ગુજરાત હાઇકોર્ટના ગોધરાકાંડ અંગેના ચુકાદાથી મૃતકોના પરિવારજનો નારાજ

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
સોમવારે ગુજરાત હાઇકોર્ટે ગોધરાકાંડ અંગે ચુકાદો આપ્યો. જેનાથી મૃતકોના પરિવારજનોમાં અસંતોષ છે. જોકે, ગોધરાના સિગ્નલ ફળિયા વિસ્તારમાં અલગ સ્થિતિ છે.
ગોધરામાં સાબરમતી એક્સ્પ્રેસના એસ-6 કોચમાં લગાડવામાં આવેલી આગની ઘટનામાં માર્યા ગયેલાં 59 મૃતકોમાંથી એક રાજેશ વાઘેલા પણ હતા.
રાજેશ વાઘેલાના પિતા સરદારજી વાઘેલા અને માતા રાધાબહેનને આ ચૂકાદાથી સંતોષ નથી.
તમને આ પણ વાંચવું ગમશે
રાજેશ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર હતા.
સરદારજી કહે છે, "આ અંગે કાયદાકીય લડત હાથ ધરીશ. દોષિતોને મોતની સામે મોતની જ સજા થવી જોઈએ."
78 વર્ષીય સરદારજી વાઘેલા ઉમેરે છે, "મારું બહુ થોડું જીવન વધ્યું છે. આ જીવનમાં ન્યાય મળે તેની કોઈ આશા નથી."
સરદારજી કહે છે, "કેસને અહીં સુધી પહોંચતા 15 વર્ષ થઈ ગયા છે. "
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

'રૂપિયા પતિની તોલે ન આવે'

ઇમેજ સ્રોત, Kalpit Bhacech
27 ફેબ્રુઆરી 2002ના દિવસે ગોધરાકાંડની સાથે ખોખરામાં રહેતા પટેલ પરિવારનું ભવિષ્ય પણ બદલાઈ ગયું.
સાબરમતી ટ્રેનમાં અમદાવાદ પરત ફરી રહેલા વિઠ્ઠલભાઈનું મોત થયું હતું.
તેમના પત્ની મણિબહેને છૂટક કામો કરીને દીકરા રાજેન્દ્રને મોટો કર્યો છે.
સ્થાનિક પત્રકાર કલ્પિત ભચેચ સાથે વાતચીતમાં મણિબહેન કહે છે કે, "અમારો માણસ તો જતો રહ્યો. દસ લાખ રૂપિયા મારા પતિની તોલે નહીં આવે. અમને રૂપિયાનો કોઈ હરખ નથી રહ્યો."
મણિબહેને ચુકાદા પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો હતો.

'પિતા છૂટશે ત્યારે આનંદ થશે'

ઇમેજ સ્રોત, Daxesh Shah
અમદાવાદથી લગભગ 130 કિલોમીટર દૂર ગોધરામાં રહેતા અને આ કેસમાં સજા પામેલા દોષિત રમઝાની બિન યામીન બહેરાના પરિવારમાં અલગ સ્થિતિ છે.
સ્થાનિક પત્રકાર દક્ષેશ શાહ સાથે વાતચીતમાં રમઝાનીનાં દીકરી નૂરજહાંએ કહ્યું, "પિતાની ફાંસીની સજા ઘટીને જનમટીપ થઈ ગઈ છે તે જાણીને આનંદ થયો."
જ્યારે પિતાની ધરપકડ થઈ, ત્યારે નૂરજહાં ખૂબ નાની હતી. તેઓ છ ભાઈબહેન છે.
કચરા-પોતાં અને વાસણ જેવા ઘરકામ દ્વારા તેમના ઘરનું ગુજરાન ચાલે છે.
બહેરા પરિવાર ગોધરાના સિગ્નલ ફળિયા વિસ્તારમાં ભાડાના ઘરમાં રહે છે.
નૂરજહાં કહે છે કે જ્યારે પિતા છૂટીને ઘરે આવશે, ત્યારે તેમને ખરો આનંદ થશે.
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વાતચીતમાં એડ્વોકેટ આઈ.એચ. સૈયદે કહ્યું, "જેમને ફાંસીની સજા થઈ છે. તેમના માટે આ ચુકાદો નવજીવન સમાન બની રહેશે."
તમને આ પણ વાંચવું ગમશે
શું છે કેસ?
27મી ફેબ્રુઆરી 2002ના સાબરમતી એક્સપ્રેસના ટ્રેનના એક ડબ્બાને ગોધરા સ્ટેશન પાસે આગ લગાવી દેવામાં આવી હતી.
આગમાં 59 લોકો માર્યાં ગયાં હતાં. જેમાં મોટાભાગે અયોધ્યાથી પરત ફરી રહેલા હિંદુ કારસેવકો હતા.
ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં હુલ્લડો ફાટી નીકળ્યા, જેમાં એક હજારથી વધુ લોકોનાં મોત થયાં હતાં.
રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આ એક પૂર્વ આયોજીત કાવતરું હતું.
તપાસ અંગે સવાલ ઊભા થતાં સુપ્રીમ કોર્ટે વર્ષ 2008માં આર.કે. રાઘવનના નેતૃત્વમાં તપાસ સમિતિ રચવાનો આદેશ આપ્યો હતો.
આ મામલે જૂન 2009માં સુનાવણી શરૂ થઈ હતી.
વિશેષ કોર્ટે પહેલી માર્ચ 2011ના આ કેસમાં 11 દોષિતોને ફાંસીની સજા સંભળાવી હતી. જ્યારે વીસને જનમટીપ સંભળાવી હતી.
હાઇકોર્ટે 11 દોષિતોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી નાખી છે. જ્યારે અન્યોની સજા યથાવત રાખી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












