પ્રેસ રિવ્યૂ: BCCI ક્રિકેટર્સની પત્ની કે ગર્લફ્રેન્ડની વ્યવસ્થા નહીં કરે

નવભારત ટાઇમ્સના અહેવાલ મુજબ ક્રિકેટર્સની પત્ની અને ગર્લફ્રેન્ડ માટે ભારતીય ક્રિકેટ બોર્ડ કોઈ વ્યવસ્થા નહીં કરે.

બોર્ડે માંગણી કરી હતી કે ક્રિકેટર્સની પત્ની અને ગર્લફ્રેન્ડ માટે અલગથી એક મેનેજરની નિયુક્તિ કરવામાં આવે.

હાલમાં તેમના પ્રવાસ અને હરવા-ફરવાની જવાબદારી લૉજિસ્ટિક મેનેજર પર છે.

જોકે, સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા સીઓએએ બોર્ડને કહી દીધું છે કે તેની કોઈ જરૂર નથી.

જય શાહની ફરિયાદ રદ કરવાનો HCનો ઇનકાર

સંદેશમાં પ્રકાશિત અહેવાલ મુજબ જય શાહની ફરિયાદ રદ કરવા 'ધ વાયરે' કરેલી અરજી હાઈકોર્ટે ફગાવી હતી.

આ મામલે હાઈકોર્ટે કહ્યું હતું "હાલના તબક્કે આ ફરિયાદ રદ કરવાનું યોગ્ય જણાતું નથી. ફરિયાદીને તેનો કેસ પુરવાર કરવાની તક આપવી જોઈએ."

આ સિવાય હાઈકોર્ટે ટાંક્યું કે પ્રતિષ્ઠાનું રક્ષણ એ મૂળભૂત અધિકાર છે.

દલીલો બાદ હાઇકોર્ટે ટ્રાયલ છ મહિનામાં પૂર્ણ કરવા આદેશ કર્યો હતો.

પત્રકારોની અભિવ્યક્તિની આઝાદી ન છીનવી શકાય: SC

ગુજરાત સમાચારમાં પ્રકાશિત અહેવાલ મુજબ પત્રકારો વિરુદ્ધ સરકારી એજન્સી અને રાજનેતાઓના કેસો મુદ્દે સુપ્રીમે આકરું વલણ અપનાવ્યું છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અહેવાલ ખોટા હોય તો પણ પત્રકારોની અભિવ્યક્તિની આઝાદી છીનવી ન શકાય.

આ મુદ્દે ભાજપના નેતા શત્રુઘ્ન સિંહાએ 'બનાના રિપબ્લિક'માં રહેતા હોવાનું કહીને કટાક્ષ કર્યો છે.

નવગુજરાત સમયમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે આધાર કાર્ડના ડેટા વેચાઈ રહ્યા હોવાનો અહેવાલ લખનાર રચના ખૈરાનાએ કહ્યું છે કે આ માત્ર નાનો અહેવાલ છે, હજુ ઘણું બહાર આવશે.

સાથે જ તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે યુઆઈડીએઆઈએ તેમના રિપોર્ટના આધારે થોડાં પગલાં લીધા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો