દર્શકોને ક્યારેય ખુશ ન રાખી શકાય: તબ્બૂ

    • લેેખક, સુપ્રિયા સોગલે
    • પદ, મુંબઈથી બીબીસી ગુજરાતી માટે

'વિજયપથ'થી હિન્દી ફિલ્મોમાં પોતાના કારકિર્દીની શરૂઆત કરવા વાળી અભિનેત્રી તબ્બૂની ફિલ્મી સફર બે દાયકા કરતા વધારે રહી છે. પરંતુ તે કામની પાછળ ભાગવા વાળી અભિનેત્રી નથી.

બીબીસી સાથે થયેલી વાતચીતમાં તબ્બૂએ કહ્યું, "મને કામ કરવાનો જ શોખ નથી. હું માત્ર મારા પોતાના લોકો સાથે કામ કરવા માગું છું જ્યાં હું મોજ મસ્તી કરી શકું. હું મારા જીવનમાં સુખી છું."

રોહિત શેટ્ટીની નવી ફિલ્મ ગોલમાલ-4માં અજય દેવગણ, અરશદ વારસી, તુષાર કપુર, શ્રેયસ તલપડે અને કુણાલ ખેમૂ તો ફરી એક વખત સાથે આવી જ રહ્યા છે.

તમને આ વાંચવું પણ ગમશે

પણ રોહિત શેટ્ટીની આ જૂની ટીમમાં બે નવા ચહેરાનો સમાવેશ થયો છે. તે છે પરિણીતી ચોપડા અને તબ્બૂ.

દર્શકોને ખુશ નથી રાખી શકાતા

'મકબૂલ', 'ફિતૂર', 'અસ્તિત્વ', 'ચાંદની બાર' અને 'હૈદર' જેવી ફિલ્મોમાં ગંભીર ભૂમિકાઓમાં અભિનય કરી ચૂકેલાં તબ્બૂ ઘણા સમયથી કૉમેડી ફિલ્મમાં કામ કરવા ઇચ્છતાં હતાં.

આ જ કારણથી તેમણે રોહિત શેટ્ટીની 'ગોલમાલ-4' ફિલ્મ સાઈન કરી.

જો કે તબ્બૂએ એ વાતની પણ સ્પષ્ટતા કરી કે ફિલ્મ ભલે કૉમેડી હોય, પણ તેમનો રોલ ખૂબ ગંભીર છે.

તબ્બૂનું માનવું છે કે જ્યારે તેઓ ગંભીર ભૂમિકા નિભાવે છે, ત્યારે દર્શકો પૂછે છે કે તે કૉમેડી ફિલ્મો કેમ નથી કરતાં?

અને જ્યારે કૉમેડી ફિલ્મોમાં કામ કરે છે તો દર્શકો તેમની પાસેથી ગંભીર ભૂમિકાની આશા રાખે છે.

તબ્બૂ માને છે કે, દર્શકોને ક્યારેય ખુશ નથી રાખી શકાતા. એ જ કારણ છે કે તે પોતાના મનની વાત સાંભળીને ફિલ્મોની પસંદગી કરે છે.

વર્ષમાં માત્ર એક ફિલ્મ

ઓછી ફિલ્મોમાં કામ કરવા વિશે તબ્બૂ કહે છે, "મારી પેઢીની કેટલી અભિનેત્રીઓ છે કે જે હાલ ફિલ્મો કરી રહી હોય? હું વર્ષમાં એક ફિલ્મ તો કરૂં છું."

'ગોલમાલ-4'માં તબ્બૂ ખાસ મિત્ર અજય દેવગણ સાથે જોવા મળશે. તેમણે અજય દેવગણ સાથેના તેમના સંબંધોને ખાસ ગણાવ્યા હતા.

તબ્બૂ કહે છે કે, અજય દેવગણ અને તેમણે કારકિર્દીના દરેક પગલે સાથે કામ કર્યું છે અને એટલે તેમના માટે અજય દેવગણ સાથે કામ કરવું ખૂબ સહેલું છે.

આત્મકથા નહીં લખું

તબ્બૂ પોતાનાં ફિલ્મી કરિયરમાં અમિતાભ બચ્ચન સાથેની રોમેન્ટીક ફિલ્મ 'ચીની કમ'ને માઈલસ્ટોન માને છે.

કેમ કે, આ ફિલ્મ બાદ જ આ પ્રકારની જોડીઓ બનવાની શરૂઆત થઈ જેમાં હિરો હિરોઈનની ઉંમર વચ્ચે ખૂબ વધારે અંતર જોવા મળ્યું અને ફિલ્મ પણ ‘કંઈક હટકે’ હતી.

પોતાના 20 વર્ષના કરિયરમાં તબ્બૂએ ઘણા ઉતાર ચઢાવ જોયા છે, પણ તેમણે નક્કી કર્યું છે કે તે ક્યારેય આત્મકથા નહીં લખે.

રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત 'ગોલમાલ-4'માં તબ્બૂ સિવાય અજય દેવગણ, અરશદ વારસી, પરિણીતી ચોપડા, તુષાર કપુર અને કુણાલ ખેમૂ જોવા મળશે. ફિલ્મ 20 ઑક્ટોબરે રિલીઝ થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો