડ સર્વિસીસ ટેક્સ નીતિના અમલ પછીનું આ પહેલું બજેટ પણ હશે.
બજેટમાં આગામી નાણાકીય વર્ષ માટેની સરકારની આવક અને ખર્ચની માહિતી આપવામાં આવે છે એ જાણીતી વાત છે, પણ બજેટમાં વારંવાર સંભળાતા કેટલાક શબ્દોનો અર્થ બધા જાણતા નથી.
બજેટની રજૂઆત વખતે જે અનેક વખત સાંભળવા મળશે એ નાણાકીય પરિભાષાના પાંચ શબ્દોનો અર્થ જાણી લો.
1. નાણાકીય વર્ષ
ભારતમાં નાણાકીય વર્ષની શરૂઆત પહેલી એપ્રિલથી થાય છે અને 31 માર્ચે તે પુરું થાય છે.
આ વર્ષનું બજેટ 2019ના નાણાકીય વર્ષનું હશે, જે પહેલી એપ્રિલ, 2018થી 31 માર્ચ, 2019ના સમયગાળાને દર્શાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતની સરકાર કેલેન્ડર યર (જાન્યુઆરીથી ડિસેમ્બર) નાણાકીય વર્ષને બનાવવા ઈચ્છે છે. એ પરિવર્તન થાય છે કે નહીં તે જોવાનું રહેશે.
2. રાજકોષીય ખાધ
સરકારની કુલ મહેસુલી આવક કરતાં કુલ ખર્ચ વધી જાય ત્યારે રાજકોષીય ખાધ સર્જાતી હોય છે. તેમાં બોરોઇઁગ્ઝ એટલે કે સરકારે લીધેલી લોનનો સમાવેશ થતો નથી.
2017માં બજેટ રજૂ કરતી વખતે અરુણ જેટલીએ એવી જાહેરાત કરી હતી કે 2017-18ના નાણાકીય વર્ષ માટે કુલ ઘરેલુ ઉત્પાદન(જીડીપી)ના 3.2 ટકા રાજકોષીય ખાધનું લક્ષ્યાંક હાંસલ કરવાની સરકારને આશા છે.
એ લક્ષ્યાંક આગલા વર્ષના જીડીપીના 3.5 ટકા કરતાં ઓછું છે.
જોકે, વિશ્લેષકો માને છે કે સરકાર એ લક્ષ્યાંક હાંસલ નહીં કરી શકે અને રાજકોષીય ખાધ 2018-19ના નાણાકીય વર્ષમાં ઘટવાને બદલે વધી શકે છે.
આગામી નાણાકીય વર્ષ માટેનું બજેટ લોકરંજક હશે કે કેમ તેનું અનુમાન પણ કરવામાં આવી રહ્યું છે.
લોકરંજક બજેટમાં મતદારોને આકર્ષવા માટે કરમાં રાહત, મુક્તિ આપવામાં આવતી હોય છે અથવા કરમાળખામાં સુધારા કરવામાં આવતા હોય છે. તેથી સરકારના ખર્ચમાં વધારો થતો હોય છે.
3. વ્યક્તિગત આવકવેરાની મુક્તિમર્યાદા
વાર્ષિક અઢી લાખથી ઓછી આવક ધરાવતા નાગરિકોને હાલ આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવી છે.
જોકે, વ્યક્તિગત આવકવેરાની મુક્તિમર્યાદામાં વધારો કરવા સરકાર વિચારતી હોવાનું અનુમાન છે.
દાખલા તરીકે, મુક્તિમર્યાદામાં સરકાર 50,000 રૂપિયાનો વધારો કરશે તો વાર્ષિક ત્રણ લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા નાગરિકોને આવકવેરો ચૂકવવામાંથી મુક્તિ મળશે.
તેથી લાખો કરદાતાઓને રાહત થશે.
4. પ્રત્યક્ષ અને પરોક્ષ કર
પ્રત્યક્ષ કર એટલે નાગરિકો દ્વારા સરકારને સીધો ચૂકવવામાં આવતો વેરો. એ વેરો વ્યક્તિએ તેમની વ્યક્તિગત આવક સંબંધે ચૂકવવાનો હોય છે. તેને અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરી શકાતો નથી.
પ્રત્યક્ષ કરમાં ઇન્કમ ટેક્સ, વેલ્થ ટેક્સ અને કોર્પોરેટ ટેક્સનો સમાવેશ થાય છે.
પરોક્ષ કરમાં ચૂકવણીનો બોજ અન્ય વ્યક્તિ પર ટ્રાન્સફર કરી શકાય છે.
તેમાં સર્વિસ પ્રોવાઈડર કે ઉત્પાદક દ્વારા આપવામાં આવતી સેવા કે સામગ્રીના અંતિમ વપરાશકર્તા પર કર ટ્રાન્સફર કરવામાં આવે છે.
પરોક્ષ કરમાં જીએસટીનો સમાવેશ થાય છે. વેલ્યૂ એડેડ ટેક્સ, સેલ્સ ટેક્સ, સર્વિસ ટેક્સ, લક્ઝરી ટેક્સ, એન્ટરટેઈન્મેન્ટ ટેક્સ અને ઓક્ટ્રોય વગેરે જેવા વિવિધ પરોક્ષ વેરાનું સ્થાન હવે જીએસટીએ લીધું છે.
5. લૉન્ગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ
કોઈ રોકાણકારને તેણે જે શેર ખરીદ્યા હોય તેની ખરીદીની તારીખના એક વર્ષથી ઓછા સમયમાં જે લાભ થાય તેના પર વસૂલવામાં આવતા કરને શોર્ટ ટર્મ કેપિટલ ગૅઈન કહેવામાં આવે છે.
વર્તમાન વ્યવસ્થા અનુસાર, શૉર્ટ ટર્મ કેપિટલ ગૅઈન્સ ટેક્સનો દર 15 ટકા છે.
એક વર્ષથી વધુ સમય સુધી જાળવી રાખેલા શેર પર થતા કેપિટલ ગૅઈનને લૉન્ગ ટર્મ કેપિટલ ગેઈન તરીકે ઓળખવામાં આવે છે. એ કેપિટલ ગૅઈન કરમુક્ત છે.
અલબત, લૉન્ગ ટર્મ કેપિટલ ગૅઈન ટેક્સ માટેના હોલ્ડિંગ પીરિયડમાં વધારો કરવાની સરકારની યોજના હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.
તેથી કેપિટલ ગૅઈન્સમાંથી કરમુક્તિ મેળવવા માટે શેર્સ લાંબા સમય સુધી, કદાચ ત્રણેક વર્ષ સુધી જાળવી રાખવા પડશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો