હેવમોર : કેમ વેચાઇ રહી છે ગુજરાતની 73 વર્ષ જૂની આઇસક્રીમ કંપની

ઇમેજ સ્રોત, FACEBOOK/HAVMORICECREAMS
કોરિયન કંપની લોટ્ટે કન્ફેક્શનરીએ અમદાવાદ સ્થિત કંપની હેવમોર આઇસક્રીમ લિમિટેડના 100 ટકા શેર ખરીદીને હસ્તાતંરણ નિર્ધારિત કર્યું છે.
કંપનીના જણાવ્યા મુજબ 23 નવેમ્બરે કંપનીના બૉર્ડ ઑફ ડિરેક્ટર્સની મળેલી બેઠકમાં આઇસક્રીમ એકમના સોદાને બહાલી આપવામાં આવી હતી.
લોટ્ટે કન્ફેક્શનરી હેવમોર આઇસક્રીમને હસ્તગત કરવા માટે 1020 કરોડ રૂપિયા ચૂકવશે.
તમને આ પણ વાંચવું ગમશે
બન્ને કંપનીઓ વચ્ચે થયેલા આ સોદાને આગામી સપ્તાહમાં સંપૂર્ણપણે વ્યાપારી માન્યતાનું સ્વરૂપ આપવામાં આવશે.
સોદો થયા બાદ પણ હેવમોર જૂથ તેમની ઇટરીઝ બ્રાન્ડ હેવમોર રેસ્ટોરાં અને આઇસક્રીમ બ્રાન્ડ હુબર & હોલી થકી ખાણી-પીણીના વ્યવસાયમાં અગાઉની જેમ જ કાર્યરત રહેશે.
આઇસક્રીમ ક્ષેત્રે લોટ્ટે કન્ફેક્શનરી પોતાનો પગપેસારો ભારતીય બજારમાં કરવા ઇચ્છતી હોવાથી આ સોદો કંપનીની વિસ્તરણ યોજનાઓ માટે લાભકારક સાબિત થશે.

73 વર્ષ જૂની કંપની

ઇમેજ સ્રોત, FACEBOOK/HAVMORICECREAMS
1944માં સ્થપાયેલી હેવમોર આઇસક્રીમ લિમિટેડ 73 વર્ષથી આ વ્યવસાય સાથે જોડાયેલી છે. કંપની ચૌદ રાજ્યોમાં 30 હજાર ડિલર્સનું નેટવર્ક ધરાવે છે.
દક્ષિણ કોરિયાની લોટ્ટે કન્ફેક્શનરીએ ભારતીય બજારમાં 2004ની સાલમાં પ્રવેશ કર્યો હતો. કંપની ચોકો-પાઈના બજારમાં ૯૦% હિસ્સો ધરાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

શું કહે છે બજારના તજજ્ઞો
એક અહેવાલ મુજબ વર્ષ, 2016માં દેશમાં ઉત્પાદિત થતા આઇસક્રીમનો 12 ટકા હિસ્સો એકલું ગુજરાત આરોગતું હતું.
હેવમોર-લોટ્ટે સોદા વિષે અમદાવાદ સ્થિત સમીક્ષા કેપિટલના સ્ટોક માર્કેટ એનાલિસ્ટ ભાવિન શાહ કહે છે, "આ સોદો લોટ્ટેને ભારતીય બજારમાં પગપેસારો કરવા માટે સારી તક આપશે."
ગત વર્ષોમાં વીજળી સહિત માળખાકીય સુવિધા અંગે બહાર પડેલા સરકારી આંકડાઓ પરથી એક વાત ચોક્કસ ફલિત થાય છે કે આઇસક્રીમ અથવા સંલગ્ન 'કોલ્ડ ચેઇન' વ્યવસાય માટે જરૂરી એવી માળખાકીય સુવિધા હવે ભારતમાં સારી રીતે ઉપલબ્ધ છે.

ઇમેજ સ્રોત, FACEBOOK/BHAVIN.AMDAVAD
ભાવિન ઉમેરે છે, "આ પ્રકારની માળખાકીય સુવિધા ઉપલબ્ધ હોવાને કારણે ઘણી બહુરાષ્ટ્રીય કંપનીઓ હવે આ પ્રકારની ભારતીય બ્રાન્ડ્સને હસ્તગત કરવા પ્રયત્નશીલ થશે."
કોલ્ડ ચેઇન વ્યવયાયમાં આમ એક ખર્ચાળ વ્યવસાય તરીકે જોવામાં આવે છે. આ વ્યવસાયમાં સતત નવીનતા લાવતી રહેવી પડે છે અને આ એક ખર્ચાળ પ્રક્રિયા છે તેવું આઇસક્રીમનાં ઉત્પાદન સાથે જોડાયેલા લોકોનું કહેવું છે.

ઇમેજ સ્રોત, FACEBOOK/DEVANSHU.GANDHI.9
હસ્તાંતરણની પ્રક્રિયા માટે હેવમોરને જોઇએ એવા ભાવ નથી મળ્યા તેવું માનનારા વાડીલાલ ઇન્ડસ્ટ્રિઝ લિમિટેડના મેનેજીંગ ડિરેક્ટર દેવાંશુ ગાંધીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "હેવમોર બ્રાન્ડ ગુજરાતમાં એક સફળ બ્રાન્ડ છે, પરંતુ કંપની તેની વિસ્તરણની પ્રક્રિયાના ભાગરૂપે ઉત્તર ભારતમાં જોઈએ એટલી સફળતા નહોતી મેળવી શકી જેના ઘણાં કારણો છે."
ગાંધી કહે છે કે ઉપરોક્ત પરિસ્થિતિમાં હેવમોરનું કોરિયન કંપની દ્વારા કરાયેલું હસ્તાંતરણ લોટ્ટે કંપનીને નવી ઊંચાઇએ લઈ જશે.
ગાંધી કહે છે, "બહુરાષ્ટ્રીય કંપનીઓ પ્રોડક્ટ પોર્ટફોલિયો મજબૂત કરે છે અને સાથે સાથે જે સ્થળો પરથી વ્યાપારની શક્યતાઓ નહિવત્ હોય અને ખર્ચાઓ વધુ હોય એવા આઉટલેટ્સને તરત જ બંધ કરી દે છે."
એકંદરે આઇસક્રીમ વ્યવસાયમાં આવા ખર્ચાઓ પર જો કાબુ મેળવવામાં આવે તો તે ઘણો ફાયદાવાળો સાબિત થાય છે તેવું ગાંધી માને છે.

હેવમોરને સારો ભાવ મળ્યો

ઇમેજ સ્રોત, FACEBOOK/GUSECIndia
અમદાવાદ સ્થિત વ્યાપાર જગતનો વર્ષોથી અભ્યાસ કરી રહેલા સુનિલ પારેખે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે હેવમોર માટે આ સોદો ફાયદાકારક છે.
પારેખે કહ્યું, "આ સોદો એટલે હેવમોર માટે ફાયદાવાળો છે, કારણ કે આજે જે વેલ્યુએશન હેવમોરને મળ્યું છે તે વેલ્યુએશન કદાચ તેને ભવિષ્યમાં મળે કે ન પણ મળે તે કહેવું મુશ્કેલ છે.
"ઉપરાંત કોરિયન કંપની વધુ રોકાણ કરીને પોતાનો પ્રોડક્ટ પોર્ટફોલિયો મજબૂત કરશે. જેના પગલે વધુ નોકરીઓની તકો ઊભી થશે. જેની ભારતને જરૂર છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












