પ્રેસ રિવ્યૂ: ટ્રમ્પે H-1B વિઝામાં ફેરફારની દરખાસ્ત પડતી મૂકી

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ અમેરિકાના ટ્રમ્પ વહીવટીતંત્રએ જાહેરાત કરી છે કે તે H-1B નિયમોમાં ફેરફારની દરખાસ્ત હવે આગળ નહીં ધપાવે.

આથી હવે H-1B વિઝાધારક હજારો ભારતીયોએ કે તેમના પરિવારજનોએ અમેરિકાથી ભારત પરત આવવું નહીં પડે.

નવગુજરાત સમયના અહેવાલ મુજબ યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝે (USCIS) કહ્યું છે કે વર્તમાન H-1B વિઝાધારકો માટેના સેક્શન AC-21ની કલમ 104(c)ના અર્થઘટનમાં કોઈ ફેરફાર નહીં કરે.

છ વર્ષનો સમય થઈ ગયો હશે તો પણ જે-તે કંપની તેમના કર્મચારી માટે એક વર્ષનું એક્સટેન્શન માગી શકશે.

કોંગ્રેસનું ગુજરાતમાં 'રામકિટ' વિતરણ

ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ ગુજરાત કોંગ્રેસે મંદિરોને પૂજા કિટનું વિતરણ કરવાનું નક્કી કર્યું છે.

પરેશ ધાનાણીને ટાંકીને કહેવાયું છે કે આ કિટમાં શંખ, ઝાલર અને નગારાં આપવામાં આવશે.

સંદેશના અહેવાલ મુજબ સૌરાષ્ટ્રના 148 ગામોથી આ વિતરણની શરૂઆત કરાશે.

ગામડાંઓનાં રામમંદિરોના જિર્ણોદ્ધાર માટે સમિતિ પણ રચવામાં આવશે.

'મદરેસા આતંકીઓ પેદા કરે છે'

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ઉત્તર પ્રદેશ શિયા વકફ બોર્ડના અધ્યક્ષ વસીમ રઝવીએ પીએમ મોદી અને સીએમ યોગીને પત્ર લખ્યો છે.

આ પત્રમાં તેમણે કહ્યું છે કે મદરેસામાં શિક્ષણના નામે બાળકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે.

એટલે મદરેસાઓને સામાન્ય શાળામાં ફેરવી નાખવામાં આવે.

ગુજરાત સમાચારના અહેવાલ મુજબ પત્રમાં એ પણ કહેવાયું છે કે મદરેસાઓ આંતકી પેદા કરી રહ્યા છે.

ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે આ પત્રને મદરેસાઓના અપમાન સમાન ગણાવ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો