પ્રેસ રિવ્યૂઃ ઉગ્ર વિરોધના કારણે રૂપાલાએ ભાષણ ટૂંકાવ્યું

'સંદેશ'માં પ્રકાશિત અહેવાલ પ્રમાણે મહેસાણા જિલ્લાના વિસનગરમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની સભાનો ઉગ્ર વિરોધ કરાયો હતો.

વિસનગરના રેલવે સ્ટેશન સર્કલ વિસ્તારમાં 10મી ડિસેમ્બરની રાત્રે ભાજપના ચૂંટણીપ્રચાર માટે એક સભા યોજવામાં આવી હતી.

કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સભા સંબોધી રહ્યા હતા ત્યારે કેટલીક મહિલાઓએ ત્યાં ધસી આવી થાળી-વેલણ વગાડી હોબાળો કર્યો હતો.

વિરોધ વધુ ઉગ્ર બનતા રૂપાલાએ ભાષણ ટૂંકાવી સભાનું સમાપન કર્યુ હતું.

તમને આ પણ વાંચવું ગમશે

જો કે પોલીસે ઘટનાસ્થળ પર આવી મામલો થાળે પાડ્યો હતો. તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજુ ચૌધરીને આ વિરોધ પ્રદર્શન દરમિયાન પથ્થર વાગતા તેમને સારવાર માટે ખસેડાયા હતા.

બુમરાહના દાદાનો મૃતદેહ અમદાવાદમાંથી મળ્યો

'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ પ્રમાણે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી જસપ્રીત બુમરાહના દાદાનો મૃતદેહ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટમાંથી મળ્યો છે.

અમદાવાદમાં રહેતા ક્રિકેટર જસપ્રીત બુમરાહના દાદા સંતોકસિંઘ બુમરાહનો મૃતદેહ રિવરફ્રન્ટ પરના ગાંધી બ્રિજ અને દધીચિ બ્રિજ વચ્ચેના ભાગમાંથી મળી આવ્યો છે.

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે 84 વર્ષીય સંતોકસિંઘ તેમના પૌત્ર જસપ્રીતને મળવા માટે અમદાવાદ આવ્યા હતા.

સંતોકસિંઘ અમદાવાદમાં રહેતી પુત્રી રાજીન્દર કૌરના ઘરે રોકાયા હતા.

રાજીન્દર કૌરે પોલીસને આપેલી માહિતી પ્રમાણે જૂના પારિવારિક મતભેદોના કારણે સંતોકસિંઘ અને જસપ્રીતના પરિવાર વચ્ચે છેલ્લાં કેટલાંક વર્ષોથી સંબંધો નહોતા.

રાજીન્દર કૌરનું કહેવું છે કે તેઓ પૌત્ર જસપ્રીતને મળવા આવ્યા હતા પરંતુ જસપ્રીત બુમરાહના માતા દલજીત કૌરે જસપ્રીતના ફોન નંબર આપવાની કે સંપર્ક કરાવવાની ના કહી હતી.

પનામા પેપર્સ: ચિરાયુ અમીનની સંપત્તિ જપ્ત

'નવગુજરાત સમય'માં પ્રકાશિત અહેવાલ પ્રમાણે આઇપીએલના પૂર્વ ચેરમેન અને ઉદ્યોગપતિ ચિરાયુ અમીનની સંપત્તિ ઈ.ડી.(એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ)એ જપ્ત કરી છે.

પનામા પેપર્સ લીક કેસમાં તેમની કંપની કેમટેક પ્રાઇવેટ લિમિટેડના 10.35 કરોડ રૂપિયાના મ્યુચ્યુઅલ ફંડ જપ્ત કર્યા છે.

ઈ.ડી.એ આપેલાં નિવેદનમાં પ્રમાણે ચિરાયુ અમીન અને તેમના પરિવારના નામે બ્રિટનમાં કેટલીક સંપત્તિ ખરીદી હતી, જે ફેમા(ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ)નો ભંગ કરી ખરીદવામાં આવી હતી.

તેથી સરકાર તેમની દેશમાં રહેલી સંપત્તિ જપ્ત કરી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો