‘મહિલા અને પુરુષો બન્ને તરફથી સાથે સૂવાના પ્રસ્તાવ મળ્યા’

ઇમેજ સ્રોત, SPICE PR
- લેેખક, સુપ્રિયા સોગલે
- પદ, બીબીસી ગુજરાતી માટે
હૉલિવૂડના તાકતવર વ્યક્તિ મનાતા હાર્વી વાઇનસ્ટાઇનના જાતીય શોષણના ખુલાસા પછી આખી દુનિયામાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.
હૉલિવૂડ અને હિંદી ફિલ્મોમાં ખ્યાતિ મેળવનાર ઇરફાન ખાને ફિલ્મ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો અને જાતીય શોષણ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
તેમણે સ્વીકાર્યું હતું કે તેમને કામના બદલામાં સમાધાન કરવાના પ્રસ્તાવ કેટલીય વખત આવ્યા હતા.
પોતાની આગામી ફિલ્મ 'કરીબ કરીબ સિંગલ'ના સંબંધે અનૌપચારિક વાતચીત દરમિયાન ઇરફાને કહ્યું, "મને એવા પ્રસ્તાવ આવ્યા જેનો સીધો મતલબ એવો હતો કે હું જો તેમની સાથે સૂઈ જાઉં તો મને કામ મળશે."
તમને આ વાંચવું પણ ગમશે :
ઇરફાને કહ્યું કે આવા પ્રસ્તાવ મને મહિલા અને પુરુષો બન્ને તરફથી મળ્યા હતા. જોકે પહેલાં આવું થતું હતું, હવે નહીં.
મહિલા કરતા પુરુષો તરફથી આવા પ્રસ્તાવ ઓછા પ્રમાણમાં મળ્યા હતા. આ પ્રસ્તાવમાં 'ના' કહેવાનો અવકાશ હોય છે. પરંતુ જ્યાં બળજબરી થાય તેની નિંદા કરીએ એટલી ઓછી છે.
ઇરફાને કહ્યું "કોઈ વ્યક્તિ આવું જો વારંવાર કરી રહ્યો હોય તો તેનો પર્દાફાશ કરવો જરૂરી છે. તેની ચર્ચા થવી પણ જરૂરી છે."

ઇમેજ સ્રોત, SPICE PR
ઇરફાનનું માનવું છે કે જાતીય શોષણ એ એક બીમારી છે. જે સમાજની વર્તમાન દશાને દર્શાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સમાજમાં જાતીયતા દબાયેલી છે. જે શક્તિશાળી લિંગ હશે તે બીજી લિંગનું શોષણ કરશે.
શોષણ નહીં દમન મહત્ત્વનો મુદ્દો છે. જ્યાં લોકોને એકબીજામાં ભળવાની છૂટ નથી.
સરકાર કે અન્ય સંસ્થા કોણ છે જે પોતાના નિર્ણય સમાજ પર થોપી શકે. એ કોઈની અંગત પસંદગી હોવી જોઈએ.
આ વર્ષે જ્યાં ફિલ્મસ્ટાર્સની ફિલ્મો ફ્લૉપ થઈ ત્યાં ઇરફાનખાનની ફિલ્મ 'હિંદી મીડિયમ' સફળ રહી છે.
તેમનો પ્રયાસ રહે છે કે તે દર્શકો સાથે જોડાઈ શકે એવાં પાત્રોની પસંદગી કરે.
સાથે તે એમ પણ કહ્યું કે હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હાલ થોડી હતાશ છે.

ઇમેજ સ્રોત, Getty Images / Christopher Polk
ઇરફાને કહ્યું હતું કે અમારા કેટલાંક દર્શકો હૉલિવૂડ તરફ દોટ મૂકી રહ્યા છે તો કેટલાંક પ્રાદેશિક ફિલ્મો તરફ.
તેમના મુજબ હિંદી ફિલ્મોના દર્શકો ઘટી રહ્યા છે કારણ કે તેમણે વિષય તો પસંદ કરી લીધો છે પણ તેને અસલી રૂપમાં સમજતા નથી.
દર્શકો સાથે જોડાયેલી ફિલ્મ બની રહી છે એ જ કન્ટેમ્પરરી સિનેમા છે.
ઇરફાનખાન પોતાને નસીબદાર માને છે કે તેમને ટૉમ હૈંક્સ જેવા પશ્ચિમના મોટા સ્ટાર સાથે કામ કરવાનો મોકો મળ્યો.
ત્યાંના સ્ટારની ખાસિયત જણાવતા ઇરફાને કહ્યું કે ત્યાંના સ્ટાર પોતાની છબી સુધારવા પ્રચાર કરતા નથી.
તેઓ એક જ પ્રકારના બીબાંઢાળમાં બંધાયેલા નથી રહેતા. પશ્ચિમના સ્ટાર માટે ફિલ્મની વાર્તા જરૂરી હોય છે.
તેઓ જો પોતાની ઇમેજને મોટી કરતા રહ્યા તો તેમને કામ મળવાનું બંધ થઈ જશે. તેમને વારંવાર નવા પાત્રમાં ઢળવું જરૂરી હોય છે.

ઇમેજ સ્રોત, SPICE PR
ફિલ્મ 'પીકૂ'માં દીપિકા પાદુકોણ સાથે કામ કરી ચૂકેલા ઇરફાન ખાન વિશાલ ભારદ્વાજની આગામી એક ફિલ્મમાં ફરી દીપિકા સાથે જોવા મળશે. જેના માટે તેઓ ખૂબ ઉત્સાહિત છે.
ઇરફાનનું માનવું છે કે દીપિકા સાથે કામ કરવું એટલે સ્વપન સાચું થવા બરાબર છે. તેમણે અણસાર આપ્યા છે કે આ ફિલ્મમાં તેઓ ગીત પણ ગાઈ શકે છે.
જ્યાં એક પછી એક ફિલ્મી સ્ટાર્સની બાયોગ્રાફી આવી રહી છે ત્યારે ઇરફાનખાને સ્પષ્ટ કર્યું છે કે તેઓ પોતાની આત્મકથા ક્યારેય નહીં લખે.
કારણ કે આત્મકથાને તેઓ પોતાનો રાગ આલાપવાનું પગલું ગણે છે. તેઓ માને છે તે કંટાળાજનક પ્રવૃત્તિ છે.
ઇરફાને કહ્યું કે તેમને સંતોષ છે કે તેમને ફિલ્મો બનાવવાનો અને દર્શકો સાથે વિભિન્ન વાર્તાઓ વહેંચવાનો મોકો મળ્યો.
પરંતુ તેમણે કહ્યું કે કોઈ એવો લેખક આવે કે જે તેમને અને તેમના જીવનની અનોખી રીતે સમીક્ષા કરી નવો દૃષ્ટિકોણ લાવે તો તેઓ પોતાના જીવન પર કથા લખવાની મંજૂરી આપશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












