યોગી આદિત્યનાથ : ગોરખનાથ મંદિરથી લખનૌ સચિવાલય વાયા સંસદ

ઇમેજ સ્રોત, WWW.YOGIADITYANATH.IN
નરેન્દ્ર મોદીને 2019ની લોકસભાની ચૂંટણીમાં જંગી બહુમત મળ્યો અને તેમણે કેન્દ્રમાં સરકાર બનાવી, તેમાં ઉત્તર પ્રદેશનો મહત્ત્વપૂર્ણ ફાળો રહ્યો હતો.
2014 પછી અનેક નવા રાજ્યોમાં ભાજપે સત્તા મેળવી છે, પરંતુ ભાજપનું શીર્ષસ્થ નેતૃત્વ એ વાત નહોતું ભૂલ્યું કે 'દિલ્હી જવાનો રસ્તો યુપી થઈને જાય છે.'
2019માં ભાજપે એકલા હાથે 62 બેઠક ઉપર વિજય મેળવ્યો છે, જ્યારે સાથીપક્ષ અપના દળ (સોનેલાલ)એ બે બેઠક ઉપર વિજય મેળવ્યો છે.
પ્રયાગરાજ ખાતે કુંભમેળાનું સફળ આયોજન તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધાર દ્વારા યોગી આદિત્યનાથે મુખ્ય મંત્રી તરીકે તેમની હાજરી નોંધાવી છે.
ગોરખપુર, ફૂલપુર, કૈરાના જેવી લોકસભા બેઠકોમાં પરાજય છતાંય આગામી લોકસભા ચૂંટણી વખતે આદિત્યનાથની ભૂમિકા કેન્દ્ર સ્થાને રહી.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મંગળવારે 46 વર્ષના થયા. ત્યારે જાણો ભાજપમાં હિંદુત્વનો ચહેરો મનાતા યોગી આદિત્યનાથ વિશે.

કોણ છે યોગી આદિત્યનાથ?

ઇમેજ સ્રોત, MANOJ SINGH
યોગી આદિત્યનાથ હાલ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે. તેમની શરૂઆતની રાજકીય સફર પર એક નજર.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બે દાયકા પહેલાની વાત છે. ગોરખપુર શહેરના મુખ્ય બજાર ગોલઘરમાં ગોરખનાથ મંદિર દ્વારા સંચાલિત ઇન્ટર કૉલેજમાં ભણતા હતા.
ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ એક દુકાન પર કપડા ખરીદવા ગયા અને દુકાનદાર સાથે તેમને સંઘર્ષમાં ઉતરવું પડ્યું.
દુકાનદારે રિવોલ્વર કાઢી વિદ્યાર્થીઓ સામે તેને તાકી દીધી હતી.
જેને પગલે દુકાનદાર સામે કાર્યવાહીની માંગને લઈને બે દિવસ સુધી એક યુવકના નેતૃત્વમાં વિદ્યાર્થીઓએ ઉગ્ર આંદોલન કર્યું હતું.

તમે આ વાંચ્યું કે નહીં?


ઇમેજ સ્રોત, WWW.YOGIADITYANATH.IN
ત્યારે આ યુવક વિરોધ નોંધાવવા એસએસપીનાં ઘરની દીવાલ ચઢી ગયો હતો.
આ યુવક તે બીજું કોઈ નહીં પણ યોગી આદિત્યનાથ હતા.
યોગી આદિત્યનાથે 15 ફેબ્રુઆરી 1994ના રોજ નાથ સંપ્રદાયના સૌથી મોટા મઠ ગોરખનાથ મંદિરના ઉત્તરાધિકારી તરીકે તેમના ગુરૂ મહંત અવૈદ્યનાથ પાસેથી દીક્ષા લીધી હતી.
આ સાથે જ ગોરખપુરની રાજનીતિમાં એક 'એંગ્રી યંગ મેન'ની આ ધમાકેદાર ઍન્ટ્રી થઈ.


ગઢવાલમાં જન્મ

ઇમેજ સ્રોત, MANOJ SINGH
ઉત્તરાખંડના ગઢવાલના એક ગામના અજય સિંહ બિષ્ટના યોગી આદિત્યનાથ બનવા પહેલાંના જીવન વિષે લોકો વધુ નથી જાણતા.
યોગીએ હેમવતીનંદન બહુગુણા વિશ્વવિદ્યાલય-ગઢવાલમાંથી વિજ્ઞાન પ્રવાહમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી.
તેમના પરિવારના લોકો ટ્રાન્સપોર્ટના બિઝનેસ સાથે સંકળાયેલા છે. અત્રે નોંધવું કે મહંત અવૈદ્યનાથ પણ ઉત્તરાખંડના જ હતા.
ગોરખનાથ મંદિરના મહંતની ગાદીના ઉત્તરાધિકારી બન્યાના ચાર વર્ષ બાદ મહંત અવૈદ્યનાથે યોગીને તેમના રાજનીતિક ઉત્તરાધિકારી બનાવી દીધા હતા.

હિંદુ યુવા વાહિની

ઇમેજ સ્રોત, FACEBOOK ADITYANATH
ગોરખપુર બેઠકથી મહંત અવૈધનાથ ચાર વખત સાંસદ રહ્યા તે બેઠક પરથી યોગી 1998માં 26 વર્ષની વયે લોકસભા ચૂંટણી જીતીને સાંસદ બન્યા હતા.
યોગી આદિત્યનાથે એક ખાનગી સેના રૂપે 'હિંદુ યુવા વાહિની'ની રચના કરી. યોગી તેને સાંસ્કૃતિક સંગઠન કહે છે.
તેમના જણાવ્યા અનુસાર આ સંગઠન હિંદુ વિરોધી, રાષ્ટ્ર વિરોધી અને માઓવાદી ગતિવિધિઓને નિયંત્રિત કરે છે.
'હિંદુ યુવા વાહિની' પર સાંપ્રદાયિક હિંસા ભડકાવવાના કેટલાક કેસ પણ થયેલા છે.


પંચરુખિયાકાંડ

ઇમેજ સ્રોત, YOGI ADITYANATH
આ ઘટનાની શરૂઆત મહારાજગંજ જીલ્લામાં પંચરુખિયાકાંડથી થઈ.
જેમાં યોગી આદિત્યનાથના કાફલામાંથી છૂટેલી ગોળીને લીધે સમાજવાદી પાર્ટીના નેતા તલત અઝીઝના સરકારી ગનમેન સત્યપ્રકાશ યાદવનું મોત થયું હતું.
ત્યારે રાજ્યમાં કલ્યાણ સિંહના નેતૃત્વમાં ભાજપની સરકાર હતી.
આ કેસની તપાસ સીબીસીઆઈડીને સોંપવામાં આવી હતી અને તપાસમાં યોગીને ક્લીનચિટ મળી હતી.
જો કે તલત અઝીઝ હજી પણ અડગ રહેતા આ મામલે કેસ ચાલુ જ છે.
વર્ષ 2007માં એક યુવકની હત્યાને પગલે પરિસ્થિતિ વણસતા રાજ્યમાં કેટલાક સ્થળે કર્ફ્યૂ લગાવી દેવાયો હતો.
આમ છતાં યોગીએ સભા કરી ભાષણ કરતા તેમને 28 જાન્યુઆરી 2007ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
જોકે તેમની ઘરપકડ કરનારા પોલીસ અઘિકારીને મુલાયમ સરકારે સસ્પેન્ડ કરી દીધા હતા.
2007માં ધરપકડ બાદ યોગી હવે દરેક ઘટના સ્થળો પર જઈને ત્યાં તેમની રીતે ન્યાય કરવાની જીદ ન કરી, પણ લવ જેહાદ, ઘર વાપસી, ઈસ્લામિક આતંકવાદ, માઓવાદ પર હિંદુ સંમેલનનું આયોજન કરી અવારનવાર ગરજતા રહ્યા.


વધતો દબદબો

ઇમેજ સ્રોત, FACEBOOK ADITYANATH
નેપાળમાં રાજતંત્રની સમાપ્તિ અને તેના ધર્મનિરપેક્ષ થવા પર તેમણે દુઃખ વ્યક્ત કર્યું હતું.
આદિત્યનાથ નેપાળની એકતા માટે તે રાજાશાહીની તરફેણ કરતા હતા.
તેઓ ગોરખનાથ મંદિર દ્વારા ચાલતી 30થી વધુ શિક્ષણ-સ્વાસ્થ્ય સંસ્થાઓના અધ્યક્ષ-સચિવ છે.
એક મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ બનાવવામાં પણ તેમનું યોગદાન છે.
ગોરખપુર,તુલસીપુર અને મહારાજગંજ તથા નેપાળમાં પણ તેમના મઠના મંદિરોની સંપત્તિઓ છે.
તેમની દિનચર્યાની શરૂઆત સવારે મંદિરમાં દરબાર સાથે થાય છે, જેમાં તે લોકોની સમસ્યાઓ સાંભળે છે.
સાથે જ તેના સમાધાન માટે બાદમાં અધિકારીઓને આદેશ આપે છે.
ત્યારબાદ ક્ષેત્રમાં શિલાન્યાસ, લોકાર્પણના કાર્યક્રમોમાં અને બેઠકોમાં તે વ્યસ્ત થઈ જાય છે.

જનતા સાથે સીધો સંપર્ક

ઇમેજ સ્રોત, Getty Images
એક સમયે યોગીના પૂર્વ મીડિયા પ્રભારી અને ભૂતકાળમાં તેમના દ્વારા પ્રકાશિત કરવામાં આવતા સાપ્તાહિક અખબાર 'હિંદવી'ના સંપાદક રહેલા ડૉક્ટર પ્રદીપ રાવ આ અંગે જણાવે છે.
તેમના કહેવા પ્રમાણે, "યોગીની સૌથી મોટી ખાસિયત જનતા સાથે તેમનો સીધો સંપર્ક અને સંવાદ છે."
ગોરખનાથ મંદિરના સામાજીક કાર્યોની જનતા પર ઘણી અસર છે.
યોગીએ હિંદુ યુવા વાહિની સિવાય વિશ્વ હિંદુ મહાસંઘ સાથે પણ તેમના કાર્યકર્તાઓને જોડી દીધા છે.
જો કે ભાજપના કેટલાક નેતાઓ માને છે કે યોગીની રાજકીય તાકતને વધારે પડતી આંકવામાં આવી રહી છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












