બે વર્ષ પહેલાં પઠાણકોટમાં શું થયું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અરવિંદ છાબ્રા
- પદ, ચંડીગઢ
2016ના વર્ષના પહેલા દિવસે ગુરસેવક સિંઘે છેલ્લી વખત વાત કરી હતી અને બીજા દિવસે તેમનું મૃત્યુ થયું હતું.
તેમના પરિવારના સભ્યો અસ્વસ્થ અને ઉદ્વિગ્ન છે પણ ગુરસેવક સિંઘે ''દેશ માટે જાતનું બલિદાન આપ્યું'' તેનો તેમને ગર્વ છે.
25 વર્ષના ગુરસેવક સિંઘ ગરુડ કમાન્ડોના કોર્પરલ હતા. તેમનો પરિવાર હરિયાણાના અંબાલા જિલ્લાના ગરનાલા ગામમાં રહે છે.
ગુરસેવક સિંઘના પિતા સુચા સિંઘ કહે છે, ''માણસનું મોત ઘરમાં ખાટલા પર બેઠા-બેઠા પણ થઈ શકે છે પરંતુ મારા દીકરાએ દેશ માટે પ્રાણ ન્યોછાવર કર્યાં હતાં અને તેનો મને ગર્વ છે.''
સુચા સિંઘ ભારે અવાજમાં કહે છે, ''અમે ગુરસેવક સાથે પહેલી જાન્યુઆરીએ બપોરે ત્રણેક વાગ્યે વાત કરી હતી.''
''એ વખતે તેનું પોસ્ટિંગ જલંઘર નજીકના આદમપુર બેઝ ખાતે હતું.''
''મેં તેને પૂછ્યું હતું કે ટૂંક સમયમાં ઘરે આવવાનો છે કે નહીં?''
''તેણે કહ્યું હતું કે થોડા દિવસ પછી આવીશ.''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
''બીજી જાન્યુઆરીએ અમને ગુરસેવક શહીદ થયાના સમાચાર મળ્યા હતા.''
તમને આ પણ વાંચવું ગમશે

થોડા સપ્તાહ પહેલાં થયાં હતાં લગ્ન

ઇમેજ સ્રોત, Getty Images
ગુરસેવક શહીદ થયા તેના દોઢેક મહિના પહેલાં જ તેમનાં લગ્ન થયાં હતાં.
સુચા સિંઘ કહે છે, ''એ પછી ગુરસેવકની વિધવા જસપ્રીતે એક બાળકીને જન્મ આપ્યો હતો. એ બાળકી હવે દોઢ વર્ષની થઈ ગઈ છે. અમે તેનું નામ ગુરપ્રીત રાખ્યું છે.''
સુચા સિંઘના જણાવ્યા અનુસાર ગુરસેવક અને તેનાં પત્નીએ તેમના બન્નેના નામ-ગુરસેવક અને જસપ્રીતનું સંયોજન કરીને તેમના સંતાનનું નામ પાડવાનું નક્કી કર્યું હતું.
સુચા સિંઘ અગાઉ સૈન્યમાં કામ કરી ચૂક્યા છે અને હાલ ખેતી કરે છે. તેમનો મોટો દીકરો હરદીપ પણ સૈન્યમાં અધિકારી છે.
સુચા સિંઘ કહે છે, ''ગુરસેવકની દીકરી ગુરપ્રીત હજુ તો બહુ નાની છે પણ એ તેના પિતાની માફક એર ફોર્સમાં જોડાશે તો તેની સામે મને કોઈ વાંધો નથી.''
સુચા સિંઘના જણાવ્યા અનુસાર, ''ગુરસેવકના મૃત્યુને લીધે અમે ભાંગી પડ્યાં છીએ.''
''આતંકવાદીઓને તેઓ કેટલા લોકો કે સૈનિકોની હત્યા કરે છે તેનાથી જ મતલબ હોય છે. તેઓ કોની હત્યા કરે છે તેની પરવા તેમને હોતી નથી.''

શું બન્યું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય સૈન્યના યુનિફોર્મમાં સજ્જ હુમલાખોરોનું એક જૂથ પાકિસ્તાન નજીકના ભારતની સીમા પરના પઠાણકોટ એર બેઝ પર 2016ની પહેલી જાન્યુઆરીએ ત્રાટક્યું હતું.
મીડિયાના અહેવાલો અનુસાર એ હુમલાખોરો વિશાળ એર બેઝમાં ઘૂસ્યા હોવાની ખબર બીજા દિવસે મળસકે પડી હતી.

'જૈશે મહમ્મદ જવાબદાર'

ઇમેજ સ્રોત, Getty Images
ભારતે એ હુમલા માટે પાકિસ્તાનસ્થિત ઈસ્લામી ઉગ્રવાદી સંગઠન જૈશે મહમ્મદને જવાબદાર ઠરાવ્યું હતું.
એ હુમલામાં છ બંદુકધારીઓ અને સલામતી દળના સાત જવાનોનાં મૃત્યુ થયાનું ભારત સરકારે બાદમાં જણાવ્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













