ઇરાકનું એલાન : IS સામેનો જંગ સમાપ્ત

ઇરાકે કટ્ટરપંથી સંગઠન આઇએસ(ઇસ્લામિક સ્ટેટ) વિરુદ્ધના યુદ્ધને સમાપ્ત કરવાની જાહેરાત કરી છે.

ઇરાકના વડાપ્રધાન હૈદર અલી આબ્દીએ બગદાદમાં એક પત્રકાર પરિષદ યોજી જાહેર કર્યું હતું કે, તેમની સેનાએ ઇરાક-સીરિયા સરહદ પર સંપૂર્ણ રીતે નિયંત્રણ મેળવી લીધું છે.

ઇરાકની જાહેરાત પહેલા રશિયા પણ આ પ્રકારની જાહેરાત કરી ચૂક્યું છે કે ઇસ્લામિક સ્ટેટ વિરુદ્ધનું તેમનું મિશન સમાપ્ત થઈ ગયું છે.

વર્ષ 2014માં આ કટ્ટરપંથી સંગઠને સીરિયા અને ઇરાકના કેટલાંક વિસ્તારોને કબજામાં લીધા હતા અને આઈએસ શાસનની જાહેરાત કરી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

જોકે, હજુ શાંતિ સ્થાપિત ન થાય ત્યાં સુધી રશિયાની સેના સીરિયાના કેટલાંક વિસ્તારોમાં રહેશે.

'કોઈ પશુને પણ એવી રીતે ન મારે'

'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'માં મોહમ્મદ અફરાઝુલના પત્ની ગુલબહારની સ્થિતિ અંગે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે. ગુલબહાર કહે છે, 'મારી દીકરી ચીસ પાડી ઊંઘમાંથી જાગી ઉઠે છે.'

રાજસ્થાનના રાજસમંદમાં મોહમ્મદ અફરાઝુલ નામના બંગાળી મજૂરની હત્યા થઈ હતી, જેનો વીડિયો વાયરલ થયો હતો.

અફરાઝુલના પત્નીનું કહેવું છે કે તેઓ જ્યારે પણ આંખ બંધ કરે છે, ત્યારે અફરાઝુલની હત્યાના દૃશ્યો તેમને દેખાય છે અને તેમની ચીસો સંભળાય છે.

અફરાઝુલની સૌથી નાની પુત્રી ઊંઘી પણ ન શકતી હોવાનું તેઓ કહી રહ્યા છે. ગુલબહાર કહે છે, "કોઈ પશુને પણ આવી રીતે નથી મારતું."

આ હત્યાના આરોપસર શંભુલાલ રેગર નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

વૉશિંગ્ટન સુંદરનો ક્રિકેટ ટીમમાં સ્થાન

'દૈનિક જાગરણ'ના અહેવાલ પ્રમાણે, ભારતીય ક્રિકેટ ટીમના ઑલરાઉન્ડર કેદાર જાધવને ઈજાના કારણે શ્રીલંકા સામેની વનડે સીરિઝમાંથી બહાર રાખવામાં આવ્યા છે.

તેમના સ્થાને 18 વર્ષીય ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદરનો સમાવેશ ભારતીય ક્રિકેટ ટીમમાં કરવામાં આવ્યો છે. જોકે, શ્રીલંકા સામેની ટી-20 સીરિઝમાં તેમની પસંદગી અગાઉ જ જાહેર કરી દેવામાં આવી હતી.

રણજી અને અંડર-19માં સારાં પ્રદર્શનના પરિણામે પસંદગીકારોએ તેમની પસંદગી વનડે ટીમ માટે પણ કરી છે. સુંદરે પહેલીવાર ભારતની વનડે ટીમમાં સ્થાન મેળવ્યું છે.

તેમણે વર્ષ 2017ના આઇ.પી.એલ.(ઇન્ડિયન પ્રીમિયર લીગ)માં પુણેની ટીમ તરફથી ભાગ લીધો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો