ગોધરાકાંડ : ગુજરાત હાઇકોર્ટે 11 દોષિતોની ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવી

ઇમેજ સ્રોત, SEBASTIAN D'SOUZA/AFP/Getty Images
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી ન્યૂઝ
ગુજરાત હાઇકોર્ટે આજે ગોધરાકાંડ કેસમાં ચુકાદો આપ્યો છે.
જેમાં 11 દોષિતોની ફાંસીની સજાને કોર્ટે આજીવન કેદમાં ફેરવી દીધી છે. તેમજ 20 આરોપીઓને ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલી આજીવન કેદની સજા ગુજરાત હાઇકોર્ટે યથાવત રાખી છે.
તેમજ ટ્રાયલ કોર્ટના 63 આરોપીઓને નિર્દોષ ઠેરવતા ચુકાદાને પણ ગુજરાત હાઇકોર્ટે યથાવત રાખ્યો છે.
હાઇકોર્ટે જણાવ્યું કે પીડિતો દ્વારા કરાયેલી વળતરની માગણીને ગ્રાહ્ય રાખી હુકમ કરવામાં આવે છે.
તેમજ આ ઘટનામાં જેઓ મૃત્યુ પામ્યા છે તેમના પરિવારોને રાજ્ય સરકાર રૂપિયા 10 લાખનું વળતર ચુકવી આપે.
શું હતો ટ્રાયલ કોર્ટનો ચુકાદો?

ઇમેજ સ્રોત, Getty Images
ટ્રાયલ કોર્ટે 2011માં 31 લોકોને આ કેસમાં ગુનેગાર ઠેરવ્યા હતા. જેમાં 11 આરોપીઓને ફાંસીની સજા કરવામાં આવી હતી.
20 લોકોને આજીવન કેદની સજા આપવામાં આવી હતી તેમજ કોર્ટે 63 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જે બાદ આ ચુકાદાને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

ચૂકાદા વિશે શું કહે છે વકીલો

ઇમેજ સ્રોત, Daxesh Shah
સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના વકીલ જે.એમ. પંચાલે કહ્યું હતું કે હાઇકોર્ટનો ચુકાદો વાંચીને આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેશે.
તેમણે જણાવ્યું કે, 11 દોષિતોની સજા ફાંસીમાંથી બદલીને આજીવન કેદમાં બદલવા સિવાય હાઈકોર્ટે સ્પેશ્યલ કોર્ટે આપેલા ચૂકાદામાં કોઈ પરિવર્તન નથી કર્યું.
હાઈકોર્ટે 63 આરોપીને મુક્ત કરવાનો અને 20 દોષિતોને આજીવન કેદનો સ્પેશ્યલ ચૂકાદો જાળવી રાખ્યો છે.
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વાતચીતમાં વકીલ આઈ.એચ. સૈયદે કહ્યું, "જેમને ફાંસીની સજા થઈ છે. તેમના માટે આ ચુકાદો નવજીવન સમાન બની રહેશે."
સૈયદ આ કેસમાં અનેક દોષિતો વતી કેસ લડી રહ્યાં છે. જેમાંથી કેટલાકને ફાંસીની સજા પણ થઈ હતી.
અન્ય એક વકીલ કે.જી. શેખના કહેવા પ્રમાણે, "ચુકાદાથી સ્પષ્ટ થાય છેકે હાઇકોર્ટ આ કેસને 'રેરેસ્ટ ઓફ ધ રેર' કેસ નથી ગણતી."

શું હતી ઘટના?
27 ફેબ્રુઆરી 2002ના રોજ ઉત્તરપ્રદેશથી આવી રહેલી સાબરમતી એક્સ્પ્રેસને ગોધરા પાસે અટકાવવામાં આવી હતી.
ત્યારબાદ ટ્રેન પર મુસ્લિમ ટોળાંએ હુમલો કરતા ટ્રેનના એસ 6 કોચને આગ ચાંપવામાં આવી હતી.
જેમાં ટ્રેનમાં સફર કરી રહેલા 59 કાર સેવકોનાં મૃત્યુ થયા હતા.
ગોધરા પાસે બનેલી આ ઘટના બાદ રાજ્યભરમાં તેના પડઘા પડ્યા હતા.
જે બાદ રાજ્યભરમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. જેમાં 1000થી વધુ લોકોનાં મૃત્યુ થયા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














